ટ્રેનમાંથી પટકાતાં મોતના કેસમાં ૮.૧૫ લાખનાં વળતરનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રેલવેએ કોઈ સાક્ષી પુરાવા વિના આંતરિક અહેવાલને આધારે વળતર નકાર્યુું
યુવક પ્રવાસ કરી રહ્યો હતો, ટિકિટ પણ મળી હતી છતાં રેલવેેએ પાટા ઓળંગતા મોતનો અહેવાલ આપી દીધો
મુંબઈ - કોઈ પ્રત્યક્ષદર્શી કે પુરાવાના આધાર વિના પ્રવાસી પાટા ઓળંગી રહ્યો હતો તેવા આંતરિક અહેવાલના આધારે જ રેલવે કોઈને વળતર નકારી શકે નહીં એમ જણાવી બોમ્બે હાઈકોર્ટે ૨૦૧૫માં ઘણસોલી અને રબાલે રેલ્વે સ્ટેશન વચ્ચે ઘાયલ હાલતમાં મળી આવતા મૃત્યુ પામેલા ૨૬ વર્ષીય યુવકના માતા-પિતાને ૮.૧૪ લાખ રૃપિયા ચૂકવવાનો આદેશ રેલવેને આપ્યો હતો.
ન્યાયધીશ આરતી સાઠેએ રાહુલ વામન સૂર્યવંશીના માતાપિતા દ્વારા દાખલ કરાયેલા વળતરના દાવાની સુનાવણી બાદ આ આદેશ આપ્યો હતો. મૃતક રાહુલ મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમમાં કાર્યરત હતો અને તેમના પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતો.
કેસ મુજબ, સૂર્યવંશી ૨૨ માર્ચ, ૨૦૧૫ ના રોજ ઘણસોલીથી ઐરોલી જતી લોકલ ટ્રેનમાં ચઢયો હતો. બાદમાં તે ઘણસોલી અને રબાલે વચ્ચે ૪૩/૪ કિલોમીટર નજીક ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. તેને વાશીની મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
રેલવેએ ડિવિઝનલ રેલવે મેનેજરના રિપોર્ટ અને સ્ટેશન માસ્ટરના મેમોના આધારે મૃતકના પરિવારને વળતરનો વિરોધ કર્યો હતો. દસ્તાવેજોમાં જણાવાયું હતું કે પાટા ઓળંગતી વખતે એક અજાણી વ્યક્તિ ટ્રેનની ચપેટમાં આવી ગઈ હતી. રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલે આ દલીલ સ્વીકારી અને ૨૦૧૯માં માતાપિતાના દાવાને ફગાવી દીધો હતો. ત્યારબાદ માતાપિતાએ આદેશને પડકારતા હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.
ન્યાયાધીશ સાઠેએ નોંધ્યું હતું કે સૂર્યવંશી જ્યારે ટક્કર મારી ત્યારે પાટા ઓળંગી રહ્યો હતો તે સાબિત કરવા માટે કોઈ પ્રત્યક્ષદર્શી સાક્ષી નથી. કોર્ટે તપાસ પંચનામાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં નોંધવામાં આવ્યું હતું કે તે લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. તેની પાસેથી રેલવે ટિકિટ પણ મળી આવી હતી.
કોર્ટે કહ્યું કે ડીઆરએમ રિપોર્ટમાં ફક્ત એવું સૂચવવામાં આવ્યું છે કે મૃતક પાટા ઓળંગી રહ્યો હતો ત્યારે ઘટના કદાચ બની હશે. કોર્ટે કહ્યું કે રિપોર્ટને નિર્ણાયક પુરાવા તરીકે ગણી શકાય નહીં, ખાસ કરીને જ્યારે તેને સ્વતંત્ર સામગ્રી દ્વારા સમર્થન ન મળે.
કોર્ટે ટ્રિબ્યુનલના આદેશને રદ કરીને રેલવેને સૂર્યવંશીના માતાપિતાને સમાન હિસ્સામાં ૮,૧૪,૬૪૧ રૃપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો. આ રકમ આઠ અઠવાડિયાની અંદર તેમના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે ચુકવણીમાં કોઈપણ વિલંબ પર વાષક નવ ટકાના દરે વધારાનું વ્યાજ વસૂલવામાં આવશે.




