Mumbai

સીબીએસઈના પુસ્તકોમાં અનેક ખોટી વિગતો, મુદ્રણની પણ ભૂલો

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં નવી NEP-2020 હેઠળ CBSE આધારિત પાઠયપુસ્તકોમાં ગંભીર ભૂલો સામે આવી છે. ધો.4ના ગણિતના પુસ્તકમાં ગણિતજ્ઞ રામાનુજનના અવસાનની તારીખ 26 એપ્રિલ 1920ને બદલે 27 એપ્રિલ 1920 છપાઈ છે. ધો.3ના પુસ્તકમાં ફુલે દંપતિએ શરૂ કરેલી ભારતની પ્રથમ કન્યાશાળાને માત્ર મહારાષ્ટ્રની પ્રથમ કન્યાશાળા દર્શાવાઈ છે. બાલભારતીએ ભૂલો સ્વીકારી, સુધારાનું આશ્વાસન આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સીબીએસઈના  પુસ્તકોમાં અનેક ખોટી વિગતો, મુદ્રણની પણ ભૂલો

ગણિતજ્ઞા રામાનુજનના અવસાનની તારીખ ખોટી છપાઈ

ગણિત તથા ઈતિહાસના પુસ્તકોમાં પણ ભૂલ, ફુલે દંપતિએ શરુ કરેલી

શાળાને ભારતને બદલે માત્ર રાજ્યની પ્રથમ કન્યાશાળા તરીકે દર્શાવાઈ

મહારાષ્ટ્રમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી-૨૦૨૦) હેઠળ સીબીએસઈ આધારિત નવા પાઠયપુસ્તકો અમલમાં આવ્યા બાદ તેમાં સામે આવેલી તથ્યાત્મક અને છાપકામ (પ્રિન્ટીંગ)ની ભૂલોને લઈને ભારે ચર્ચા શરુ થઈ છે. ખાસ કરી ધો.૩ અને ૪ના પુસ્તકોમાં ગંભીર ભૂલો જોવા મળતાં શિક્ષણવિદો, વાલીઓ અને શિક્ષકોએ પાઠયપુસ્તકોની ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે.

ધો.૪ના  ગણિતના અંગ્રેજી અને મરાઠી માધ્યમના પુસ્તકમાં પ્રખ્યાત ગણિતજ્ઞા શ્રીનિવાસ રામાનુજનના અવસાનની તારીખ  ૨૬ એપ્રિલ ૧૯૨૦ને બદલે ૨૭ એપ્રિલ ૧૯૨૦ છપાઈ છે. તો મરાઠી માધ્યમના પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક ૫૫માં ૧૦૦૦ કિલોગ્રામથી વધુ ને સ્થાને ૧૦૦૦ ગ્રામથી વધુ છપાયું છે. અંગ્રેજી માધ્યમના પુસ્તકના પાના નં.૭૭માં પણ માપ અને આંકડા સંબંધિત સમાન પ્રકારની ભૂલો નોંધાઈ છે.

ધો.૩ના  પુસ્તકમાં પણ ઐતિહાસિક બાબતની ભૂલ સામે આવી છે. તેમાં મહાત્મા જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલેએ શરુ કરેલી કન્યાશાળાને માત્ર મહારાષ્ટ્રની પ્રથમ કન્યાશાળા તરીકે દર્શાવાઈ છે, જ્યારે વાસ્તવિકતાએ ભારતીયો દ્વારા સ્થાપિત એ ભારતની પ્રથમ કન્યાશાળા હતી. આ ભૂલને લઈ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાંથી ટીકા થઈ રહી છે.

બાલભારતીએ  તમામ ભૂલોનો સ્વીકાર કરતાં કહ્યું છે કે, આગામી આવૃત્તિમાં જરુરી સુધારા કરવામાં આવશે. ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ક્યુઆર કોડ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ વિડીયો મારફતે સુધારેલી માહિતી પહોંચાડવામાં આવશે. સતત સામે આવતી ભૂલોએ પાઠયપુસ્તકોના સંપાદન, ચકાસણી અને પ્રૂફરીડિંગ પ્રક્રિયાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો જગાવ્યા છે.