Gujarat

સઇજ નજીક રૂા. 1.10 લાખનો વિદેશીદારૂ ભરેલી કાર પકડાઇ

By GS Team
22 Jul 20202 mins read
This article was originally published on 22 Jul 2020
સઇજ નજીક રૂા. 1.10 લાખનો વિદેશીદારૂ ભરેલી કાર પકડાઇ

કલોલ, તા. 22 જુલાઇ 2020, બુધવાર

સઇજ ગુરુકુળ કટ પાસેથી વિદેશીદારૂ ભરેલી સ્કોર્પિયો કાર પસાર થવાની બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસે વોચ ગોઠવી કાર પકડી પાડી હતી. કારમાં રહેલા બે શખ્સો પૈકી એક શખ્સને પોલીસે પકડી પાડી કારની તલાશી લેતાં તેમાંથી ૧.૧૦ લાખનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે વિદેશીદારૂ, કાર અને મોબાઇલ ફોન મળી કુલ ૩.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ફરાર થઇ ગયેલા અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મહેસાણાથી કલોલ થઇને અમદાવાદ તરફ વિદેશીદારૂનો જથ્થો ભરેલી સ્કોર્પિયો કાર નં.જી.જે. ૨૪.એ.૫૧૧૫ પસાર થવાની બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસ મથકના પીએઆઇ વાય.ડી.ગામીત એ.એસ. આઇ. ધવલભાઇ, હેડકોન્સ્ટેબલ નરેશભાઇ, કોન્સ્ટેબલ શૈલેષભાઇ અમિતભાઇ, મહેન્દ્રસિંહ અને રોનકભાઇ સહિતનો સ્ટાફ વોચમાં હતો તે વખતે સઇજ ગુરુકુળ કટ પાસે બાતમીવાળી સ્કોર્પિયો કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર ચાલકે પુરઝડપે હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે કારનો પીછો કર્યો હતો. વિદેશીદારૂ ભરેલી કારમાં સવાર બે શખ્સો પલસાણા રોડ તરફ કાર મૂકી ભાગવાનો પ્રયાસ કરતા હતા તે વખતે પોલીસે એક આરોપી કુંભા રામ મશરૂં રામ રબારી રહે. કેશુરું, જી.ઝાલોદ રાજસ્થાનને પકડી પાડયો હતો. જો કે ઇશ્વર મશરૂં રામ રબારી ભાગી છુટયો હતો. અમદાવાદ તરફ ગ્રામ્ય વિસ્તારમાંથી વિદેશીદારૂનો જથ્થો લઇ જવાતો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૩૦ નંગ બોટલ કી રૂ.૧,૧૦,૨૯૫નો જથ્થો મળી કુલ રૂપિયા ૩,૬૨,૨૯૫ નો મુદ્દામાલ કબ્જે લિ અન્ય એક ફરાર આરોપીની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે. ઉલ્લેખનીય છએ કે, કલોલના ગ્રામ્ય વિસ્તારોમાંથી દેશી અને વિદેશીદારૂની હેરફેર વધી ગઇ છે. પોલીસે દરોડા કરી દારૂનો જથ્થો પકડી પાડતી હોવા છતાં પણ દારૂની હેરફેર અટકતી જ નથી !