પિતાએ જમીન-દુકાન વેચી રાઈફલ ખરીદી, દીકરી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ લાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હવે સોનમ ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરે તેવી પિતાની ઈચ્છા
સોનમનો પરિવાર મુંબઈમાં દૂધનો વ્યવસાય કરતો હતો, કોરોના કાળમાં ફટકો પડતાં કોલ્હાપુર પાસે વતનમાં જતા રહ્યા હતા
મુંબઈ - જાપાનમં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં કોલ્હાપુર જિલ્લાના ગામડાની કન્યા સોનમ મસ્કરે રાઇફલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીતને દેશનું નામ રોશન કર્યું છે. નિશાનબાજીમાં ટોચ પર પહોંચવાનું દીકરીનું સ્વપ્ન સાકાર કરવા માટે પિતાએ દુકાન અને થોડી જમીન વેંચી દીધી હતી અને પુત્રીને પાંચ લાખ રૃપિયાની રાઇફલ ખરીદી આપી હતી.
કોલ્હાપુર જિલ્લાના ભુદરગઢ તાલુકાના પુષ્પનગરમાં રહેતા ઉત્તમ મસ્કરે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં દીકરીનું સ્વપ્ન સાકાર કરવા માટે ગામડામાં જમીન હતી એ જમીન અને દુકાન વેંચી નાખી હતી અને એ પૈસામાંથી સોનમને પાંચ લાખની રાઇફલ ખરીદી આપી હતી. ઉત્તમ મસ્કરે કહ્યું હતું કે ૨૦૨૮માં ઓલિમ્પિક ગેમ્સમાં સોનમ સુવર્ણ ચંદ્ર જીતીને આખા દેશનું નામ રોશન કરે એ જ એક મહેચ્છા છે.
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા શૂટરોએ ધમાકેદાર શરૃઆત કરી હતી. ૧૦ મીટરની એર રાઇફલ શૂટિંગની ટીમ ઇવેન્ટમાં સોનમ મસ્કર, ઇલાવેનિલ વાલારિવન અને વિદર્સા વિનોદે સિલ્વર મેડલ જીત્યો હતો.
સોનમ મસ્કરનો પરિવાર પુષ્પનગરનો વતની છે. થોડા વર્ષો પહેલાં તેના પિતા પરિવાર સાથે મુંબઈ આવ્યા હતા અને દૂધનો વ્યવસાય શરૃ કર્યો હતો, પરંતુ કોરોનાકાળમાં દૂધના ધંધાને ફટકો પડતા પાછા વતનને ગામ આવી ગયા હતા. આર્થિક સ્થિતિ નબળી હતી અને ઘરમાં બે છેડા ભેગા કરવા મુશ્કેલ હતા. આમ છતાં સોનમની એક જ મહેચ્છા હતી કે નિશાનબાજીમાં નામના મેળવવી છે. નસીબજોગે કોલ્હાપુરના કોચ રોહિત હવાલદારે પોતાની એકેડેમીમાં સોનમને ટ્રેનિંગ આપવાની શરૃઆત કરી. એકેડેમી તરફથી જ તેને રાઇફલ અને બીજી આવશ્યક ચીજો આપવામાં આવતી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્દામાં ભાગ લેવા માટે પોતાની રાઇફલ જરૃરી હતી. એટલે પિતાએ ૨૦૨૩માં જમીન અને દુકાન વેંચી દીકરીને પાંચ લાખની રાઇફલ અને બીજી આવશ્યક ચીજો ખરીદી આપી હતી. ત્યાર પછી તેને સ્પોન્સરશિપ મળી અને સ્પોર્ટ્સ ક્વોટામાંથી રેલવેમાં નોકરી પણ મળી હતી. આમ આર્થિક સંકડામણ દૂર થવાથી અને ખુદની રાઇફલ હાથ આવતા સોનમ પૂરેપૂરી એકાગ્રતાથી અને નિષ્ઠાથી નિશાનબાજીની પ્રેક્ટિસમાં લાગી ગઈ હતી. આમ તેણે એશિયન ગેમ્સમાં રૌપ્યચંદ્રક જીત્યો હતો.




