અમેરિકી યુદ્ધ જહાજના નૌસૈનિકો દ્વારા આઠ વાર આત્મહત્યાના પ્રયાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અબ્રાહમ લિંકનની લાંબી તૈનાતી ભારે પડી
ટ્રમ્પ પ્રશાસને આખરે કબૂલાત કરી, સેનેટરોએ જહાજ પર નૌસૈનિકોના માનસિક સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરી
મુંબઈ - ટ્રમ્પ પ્રશાસને વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન અને તેના સ્ટ્રાઈક ગુ્રપની લાંબી તૈનાતી દરમ્યાન અમેરિકી સૈનિકો દ્વારા આત્મહત્યાના આઠ પ્રયાસો થયા હોવાની કબૂલાત કરી છે. કાર્યવાહક નેવી સેક્રેટરી હંગ કાઓએ ડેમોક્રેટિક સેનેટર કર્સ્ટન ગિલિબ્રૈંડના સવાલનો જવાબ આપતા આ જાણકારી આપી હતી. સેનેટરે કેરિયર પર મોજૂદ પરિસ્થિતિ તેમજ માનસિક સ્વાસ્થ્ય વિશે જાણકારી માગી હતી.
નેવીએ જણાવ્યું કે લિંકનની તૈનાતી શરૃ થયા પછી આઠ વાર આવી ઘટના બની હતી, પણ જહાજ પર કોઈએ આત્મહત્યા નથી કરી. ઓગસ્ટની શરૃઆતમાં એર વિંગમાં તૈનાત એક નાવિકના જહાજમાંથી પાણીમાં પડી જવાની ખબર આવી હતી, પણ સર્ચ એન્ડ રેસ્ક્યુ હેલિકોપ્ટરે તેને તુરંત બચાવી લીધો અને વધુ ઈલાજ માટે જહાજ પરથી હટાવી લીધો. માર્ચમાં એક વધુ નાવિકે જહાજમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો પણ સાથી નાવિકોએ તેને અટકાવી લીધો.
યુએસએસ અબ્રાહમ લિંગન નવેમ્બર ૨૦૨૫માં કેલિફોર્નિયાથી નીકળ્યું હતું. શરૃઆતમાં તેણે સાઉથ ચાઈના સમુદ્રમાં જવાનું હતું, પણ પછી ફેબુ્રઆરી ૨૦૨૬ના અંતમાં ઈરાન પર અમેરિકી-ઈઝરાયેલી હુમલા અગાઉ તેને મધ્યપૂર્વ તરફ મોકલી દેવાયું. સપ્ટેમ્બરની શરૃઆતમાં થાઈલેન્ડમાં રોકાવવા અગાઉ આ કેરિયર ૨૮૬ દિવસ સમુદ્રમાં જ રહ્યું. આમ તેની તૈનાતી અસામાન્ય રીતે લંબાઈ ગઈ હતી.
ઓગસ્ટમાં મિલિટરી પરિવારો તેમજ સેનેટરોએ કેરિયર પર આત્મહત્યાના પ્રયાસો, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, અનાજની તંગી અને ખરાબ સાફ-સફાઈ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. એ સમયે પ્રમુખ ટ્રમ્પે આ આરોપો ફગાવી દીધા હતા, જ્યારે રક્ષા મંત્રી પીટ હેગસેથે જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે. નેવીના તાજેતરના ખુલાસાથી આત્મહત્યાના પ્રયાસોની સત્તાવાર પુષ્ટી થઈ ગઈ છે જ્યારે તેમાં રહન-સહનની સ્થિતિ વિશેના આરોપો પર હજી વિવાદ ચાલી રહ્યો છે.




