Mumbai

સાયબર ફ્રોડ માટે ૨૩૬ એટીએમ કાર્ડ દ્વારા ૨૦ કરોડના વ્યવહારો

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
નાગપુરમાં સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટ નેટવર્કના પર્દાફાશમાં 6 આરોપી ઝડપાયા છે. પોલીસે બનાવટી દસ્તાવેજોથી KYC કરાવી મ્યુલ ખાતાં ખોલનાર પાસેથી 82 પાસબુક, 85 ચેકબુક, 45 સિમ કાર્ડ અને અનેક દસ્તાવેજો જપ્ત કર્યા. આ ખાતાઓમાં આશરે 20 કરોડના વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે, જે 104 સાયબર ફ્રોડ કેસોમાં સંડોવાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર ફ્રોડ માટે ૨૩૬ એટીએમ કાર્ડ દ્વારા ૨૦ કરોડના વ્યવહારો

બનાવટી દસ્તાવેજોથી કેવાયસી કરાવી મ્યુલ ખાતાં ખોલાયાં

છ આરોપી ઝડપાાઃ ૮૨ પાસબુક, ૮૫ ચેકબુક,  ૪૫ સિમ કાર્ડ  તથા અનેક દસ્તાવેજો, સ્કેનર જપ્ત ઃ સાયબર ફ્રોડના ૧૦૪ ગુનામાં સંડોવણી

મુંબઈ -  નાગપુરમાં સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટ નેટવર્કના પર્દાફાશમાં છની ધરપકડ થઈ હતી. આરોપીઓ પાસેથી  અલગ-અલગ બેન્કોના ૨૩૬ એટીએમ કાર્ડ સહિતના સાધનો તથા દસ્તાવેજો દ્વારા  વિવિધ બેન્ક ખાતાઓ મારફતે આશરે ૨૦ કરોડના વ્યવહારો થયાનું સામે આવ્યું હતું.

 સાયબર પોલીસે ૭ ઓગસ્ટના રોજ શકમંદ કાંત ભીસેની ધરપકડ કરી હતી. આ બાદ તેના ઘરની તપાસ કરતા પોલીસે વિવિધ બેંકોના ૨૩૬ ખાતાઓના એટીએમ કાર્ડ, વિવિધ નામોની ૮૨ પાસબુક, ૮૫ ચેકબુક , ૧૮૦ જેટલા બ્લેન્ક ચેક, વિવિધ મોબાઈલ કંપનીઓના ૪૫ સિમકાર્ડ, વિવિધ કંપનીઓના ૧૩ રબર સ્ટેમ્પ, ચાર ચૂંટણી ઓળખપત્ર, વિવિધ વ્યક્તિઓના ૧૪ આધાર કાર્ડ, પાંચ પાન કાર્ડ, ત્રણ આરસી કાર્ડ, બે ઓળખપત્ર, એક સ્વાઈન મશીન, વિવિધ બેંક ખાતાઓના સ્કેનર, પાંચ ડાયરી અને નોટબુક, બેંક ખાતાઓ ખોલવા માટે ઉપયોગમાં લેવાતા કેવાયસી દસ્તાવેજો, વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓના દસ્તાવેજો મળી આવ્યા હતા. વધુમાં સાયબર છેતરપિંડીમાં વપરાયેલા મોબાઈલ ફોનો પણ જપ્ત કર્યા હતા.

આ બાદ વધુ તપાસ કરતા પોલીસે ૩૨ વર્ષીય ઉજ્જ્વલા રાજગિરે, ૩૨ વર્ષીય ઈરફાન શેખ, ૨૬ વર્ષીય મૃણાલી કાંબળે, ૨૨ વર્ષીય નિધિતા રામટેકે, ૨૦ વર્ષીય આયુષ રામટેકે અને ૨૦ વર્ષીય આદિત્યની ધરપકડ કરી હતી.

આરોપીઓ કથિત રીતે બનાવટી અથવા ખોટા દસ્તાવેજોના આધારે વિવિધ બેન્કોમાં ખાતાં ખોલવામાં આવતા હતા અને આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડમાંથી મળેલી રકમને ફેરવવા માટે થતો હતો. સાયબર ગુનાની રકમ આવા ખાતામાં જમા થયા બાદ તેને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર અથવા ઉપાડી નાણાંની મૂળ કડી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની આશંકા છે.

પોલીસને શંકા છે કે આ નેટવર્કના તાર આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી ગેંગ સાથે જોડાયેલ હોઈ શકે છે.  આ તમામ બેંક ખાતાઓમાં અત્યાર સુધીમાં રુ. ૨૦ .૨૫ કરોડથી વધુની રકમ  જમા કરાવવામાં આવી હતી.  સાયબર ફ્રોડના ૧૦૪ જેટલાં કેસોમાં આ વ્યવહારો થયાની શંકા છે.