Mehsana

CCTV: મહેસાણાની નાગલપુર ચોકડી નજીક કુખ્યાત ભાવેશ ઝીલિયા પર હુમલો, કારને 3 વખત ટક્કર મારી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
મહેસાણાની નાગલપુર ચોકડી નજીક રવિવારે રાત્રે સનસનાટીભર્યા ફાયરિંગથી ખળભળાટ મચી ગયો. ફોર્ચ્યુનર કારમાં બેઠેલા કુખ્યાત ભાવેશ ઝીલિયા પર અજાણ્યા હુમલાખોરોએ 3 વાર ટક્કર મારી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ હુમલામાં ભાવેશ ઝીલિયા સહિત 2 લોકોને ઈજા પહોંચી. પોલીસ જૂની અદાવતની શંકા સાથે CCTV ફૂટેજ તપાસી રહી છે અને હુમલાખોરોને ઝડપવા નાકાબંધી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CCTV: મહેસાણાની નાગલપુર ચોકડી નજીક કુખ્યાત ભાવેશ ઝીલિયા પર હુમલો, કારને 3 વખત ટક્કર મારી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા

Firing Incident Nagalpur Chokdi Mehsana: મહેસાણા શહેરમાં રવિવારે(30 ઓગસ્ટ) રાત્રિના સમયે જાહેરમાં થયેલા સનસનાટીભર્યા ફાયરિંગના બનાવથી સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નાગલપુર ચોકડી નજીક એક ફોર્ચ્યુનર કારમાં બેઠેલા કુખ્યાત ભાવેશ ઝીલિયા પર અજાણ્યા હુમલાખોરોએ આડેધડ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ભાવેશ ઝીલિયા સહિત બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે.

ફોર્ચ્યુનરને 3 વાર ધડાકાભેર ટક્કર મારી કર્યું ફાયરિંગ

પ્રાથમિક માહિતી અનુસાર, ભાવેશ ઝીલિયા પોતાની ફોર્ચ્યુનર કાર લઈને નાગલપુર ચોકડી પાસે ઊભો હતો ત્યારે જ અચાનક આવી પહોંચેલા અજાણ્યા શખસોએ ફિલ્મી ઢબે પોતાની ગાડી ફોર્ચ્યુનર કાર સાથે એક પછી એક 3 વખત ધડાકાભેર અથડાવી હતી. ગાડીને ક્ષતિગ્રસ્ત કર્યા બાદ હુમલાખોરોએ તુરંત જ બંદૂકમાંથી ભાવેશ ઝીલિયાને ટાર્ગેટ બનાવી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.

આ હુમલામાં ભાવેશ ઝીલિયા અને તેની સાથે રહેલા અન્ય એક શખસને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. બનાવ બનતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

LCB અને SOGની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ

જાહેર રસ્તા પર ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ મહેસાણા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતને પગલે લોકલ ક્રાઈમ બ્રાંચ(LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)ની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે નાગલપુર ચોકડી અને આસપાસના વિસ્તારના તમામ CCTV ફુટેજ કબજે કરીને ચકાસણી શરૂ કરી છે, જેથી હુમલાખોરો કઈ તરફ ભાગ્યા છે તેનો તાગ મેળવી શકાય.

આ પણ વાંચો: અમદાવાદમાં માતાજીના ભૂવા બની ઠગાઈ આચરતી 'મદારી ગેંગ' ના 2 સાગરિત ઝડપાયા, વટવાનો ચેન સ્નેચિંગનો ગુનો પણ ઉકેલાયો

જૂની અદાવતમાં હુમલો થયાની શંકા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાવેશ ઝીલિયા અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે અને તેની સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. જેથી હુમલા પાછળ કોઈ જૂની અદાવત હોય શકે છે. સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હુમલાખોરોને ઝડપી પાડવા ચારેય તરફ નાકાબંધી

મહેસાણાના નાયબ પોલીસ અધિક્ષક(DySP) મિલાપ પટેલના જણાવ્યા અનુસાર, હુમલાખોરોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. જાહેરમાં બનેલી આ ઘટનાથી શહેરમાં લો એન્ડ ઓર્ડર સામે સવાલો ઊભા થયા છે.