મેઘરાજાની તોફાની બેટિંગથી મોરબી જિલ્લો જળબંબાકાર, 18 રસ્તા બંધ, મચ્છુ નદી બે કાંઠે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોરબી: મોરબી જિલ્લામાં આજે વહેલી સવારે ૪ વાગ્યાથી મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. મેઘરાજાની તોફાની બેટિંગથી જિલ્લો જળબંબાકાર બન્યો હતો. મોરબી તાલુકામાં ૧૨ કલાકમાં ધોધમાર પોણા દશ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો ટંકારા તાલુકામાં ૭ ઇંચ, હળવદ તાલુકામાં ૬.૫ ઇંચ ઉપરાંત માળિયા તાલુકામાં પોણા પાંચ ઇંચ અને સૌથી ઓછો વાંકાનેર તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
મોરબી ના મુખ્ય રોડ રસ્તા જ નહિ અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. સામાકાંઠે આવેલ શ્રીમદ સોસાયટી, ષભ સોસાયટી, નીલકંઠ સોસાયટી અને હાઉસિંગ બોર્ડમાં પાણી ભરાઈ ગયા હતા. છેલ્લાં ૨૦ વર્ષ કરતા વધુ સમયથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તે ઉપરાંત દલવાડી સર્કલ પાસે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિકો પોતાના ઘરે પહોંચી ના સકે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી અને સબ ઠીક હે..ના ગાણા ગાતા મનપા તંત્રનું મેઘરાજાએ નાક વાઢી લીધું હતું.
શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર લાતીપ્લોટમાં કાદવ કીચડ અને ખાડામાં આજે અનેક વાહનો ફસાઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોએ મહા મહેનતે બહાર કાઢયા હતા. તે ઉપરાંત શેરી નં.૬માં રોડ પર તો પાણીના તલાવડા ભરાઈ ગયા હતા. રોડ ક્યાય નજરે પડતો ન હતો.મોરબી મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગતા તકેદારીના ભાગરૂપે મચ્છુ નદી પરનો બેઠો પુલ બંધ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત શહેરનો શનાળા રોડ, રવાપર રોડ, સાવસર પ્લોટ સહિતના મેઈન રોડ રસ્તા પર વાહન ન ચાલી સકે તેટલા પાણી ભરાઈ ગયા હતા. તો મોરબી મહાપાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું. એટલું જ નહિ મોરબીનું જૂનું બસ સ્ટેશન તળાવમાં ફેરવાઈ ગયું હતું. તે ઉપરાંત જીકીયારી કોઝ-વે અને રવાપર નદીના રોડ બંધ કરવાની ફરજ પડી હતી.
મોરબી જિલ્લામાં પંચાયત વિભાગના ૧૬ અને સ્ટેટ વિભાગના ૨ મળીને કુલ ૧૮ રોડ ભારે વરસાદ, ઝાડ પડી જવાને કારણે બંધ થયા હતા. કલેકટરે મચ્છુ ૩ ડેમ, સાદુળકા ગામે આશ્રયસ્થાન અને બેઠા પુલ સહિતના સ્થળોની જાતે મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.એસ.ડી.આર.એફ.નીએક ટીમ સ્ટેન્ડ ટૂ મોડમાં છે,અને જરૂરત પડયે વધુ ટીમોની મદદ લેવામાં આવશે.તેમ કલેક્ટરે જણાવ્યું હતું.
- મચ્છુ -2 ડેમના 16 દરવાજા તથા મચ્છુ-3 ડેમના 13 દરવાજા 10 ફૂટ ખોલાયા,બ્રાહ્મણી -1 ડેમ છલકાયો : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ -૨ ડેમ ગત સપ્તાહે પડેલા વરસાદમાં જ ભરાઈ ગયો હતો. અને આજે વહેલી સવારથી સતત વરસાદને પગલે ડેમના ૧૬ દરવાજા ૧૦ ફૂટે ખોલવામાં આવ્યા હતા.બે તાલુકાના ૩૨ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું . મચ્છુ-૨ ડેમમાંથી સતત પાણી છોડવાને પગલે મચ્છુ ૩ ડેમમાં પણ પાણીની આવક થતા ડેમના ૧૩ દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવ્યા હતા. હળવદના ગોલાસણ પાસે આવેલ બ્રાહ્મણી-૧ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. જેથી સાંજે ૫ વાગ્યે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેથી હળવદ તાલુકાના ૧૫ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
- આસોઇ નદીના પરના કોઝ-વે પર પાણી ફરી વળતા વાંકાનેર-રાજકોટ રોડ બંધ : વાંકાનેરના કુવાડવા રોડ ઉપર ખીજડિયા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પરના જૂના કોઝ-વે પર ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં કોઝ-વે બંધ થઇ ગયો હતો. પરિણામે વાંકાનેર-કુવાડવા રોડ પર વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જેના કારણે વાહનચાલકો અટવાઇ જતાં બંને તરફ ટ્રાફિક જામ થઇ ગયો હતો. વાંકાનેરનો રાજકોટ સાથેનો સંપર્ક તૂટી જતાં લોકો હેરાન થયા હતા.









