શેરનો વહીવટ આંગડિયા મારફત! વેપારી સાથે 86 લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોરબી: મોરબીના વેપારીને શેરબજારમાં નફાની લાલચ આપી ચાર શખ્સોએ રોકાણ કરાવી કુલ રૂ ૮૬.૨૫ લાખની રકમની ઠગાઈ કર્યાની ફરિયાદ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવાઇ છે. વિશેષ આશ્ચર્યની વાત એ છે કે ભેજાંબાજોએ રોકાણ અને નફાની લેતી- દેતી બેંકને બદલે આંગડિયા મારફત કરવાનું કહી વેપારીને છેતર્યા હતા.
મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા અને ટાઈલ્સ અને મારબલનો વેપાર કરતા ભરતભાઈ ખીમજીભાઈ વરમોરા (ઉ.વ.૪૫)એ આરોપીઓ રોહનકુમાર , લલિતભાઈ બ્રોકર , સાગર પટેલ અને નચિકેત બળદેવભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે , તેમનો દીકરા પલ્લવ ઘૂટું ગામની સીમમાં આવેલ ગોડાઉન ખાતે બેસતો હોઇ આરોપીઓએ તેને ફોન કરી શેરબજારમાં રોકાણ કરી ઉંચા નફાની લાલચ આપી હતી અને બેંક મારફતે ઓનલાઇન પેમેન્ટ કરાવી શરૂઆતમાં થોડો નફો દેખાડી વિશ્વાસ જીતીલીધો હતો.
વધુ રકમનું રોકાણ કરવાનું કહી બેંકને બદલે આંગડિયાથી રકમ મોકલવાથી ટેક્સની રકમ બચી જશે, અને નફાની રકમ પણ આંગડીયા પેઢી મારફત મોકલી આપશું તેવી લાલચ આપી હતી. કટકે કટકે કુલ રૂ ૮૬,૨૫,૯૫૦ રકમ પડાવી લઈને ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




