Mumbai

ભોજપુરી અભિનેત્રી મિતાલી શર્મા મુંબઈના રસ્તા પર ભીખ માગવા મજબૂર, પોલીસ પાસે ખાવાનુ માગ્યું

By GS Team
1 Jun 20262 mins read
ભોજપુરી અભિનેત્રી મિતાલી શર્મા મુંબઈના રસ્તા પર ભીખ માગવા મજબૂર, પોલીસ પાસે ખાવાનુ માગ્યું

લોખંડવાલામાં ભીખ માગતાં મળ્યા બાદ, મેન્ટલ હૉસ્પિટલમાં દાખલ કરાઈ, સિને ઈન્ડસ્ટ્રીના ઝગમગાટ પાછળનું અંધારું ઉજાગર

Mumbai Film Industry News: ભોજપુરી  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સમયની જાણીતી અભિનેત્રી મિતાલી શર્મા અત્યારે ફરી ચર્ચામાં આવી છે,  પરંતુ, આ વખતનું કારણ તેની સફળતા નહીં પરંતુ તેની દયનીય જીવન પરિસ્થિતિ છે. એક સમયની પ્રસિદ્ધ અભિનેત્રી હાલમાં મુંબઈના રસ્તા પર ભીખ માગતી જોવા મળી હતી. 

અભિનેત્રી  બનવાના સપના સાથે દિલ્હીથી મુંબઈ આવેલી મિતાલી શર્માએ શરૂઆતમાં મોડેલિંગ અને ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી હતી. પોતાના અભિનયને કારણે તે ફિલ્મ નિર્માતાઓ વચ્ચે પણ જાણીતી બની હતી, પરંતુ સમય જતાં તેને નવા પ્રોજેક્ટ્સ મળવાનું બંધ થયું અને તેની કારકિર્દી ધીમેધીમે પાછળ ધકેલાઈ ગઈ.

અહેવાલો મુજબ, સતત કામના અભાવ અને આથક સંકટને કારણે તેની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ હતી. 

રોજગાર અને આવકના સાધનો ખૂટી જતાં તે મુંબઈના રસ્તાઓ પર ભીખ માંગવા માટે મજબૂર બની હતી. કેટલીક જગ્યાએ ચોરીના આરોપોની પણ ચર્ચા થઈ હતી. રસ્તા પર તેની હાલત જોઈને સ્થાનિક લોકો અને પોલીસ પણ ચોંકી ઉઠયા હતા. પોલીસે તેને અંધેરીના લોખંડવાલા વિસ્તારમાંથી તાબામાં લીધી હતી.

પોલીસે મિતાલી શર્માને કસ્ટડીમાં લીધાં બાદ તેની માનસિક અને શારીરિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અહેવાલો અનુસાર પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી તેણે સૌપ્રથમ ખાવાનું માગ્યું હતું, જેના કારણે તેમની મુશ્કેલીઓ કેટલી ગંભીર હતી તેનો અંદાજ આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર અને દેખરેખ માટે માનસિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. 

મિતાલી શર્માની આ ઘટના મનોરંજન જગતના કડવા સત્યને ઉજાગર કરે છે. ચમકધમક અને લોકપ્રિયતા પાછળ અનેક કલાકારો આથક અસુરક્ષા, સતત અસ્વીકાર, એકલતા અને માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. એક સમયની ઉભરતી અભિનેત્રી આજે સંઘર્ષ અને અસહાયતાનું પ્રતિક બની ગઈ છે. તેની આ સ્થિતિએ ફિલ્મ ઉદ્યોગમાં સફળતા અને નિષ્ફળતા વચ્ચેના નાજુક અંતરને તેમજ માનસિક આરોગ્યના મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યો છે.