Get The App

રેલવે પોલીસના 3 ખંડણીખોર જવાનોની આખરે ધરપકડ

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
રેલવે  પોલીસના 3 ખંડણીખોર જવાનોની આખરે ધરપકડ 1 - image

સુપ્રીમે આગોતરા જામીન ફગાવ્યા હતા

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઝવેરીના પરિવાર પાસેથી ખંડણી પડાવી હતી

મુંબઈ મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર ઓગસ્ટ ૨૦૨૫માં રાજસ્થાનના એક ઝવેરી અને તેના પરિવાર પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવાના આરોપમાં મુંબઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (જીઆરપી)ના ત્રણ અધિકારીઓના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા બાદ બુધવારે  તેમની ધરપકડ કરવામાં આવી છે.

હાઈકોર્ટે ગતસપ્ટેમ્બરમાં આપેલા આગોતરા જામીનને સુપ્રીમ કોર્ટે રદ કર્યા  હતા. આ આગોતરા જામીન રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વર્દીધારી પોલીસ જ ખંડણીખોર બને ત્યારે નાગરિકો પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. નાગરિકો સામનો કરે તો પોલીસ તત્કાળ બદલો લેતી હોય છે.

૨૭ મેના રોજ ન્યાયાધીશ સંજય કુમાર અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે આ આદેશ પસાર કર્યો હતો, જેમાં આરોપી પોલીસકર્મીઓ - રાહુલ દત્તા ભોંસલે, લલિત રામચંદ્ર જગતાપ અને અનિલ સીતારામ રાઠોડને ધરપકડ પૂર્વે જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ કરવામાં આવ્યો હતો.

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પોલીસે ઝવેરી તથા તેના પરિવારને અટકાવી  ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી તેમની પાસેથી ૧૪ ગ્રામ સોનું તથા ૩૧૯૦૦ની રોકડ પડાવી લીધાં  હતાં તેવો આરોપ છે.