Mumbai

સરકારે ૩ કરોડનું બાકી પેમેન્ટ ન ચૂકવતાં કોન્ટ્રાક્ટરની આત્મહત્યા

By GS Team
27 Aug 20263 mins read
TukuTouch Logo
નવી મુંબઈમાં ૩૭ વર્ષીય સરકારી કોન્ટ્રાક્ટર ગજાનન દેવકટ્ટેએ ₹3 કરોડના સરકારી બિલ ન મળતા આત્મહત્યા કરી. PWD, BMC જેવી એજન્સીઓમાં નાણાં ફસાયા હતા. અનેક રજૂઆતો છતાં સમસ્યા હલ ન થતા ઉલ્વેના ફ્લેટમાં ગળાફાંસો ખાધો. વિપક્ષે સરકાર સામે સદોષ માનવવધનો કેસ નોંધવાની માંગ કરી. કોન્ટ્રાક્ટર સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારે ૩ કરોડનું બાકી પેમેન્ટ ન ચૂકવતાં કોન્ટ્રાક્ટરની આત્મહત્યા

અધિકારીઓ સમક્ષ કરગર્યો હતો, બહુ ખરાબ હાલત છે, આમ જીવી નહીં શકાય

પીડબલ્યુડી અને બીએમસી સહિતની સરકારી એજન્સીઓમાં પૈસા ફસાયા હતાઃ  અનેક ધક્કા ખાધા પણ  હક્કના નાણાં ન મળ્યાં

મુંબઈ  -   નવી મુંબઈ સ્થિત એક ૩૭ વર્ષીય સરકારી કોન્ટ્રાક્ટર ગજાનન દેવકટ્ટેએ   જુદી જુદી સરકારી એજન્સીઓનાં આશરે ત્રણ કરોડનાં બાકી બિલની ચુકવણી ન થતા અને આ બાબતે સરકારી તંત્રમાં સતત રજૂઆત બાદ પણ કોઈ રસ્તો ન નીકળતા  ઉલ્વેના શગુન પેરેડાઈઝ ખાતે તેના ફલેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

પ્રારંભિક તપાસ મુજબ,  તેમણે પીડબલ્યૂડી, બીએમસી સહિતની એજન્સીઓના કોન્ટ્રાક્ટ લીધા હતા. પરંતુ, કામ પૂર્ણ થયા પછી પણ તેમના બિલ ચૂકવવામાં આવ્યા ન હોવાથી દેવકાતે ગંભીર નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા હતા. ઉલ્વે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે તેમના ચુકવણી માટે મુંબઈમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસમાં વારંવાર મુલાકાત લીધી હતી, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. તેમણે સરકારી અધિકારીઓને હાથ જોડીને વિનંતી કરી હતી કે લાંબા  સમયથી પૈસા  ન મળતાં પોતે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. બહુ મુશ્કેલી પડી રહી છે. આ હાલતમાં પોતે લાંબા સમય સુધી જીવી નહીં શકે. પરંતુ, સરકારી અધિકારીઓએ તેમની કાકલૂદીને હસી કાઢી હતી. દેવકટ્ટેએ  એક વર્ષ પહેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પત્ર લખીને વિલંબિત ચુકવણી અંગે પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. પત્રમાં, તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમને તેમના બાકી લેણાં મેળવવા માટે ઓછામાં ઓછા દસ વખત ઓફિસની મુલાકાત લેવી પડી હતી.

 ઉલવે પોલીસે અકસ્માત મૃત્યુ અહેવાલ (એડીઆર) નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 કોન્ટ્રાક્ટર સંગઠનો દ્વારા આંદોલનની ચિમકી

દેવકટ્ટેની આત્મહત્યા બાદ કોન્ટ્રાક્ટરોમાં રોષ  ફેલાયો છે. કોન્ટ્રાકટરોનાં સંગઠને દેવકટ્ટેનાં બિલો દબાવી દેનારા અધિકારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે કાનૂની કાર્યવાહીની માગણી કરી છે. સંગઠને આ બાબતમાં સીએમને એક પત્ર પાઠવ્યો છે અને  નિષ્પક્ષ તપાસ યોજી કોઈ અધિકારીને નહિ છાવરવા જણાવ્યું છે. આ મુદ્દે સંતોષકારક પગલાં નહિ લેવાય તો રાજ્યભરના કોન્ટ્રાક્ટરો સરકારી કામો ઠપ કરી હડતાલ પર ઉતરી જશે તેવી ચિમકી અપાઈ છે.

સરકારને સદોષ માનવવધ માટે આરોપી ગણી ગુનો નોંધો ઃ વિપક્ષની માંગ

 કોન્ટ્રાક્ટરની આત્મહત્યા મુદ્દે  મહારાષ્ટ્રના વિરોધ પક્ષોએ રાજ્ય સરકાર પર મરાઠી કોન્ટ્રાક્ટરોને આત્મહત્યા તરફ ધકેલી દેવાનો આરોપ લગાવ્યો હતો. અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકાર સામે સદોષ માનવવધનો કેસ નોંધવાની માંગ કરી હતી.

સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવતા, એનસીપી (એસપી) ના નેતા રોહિત પવારે  જણાવ્યું  હતું કે વર્ષો વર્ષ, કરોડો રૃપિયાના બિલ ન મળવાથી કંટાળીને, રાજ્યના મરાઠી કોન્ટ્રાક્ટરોને આ સરકાર દ્વારા આત્મહત્યા કરવાની અણી પર ધકેલી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, ૬ કોન્ટ્રાક્ટરોએ  આત્મહત્યા કરી લીધી છે. આજે, નવી મુંબઈના કોન્ટ્રાક્ટર ગજાનન દેવકટ્ટેએ  પણ પોતાનું જીવન સમાપ્ત કરી દીધું છે, તેવું પવારે એક્સ પર જણાવ્યું હતું. જો ગુજરાત અને આંધ્રપ્રદેશના કોન્ટ્રાક્ટરોના કરોડો રૃપિયાના બિલ તાત્કાલિક ચૂકવવામાં આવે છે, તો મરાઠી કોન્ટ્રાક્ટરોએ શું ખોટું કર્યું છે, એમ તેમણે પૂછયું હતું.

કોન્ટ્રાક્ટરોના  ૯૬૪૦૦ કરોડ બાકી નીકળે છે

 રાજ્ય સરકાર દ્વારા લાડકી બહિન સહિતની લ્હાણીની યોજનાઓને લીધે તમામ વિભાગોનાં નાણાંકીય વ્યવહારો પર માઠી અસર પડી છે. મોટાભાગના વિભાગોના બજેટ ખોરવાઈ ગયાં છે અને સરકાર પાસે કોન્ટ્રાક્ટરોને ચૂકવવાનાં નાણાં નથી. કોન્ટ્રાક્ટર સંગઠનોએ ગત એપ્રિલમાં જણાવ્યું હતું કે સરકાર ૯૪,૬૦૦ કરોડ રુપિયા દબાવીને બેઠી છે. તેના કારણે મટિરિયલ તથા લેબર પાછળ ખર્ચો કરી બેઠેલા કોન્ટ્રાક્ટરો સલવાઈ ગયા છે. આ અગાઉ પણ કોન્ટ્રાક્ટર સંગઠનોએ આ મુદ્દે હડતાલની ચિમકી આપી હતી.