થાણેમાં બિનહરીફ ચૂંટાયેલાં નગરસેવિકાએ કાસ્ટ સર્ટિ. અમાન્ય ઠરતાં પદ ગુમાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નસીબની બલિહારી, ચૂંટણીમાં કોઈ હરીફ ન નડયા તો નિયમ નડી ગયો
શિંદેસેનાને ફટકો ઃ હવે નવેસરથી ચૂંટણી માટે પ્રક્રિયા શરુ કરવા મહાપાલિકાએ પત્ર પાઠવ્યો
મુંબઈ - થામેમાં શિંદેસેનાને આંચકો લાગ્યો છે. થાણે મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૫(અ)ના શિંદેસેનાના નગરસેવિકા સુલેખા સુધાકર ચવ્હાણે નગરસેવિકા પદ ગુમાવ્યું છે. વક્રતા એ છે કે સુલેખા ચવ્હાણ બિનહરીફ ચૂંટાયાં હતાં. પરંતુ, ટેકનિકલ કારણોસર તેમણે બિનહરીફ મેળવેલું પદ ગુમાવવું પડયું છે.
અનુસુચિત જાતિ પ્રમાણપત્ર તપાસણી સમિતી ધૂળેદ્વારા ૧૬મી જૂન ૨૦૨૬ના રોજ આપેલા આદેશને પગલે નગરસેવિકા પદ આપોઆપ રદ થઈ ગયું છે, એવું થાણે મહાપાલિકાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.
આ સંદર્ભમાં થાણે મહાપાલિકા કમિશનર સૌરભ રાવે કોકણના ડિવિઝનલ કમિશનરને પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં ૧૬મી જૂન ૨૦૨૬થી વોર્ડ નંબર ૫(એ)નું નગરકેવિકા પદ ખાલી થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે જ ખાલી પડેલા પદ અંગે નિયમોચિત યોગ્ય તે કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. પરિણામે હવે આગામી વહિવટી અને ચૂંટણી પ્રક્રિયા તરફ સહુએ મીટ માંડી છે.
સુલેખા ચવ્હાણેે મહાપાલિકાની ચૂંટણી વખતે બિનવિરોધ વિજય મેળવ્યો હતો અને નગરસેવિકા બન્યા હતા. હવે જાતિ પ્રમાણપત્રના મુદ્દે ચવ્હાણે કોર્પોરેટર પદ ગુમાવવું પડતા મહાપાલિકાનાં શિંદેસેનાની છાવણીમાં ખળભળાટ થયો છે. જોકે થાણે મહાપાલિકામાં શિંદેસેનાનું સંખ્યાબળ વધુ છે એટલે વાંધો નથી, પરંતુ વિપક્ષોને સત્તાધારી પક્ષ પર પસ્તાળ પાડવા માટે એક મુદ્દો મળી ગયો છે.




