Mumbai

મુદ્દત બાદની પાણી બોટલો, માખીવાળાં રસગુલ્લાં અપાતાં ૪.૭૫ લાખનો દંડ

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
નાગપુરના ફન એન્ડ ફૂડ વિલેજને ગ્રાહક અદાલતે 4.75 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. સગાઈ સમારોહમાં એક્સપાયરી ડેટવાળી પાણીની બોટલો અને માખીઓવાળી મીઠાઈ પીરસવામાં આવી હતી. ગ્રાહક કોર્ટે આ કૃત્યને સેવામાં ખામી અને જીવન જોખમમાં મૂકતું અત્યંત બેદરકારીભર્યું ગણાવ્યું. આ ઘટના ગ્રાહકોના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુદ્દત બાદની પાણી બોટલો,  માખીવાળાં રસગુલ્લાં અપાતાં ૪.૭૫ લાખનો દંડ

નાગપુરના ફન એન્ડ ફૂડ વિલેજને ગ્રાહક અદાલતનો આદેશ

સગાઈ સમારોહ માટે હોલ બૂક કરાવ્યો હતોઃ સેવામાં ખામી સાથે  જીવને જોખમમાં મૂકતું  કૃત્ય હોવાનું ગ્રાહક કોર્ટનું નિરીક્ષણ

મુંબઈ -  નાગપુરની  એડિશનલ ડિસ્ટ્રીક્ટ કન્ઝયુમર ડિસ્પ્યુટ્સ રિએડ્રેસલ કમિશને એક એમ્યુઝમેન્ટ પાર્કમાં સગાઈ સમારોહ દરમિયાન એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી પીવાના પાણીની બોટલો  અને માખીઓ પડેલા મીઠાઈનાં પદાર્થો પીરસવાના મામલે સંબંધિત પાર્ટીને રુપિયા ૪.૭૫ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કમિશને સ્પષ્ટ કર્યું કે એક્સપાયર થયેલો ખાદ્યપદાર્થ અને પીણું પીરસવું એ માત્ર સર્વિસની ખામી નથી, પરંતુ જીવન અને આરોગ્યને જોખમમાં મૂકતું અત્યંત બેદરકારીભર્યું અને બેજવાબદાર કૃત્ય છે. આવી ઘટના ગ્રાહકોના જીવન અને આરોગ્ય માટે જોખમી વસ્તુઓ તથા સેવાઓથી સુરક્ષિત રહેવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.

નાગપુરના  એક રહેવાસીએ પોતાની પુત્રીની સગાઈ માટે ૧૦ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ ૨૫૦થી ૩૦૦ મહેમાનો માટે ફન એન ફૂડ વિલેજખાતે હૉલ બૂક કર્યો હતો અને ૧.૫૦ લાખ રુપિયા ચૂકવ્યા હતા, જેમાં ૫૦,૦૦૦ રુપિયાની રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝિટનો સમાવેશ થતો હતો. ફરિયાદ મુજબ, મહેમાનો પહોંચ્યા બાદ પણ સાંજે ૪ વાગ્યા સુધી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નહોતું. ત્યારબાદ આપવામાં આવેલી પાણીની બોટલોની એક્સપાયરી તારીખ ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૧ હતી. વધુમાં, મહેમાનોને પીરસવામાં આવેલા રસગુલ્લામાં મરેલી માખીઓ મળી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. દૂષિત ખોરાક અને એક્સપાયર થયેલું પાણી પીધા બાદ અનેક મહેમાનો તથા કન્યાને એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ અને ચિંતાની સમસ્યા થઈ હતી અને તેમને સારવાર તથા હોસ્પિટલમાં દાખલ કરવાની જરૃર પડી હતી.

કમિશને નોંધ્યું કે, એમ્યુઝમેન્ટ પાર્ક અને તેના સંચાલકોએ કાયદેસરની સમયમર્યાદામાં પોતાનો જવાબ રજૂ ન કરતાં મામલાનો નિર્ણય એક્સ-પાર્ટ ધોરણે કરવામાં આવ્યો. કમિશને જણાવ્યું કે, સલામત ન હોય તેવો ખોરાક પીરસવો ફૂડ સેફ્ટિ એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ દંડનીય ગુનો છે અને સંસ્થાએ ગુણવત્તા તથા સલામતી જાળવવાની પોતાની કાયદેસરની ફરજની સંપૂર્ણ અવગણના કરી હતી. પરિવારના મહત્વપૂર્ણ પ્રસંગ દરમિયાન થયેલા અપમાન અને માનસિક ત્રાસને સામાન્ય આર્થિક નુકસાન કરતાં વધુ ગંભીર ગણાવીને કમિશને ૫૦,૦૦૦ રુપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવી, સેવામાં ખામી બદલ રુપિયા ૨ લાખ, તબીબી ખર્ચ માટે રુપિયા ૧ લાખ, માનસિક ત્રાસ માટે રુપિયા ૧ લાખ અને કાયદાકીય ખર્ચ માટે રુપિયા ૨૫,૦૦૦ ચૂકવવાનો આદેશ આપ્યો છે.