મલાડમાં કારે અનેક વાહનોને ટક્કર મારીઃ કચ્છી મહિલા એડવોકેટનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કારે ટુ વ્હીલર તથા ત્રણ રિક્ષા સહિતના વાહનોને અડફેટે લીધાં
રવિવારે રાતે મામલદાલ વાડી જંકશન પાસે ૬૫ વર્ષના કાર ચાલકે આતંક સર્જ્યો ઃ અકસ્માતમાં ૨૦ લોકોને નાની મોટી ઈજાઆ
મુંબઈ - મલાડ-વેસ્ટના મામલદાર વાડી જંક્શન પાસે રવિવારે રાતે બેફામ ઝડપે દોડતી કારે ટુ વ્હીલર, ત્રણ રિક્ષાઓ સહિત અનેક વાહનોને ઉડાવતાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં મૂળ કચ્છનાં આધોઈનાં વતની થતા જૈન વિશા ઓસવાળ સમાજનાં એડવોકેટ ૩૪ વર્ષના પ્રિયંકા મયંક સત્રાનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ મયંક શાહ સત્રા ગંભીર રીતે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતમાં બીજા અનેક લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ૩૦ ઓગસ્ટની રાત્રે આશરે આઠ વાગ્યે મયંક શાહ સત્રા અને તેમની પત્ની પ્રિયંકા મલાડ સબ-વે તરફથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ મામલદારવાડી જંક્શન પાસે એક્ટિવા પર હતા ત્યારે પાછળથી આવેલી કારે તેમના સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. મલાડ પોલીસના જણાવ્યા મુજબ, ૬૫ વર્ષીય કૃષ્ણા ચામણ કર એમજી વિન્ડસર કાર ચલાવી રહ્યા હતા. આરોપ છે કે તેમણે બેદરકારીપૂર્વક વાહન ચલાવી એક્ટિવાને ટક્કર મારી હતી. પ્રાથમિક ટક્કર બાદ કાર ત્રણ અન્ય ઓટોરિક્ષા સાથે પણ અથડાઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો સહિત અન્ય લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી.
આ કેસમાં મલાડ પોલીસ દ્વારા મયંકના ૩૫ વર્ષના ભાઈ મંથન દેવજી શાહની ફરિયાદના આધારે કૃષ્ણા ચામણ વિરુદ્ધ કલમ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ)(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૪ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરતા પહેલાં તેની તબીબી તપાસ કરાવી હોવાનું જણાવ્યું છે.
બે નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી..
મૂળ કચ્છના અધોઈ ગામના સત્રા પરિવારનો હાલ મલાડ-વેસ્ટના એસ.વી. રોડ સ્થિત નીલગીરી એપાર્ટમેન્ટમાં વસવાટ છે. રેડીમેડ કપડાંનો વ્યવસાય કરતા મયંક શાહ સત્રા પત્ની પ્રિયંકા, પુત્રી નાયરા અને પુત્ર રીહાન સાથે રહેતા હતા. આ અકસ્મતમાં પત્ની પ્રિયંકાના મોતથી પરિવાર પર આભ તૂટી પડયું છે. મયંકની તબિયત નાજુક હોવા છતાં સોમવારે બપોરે આશરે ત્રણ વાગ્યે તેમને મેડિકલ એમ્બ્યુલન્સ મારફતે પત્નીના અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યા હતા. બે નાના બાળકોના માથેથી માતાની છત્રછાયા છીનવાઈ જતાં કચ્છી વાગડ સમાજ જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી.
અકસ્માત સર્જનારો કૃષ્ણા ચમનકર મહારાષ્ટ્ર સદન કેસનો આરોપી
મુંબઇ તા.૩૧
મલાડમાં એસ.વી.રોડ મામલતદાર વાડી પાસે એમજીવિન્ડસર કાર ચલાવી અકસ્માત સર્જનાર આરોપી કૃષ્ણા ચમનકર દિલ્હીમાં બનેલા મહારાષ્ટ્ર સદન કેસમાં સંડોવાયેલા હતા. એવો આરોપ કરવામાં આવ્યો હતો કે ચમનકર એન્ટરપ્રાઇઝે નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન (ગેસ્ટ હાઉસ), અંધેરીની નવી આરટીઓ ઇમારત અને મલબાર હિલના સ્ટેટ ગેસ્ટ હાઉસના ૧૦૦ કરોડના કામનો કોન્ટ્રાક્ટ ખોટી રીતે મેળવ્યો હતો. ચમનકર છગન ભુજબળના નિકટવર્તી મનાય છે. આ પ્રકરણે ગયા વર્ષે જ મહારાષ્ટ્ર સદન કૌભાંડ સંબંધિત દાયકા જૂના મની લોન્ડરિંગ કેસને હાઇકોર્ટે ફગાવી દીધો હતો.
આરોપીને પોલીસ મથકમાં વીઆઈપી ટ્રીટમેન્ટનો આરોપ
મલાડ અકસ્માતના આરોપીને મલાડ વેસ્ટ પોલીસ મથકમાં વીઆઈપી ટ્રીટમેન્ટ અપાઈ હોવાનો આરોપ ભાજપના નેતા પ્રવીણ છેડાએ કર્યો હતો. તેમણે પોલીસ કમિશનરને પત્ર પાઠવી આ બાબતે તપાસ કરવા તથા સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માગણી કરી હતી.
પ્રવીણ છેડાના જણાવ્યા અનુસાર મલાડના અકસ્માતમાં કાર ચાલકે કુલ ૨૦ લોકોને અડફેટે લીધાં હતાં, તેમાં તેમનાં કઝીન મહિલા એડવોકેટ પ્રિયંકા સત્રાનું નિધન થયું છે. આ ઘટના બાદ જ્યારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે પ્રિયંકાના પરિવારજનો, સંબંધીઓ અને મિત્રો મલાડ (વે.) પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવવા ગયા ત્યારે ફરજ પરના અધિકારીઓનું વર્તન ખૂબ જ શંકા ઉપજાવે તેવું હતું. છેડાના આરોપો અનુસાર અધિકારીઓએ આરોપીને લોક-અપમાં મોબાઈલ ફોન વાપરવાની છૂટ આપી હતી અને વીઆઈપી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી. રાત્રે ૧.૨૦ વાગ્યે મેડિકલ ચેકઅપના નામે વર્સોવા પોલીસ મથકની એક મહિલા પોલીસ અધિકારી ત્યાં આવી હતી અને આરોપીને લોકઅપમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન પાસેની એક એ.સી. કેબિનમાં લઈ ગઈ હતી. આરોપી પણ વર્સોવા -અંધેરી વિસ્તારમાં રહેતો હોવાની જાણ થયા બાદ શંકા વધુ ઘેરી બની છે. છેડાએ પત્રમાં આગળ જણાવ્યું છે કે તેથી આરોપીને આવી વીઆઈપી ટ્રીટમેન્ટ આપનાર પોલીસ અધિકારીઓની તપાસ થવી જોઈએ અને તેમની સામે સસ્પેન્શન સહિત ખાતાકીય તપાસ શરૃ કરવી જોઈએ. આ ઉપરાંત ઘટનાના દિવસનું રાતનું સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માગણી કરી હતી .




