'હવે સીધા 20 વર્ષ પછી આવજો!', 90 વર્ષના વૃદ્ધાના 20 કરોડના કેસ મુદ્દે મુંબઈ હાઈકોર્ટ લાલઘૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bombay High Court Defamation Case 2046: મુંબઈ હાઇકોર્ટમાંથી ન્યાયતંત્રને પણ ચોંકાવી દે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દક્ષિણ મુંબઈની એક હાઉસિંગ સોસાયટીના મેનેજિંગ કમિટીના સભ્યો સામે 90 વર્ષના એક વૃદ્ધા અને તેમની પુત્રીએ ₹20 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન પક્ષકારો વચ્ચેની અહમની લડાઈ જોઈને જસ્ટિસ જિતેન્દ્ર જૈને આકરો નિર્ણય લીધો છે. તેમણે આ કેસની આગામી સુનાવણી સીધી 20 વર્ષ પછી, એટલે કે વર્ષ 2046 પર ઠેલી દીધી છે. ન્યાયાધીશે કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું કે, આ મામલાને હવે આગામી બે દાયકા સુધી કોર્ટના બોર્ડ પર લેવો જોઈએ નહીં.
અહમની લડાઈ અને સમાધાનનો ઈનકાર
આ આખો વિવાદ લગભગ દસ વર્ષ જૂનો છે. હાઉસિંગ સોસાયટી દ્વારા મકાનના રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે જે ફંડ ઉઘરાવવામાં આવતું હતું, તેની સામે વૃદ્ધાએ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધના વળતા જવાબમાં સોસાયટીની એક મિટિંગ દરમિયાન તૈયાર કરાયેલી નોંધમાં તેમને 'ડિફોલ્ટર' એટલે કે બાકીદાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. પોતાની પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનું માનીને વૃદ્ધાએ સોસાયટી સામે માનહાનિનો કેસ કર્યો હતો. હાઇકોર્ટે આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો અને સામેવાળો પક્ષ(સોસાયટીના સભ્યો) કોઈપણ શરત વગર માફી માંગવા પણ તૈયાર હતો, પરંતુ વૃદ્ધા પોતાની જીદ પર અડગ રહ્યા અને માફી સ્વીકારવાને બદલે કેસ ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો.
ન્યાયતંત્ર પર અહમની લડાઈનો બોજ
કોર્ટે માત્ર એક પાનાના આદેશમાં ખૂબ જ મહત્ત્વની વાત કરી છે. ન્યાયાધીશે નોંધ્યું કે, આ કેસ માત્ર બે પક્ષો વચ્ચેની અહમની લડાઈ(Ego fight) છે. પક્ષકારો પોતાના જીવનના છેલ્લા પડાવ પર હોવા છતાં એકબીજાને નમતું આપવા તૈયાર નથી, જેના કારણે આખી ન્યાયિક વ્યવસ્થા પર બિનજરૂરી બોજ વધે છે. કોર્ટે અફસોસ વ્યક્ત કર્યો કે આવા નજીવા વિવાદોને લીધે ન્યાયતંત્ર એવા ગંભીર કેસો પર ધ્યાન આપી શકતું નથી જેને ખરેખર પ્રાથમિકતાની જરૂર છે. અગાઉ માર્ચ 2025માં પણ જ્યારે કોઈ પક્ષ હાજર રહ્યો ન હતો, ત્યારે અન્ય એક જજે પણ આ કેસ રદ કરવાની ચીમકી આપી હતી.
આ પણ વાંચો: ગોરેગામમાં રીલ બનાવવા પેટ્રોલ છાંટી રસ્તા પર આગ લગાવી
2046 સુધી કોઈ જ પ્રાથમિકતા નહીં
જસ્ટિસ જૈને આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આ મામલાને હવે 2046 પછી જ લિસ્ટ કરવામાં આવે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, 'કોઈપણ સંજોગોમાં આ કેસને એવી દલીલ પર પ્રાથમિકતા આપવી નહીં કે અરજદારો સિનિયર સિટીઝન કે સુપર સિનિયર સિટીઝન છે.' આમ, કોર્ટે ન્યાયિક સમયનો બગાડ રોકવા માટે અને પક્ષકારોની હઠ સામે આકરો સંદેશ આપવા માટે આ ઐતિહાસિક અને અસાધારણ નિર્ણય લીધો છે.




