Mumbai

મહારાષ્ટ્ર બોર્ડના ધો.૧૦ના ગણિતના પેપરની ચકાસણીમાં છબરડાનો દાવો

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં ધોરણ 10ના ગણિતના માર્કસનો વિવાદ વકર્યો છે. કુર્લાના વિદ્યાર્થી રુદ્ર ડેને 100માંથી 95 માર્ક મળ્યા, જે રીચેકિંગ બાદ 96 થયા. જોકે, શાળાના મોડરેટર શિક્ષકે ઉત્તરવહી તપાસતા તેને 100માંથી 100 માર્ક મળવા જોઈએ તેમ જણાવ્યું. બોર્ડ નિષ્ણાત સમિતિનો નિર્ણય અંતિમ ગણાવે છે, પરંતુ શાળાના મોડરેટરની તપાસ બોર્ડના પેપરચેકિંગ પર સવાલો ઉભા કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્ર બોર્ડના ધો.૧૦ના ગણિતના પેપરની ચકાસણીમાં છબરડાનો દાવો

કુર્લાના વિદ્યાર્થીને ૧૦૦માંથી ૧૦૦ માર્ક મળવા જોઈએ, પરંતુ માત્ર ૯૫  મળ્યા

વિદ્યાર્થીને પોતાને ઓછા માર્ક હોવા બાબતે શંકા જતાં રીચેકિંગ કરાવ્યું તો ૯૬ માર્ક થયાં, પરંતુ શાળાના મોડરેટરની તપાસમાં 'આઉટ ઓફ' માર્ક

મુંબઈ- મહારાષ્ટ્રમાં  ૨૦૨૬ની ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાના ગણિત વિષયના માર્કને લઈને વિવાદ ઊભો થયો છે. કુર્લા પશ્ચિમના વિદ્યાર્થી રુદ્ર ડેએ દસમામાં કુલ ૯૪.૮૦ ટકા મેળવ્યા હતા. જેમાં ગણિતમાં તેને ૧૦૦માંથી ૯૫ માર્ક મળ્યા હતા. જોકે તેને પોતાના માર્ક બાબતે શંકા જતાં તેણે ઉત્તરપત્રિકાની નકલ મગાવી હતી. નકલવાળું પેપર શાળાના મોડરેટર શિક્ષકે તપાસ્યા બાદ રુદ્રને તેમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મળવા જોઈએ એવી નોંધ કરી હતી. આથી બોર્ડના પેપરચેકિંગ સામે પ્રશ્નો ઊભા થયા છે.

 ઉત્તરપત્રિકાની  તપાસમાં પ્રશ્નપત્રના ચોથા પ્રશ્નના પહેલા ઉપપ્રશ્નમાં બેમાંથી એક માર્ક અને બીજા ઉપપ્રશ્નમાં ચારમાંથી  માત્ર એક માર્ક આપવામાં આવ્યો હોવાનું જણાયું હતું. રુદ્રએ બંને દાખલા યોગ્ય રીતે ઉકેલ્યા હોવાનો શાળાના મોડરેટર શિક્ષકનો મત હતો અને બંને ઉપપ્રશ્નોમાં મળીને તેને ચાર વધારાના માર્ક મળી શકે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ રુદ્રએ બોર્ડ પાસે ફેરતપાસ માટે અરજી કરી હતી. તેમાં તેના માર્કમાં માત્ર એક માર્કનો વધારો થતાં તેને ૯૬ માર્ક મળ્યા હતા. પરંતુ શાળાના શિક્ષકની તપાસ મુજબ અપેક્ષિત વધારાના માર્ક તેને મળ્યા નહીં.

આ  મામલે રુદ્રના પરિવાર દ્વારા બોર્ડ કચેરીમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જોકે તેમને બોર્ડ તરફથી સમિતિના  નિર્ણયમાં ફેરફાર કરી શકાય નહીં એવું જણાવવામાં આવ્યું હતું. સમગ્ર પ્રકરણ અંગે મુંબઈ વિભાગીય બોર્ડનો સંપર્ક  કરવામાં આવતાં બોર્ડે સ્પષ્ટ કર્યું કે મામલો નિર્ધારિત પ્રક્રિયા મુજબ જ હાથ ધરવામાં આવ્યો છે. રુદ્રના પિતાએ પણ માર્કની બાબતે દાદ મેળવવા માટે બોર્ડનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમને કોઈ રાહત મળી નહોતી.

મુંબઈ  વિભાગીય બોર્ડના અધ્યક્ષ ડૉ.સુભાષ બોરસેએ ફેરતપાસણીની પ્રક્રિયા સમજાવતા કહ્યું કે, આવી ઉત્તરવહીની  પ્રથમ તપાસ મુખ્ય મોડરેટર દ્વારા થાય છે અને ત્યારબાદ સંબંધિત વિષયના ત્રણ નિષ્ણાત શિક્ષકોની સમિતિ  તેની તપાસ કરે છે. આ નિષ્ણાત સમિતિનો નિર્ણય અંતિમ હોય છે અને તેમાં અન્ય કોઈ ફેરફાર કરી શકતું નથી. જોકે  સંબંધિત વિદ્યાર્થિની શાળાના મોડરેટરે આદર્શ ઉત્તરપત્રિકા મુજબ તપાસ કરી હતી કે નહીં, તે બાબત તપાસવાની જરુર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.