પેપર લીકની તપાસ બાદ પાંચ મહિના પહેલાં લેવાયેલી ડ્રગ ઈન્સ્પેક્ટરની પરીક્ષા રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં પણ નીટવાળીઃ ૪૮૮ ઉમેદવારના ઈન્ટરવ્યૂ પણ થઈ ગયા હતા
નિયુક્તિની રાહ જોતા ઉમેદવારોને નિમણૂંકને બદલે ફરી પરીક્ષાનું ટેન્શન મળ્યું ઃ મુંબઈ પોલીસની તપાસમાં પેપર લીક કન્ફર્મ થયા બાદ એમપીએસસીની જાહેરાત
મુંબઈ - મહારાષ્ટ્ર લોકસેવા આયોગ (એમપીએસસી)એ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં ડ્રગ ઇન્સ્પેક્ટર ગુ્રપ-બીની ભરતી પ્રક્રિયા રદ કરી છે. આ નિર્ણય આ વર્ષે ૨૨ માર્ચે યોજાયેલી સ્ક્રીનિંગ પરીક્ષામાં કથિત ગેરરીતિ અને પેપર લીક અંગે થયેલી પ્રાથમિક તપાસના આધારે લેવામાં આવ્યો છે. એમપીએસસીએ જણાવ્યું કે, તમામ ઉમેદવારોને સમાન અને ન્યાયપૂર્ણ તક મળે તેમજ ભરતી પ્રક્રિયાની પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે નવી પરીક્ષા યોજવી જરૃરી છે. આ ભરતી માટે કુલ ૪૮૫ ઉમેદવારો નિમણૂક માટે પાત્ર ઠર્યા હતા.
ભરતી પ્રક્રિયા ૨૯ જુલાઈ ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલી જાહેરાતથી શરૃ થઈ હતી અને ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ મહારાષ્ટ્રના છ વિભાગીય મુખ્યાલય ખાતે ઓફલાઇન સ્ક્રીનિંગ પરીક્ષા યોજાઈ હતી. તેનું પરિણામ ૧૨ જૂને જાહેર થયું હતું, જેમાં ૫૦૬ ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે પાત્ર બન્યા હતા. ૧થી ૨૨ જુલાઈ દરમિયાન યોજાયેલા ઇન્ટરવ્યૂમાં ૪૮૮ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ત્યારબાદ એમપીએસસીએ ૪૮૮ ઉમેદવારોની કામચલાઉ સામાન્ય ગુણવત્તા યાદી જાહેર કરી હતી. તેમાં ૪૮૫ ઉમેદવારો નિમણૂક માટે પાત્ર અને ત્રણ ઉમેદવારો અપાત્ર જાહેર થયા હતા.
૨૨થી ૨૬ જુલાઈ દરમિયાન કેટલાક ઉમેદવારો તથા જાહેર પ્રતિનિધિઓ તરફથી એમપીએસસીને ઇ-મેઇલ મારફતે ફરિયાદો મળી હતી કે કેટલાક ઉમેદવારોને પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્ર અથવા પ્રશ્નો મળી ગયાં હતાં અને આ સામગ્રી સોશિયલ મીડિયા તથા અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ફેલાવવામાં આવી હતી. ફરિયાદોની ગંભીરતા ધ્યાનમાં લઈને એમપીએસસીએ ૨૭ જુલાઈએ મુંબઈ પોલીસ કમિશનરને તપાસની વિનંતી કરી હતી. મુંબઈ પોલીસની ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે પ્રાથમિક તપાસ હાથ ધરી અને તેનો અહેવાલ એમપીએસસીને સુપરત કર્યો. અહેવાલમાં પ્રથમ દૃષ્ટિએ એક ઉમેદવારને પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર મળ્યું હોવાનું અને તેનાથી તેને લાભ થયો હોવાનું સામે આવ્યું હતું.
આ નિર્ણયના પરિણામે પહેલાની સ્ક્રીનિંગ પરીક્ષા, તેનું પરિણામ અને ઇન્ટરવ્યૂ સહિતની સમગ્ર ભરતી પ્રક્રિયા રદ ગણાશે અને અગાઉ સ્ક્રીનિંગ પરીક્ષા પાસ કરીને ઇન્ટરવ્યૂ આપી ચૂકેલા ઉમેદવારોએ પણ નવી પરીક્ષા આપવી પડશે. જોકે, પાત્ર ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની જરૃર રહેશે નહીં અને નવી પરીક્ષા માટે કોઈ પરીક્ષા ફી લેવામાં આવશે નહીં. નવી પરીક્ષાની તારીખ અને વિગતવાર સમયપત્રક અલગથી જાહેર કરવામાં આવશે. દરમિયાન, મનસે નેતા સંદીપ દેશપાંડેએ કથિત પેપર લીક મુદ્દે સરકારને સવાલ કરી પૂછયું કે, પેપર લીકની જાણ હોવા છતાં તાત્કાલિક એફઆઈઆર કેમ નોંધવામાં આવી નહીં. તેમણે એવો દાવો પણ કર્યો કે ઉત્તર મહારાષ્ટ્રના નંદુરબારનો એક કોચિંગ ક્લાસ સંચાલક પેપર લીક પાછળ સહભાગી હતો, તેને નોટિસ આપવામાં આવી હતી પરંતુ ધરપકડ કરવામાં આવી નહોતી અને બાદમાં તે ફરાર થઈ ગયો હતો.




