Ahmedabad

અમદાવાદમાં માતાજીના ભૂવા બની ઠગાઈ આચરતી 'મદારી ગેંગ' ના 2 સાગરિત ઝડપાયા, વટવાનો ચેન સ્નેચિંગનો ગુનો પણ ઉકેલાયો

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: ભોળા ભક્તોને નિશાન બનાવી માતાજીના ભૂવા બની દાગીના ચોરતી 'મદારી ગેંગ'ના 2 સાગરીતોને ઝોન-7 LCBએ ઝડપ્યા છે. વટવામાં સરનામું પૂછવાના બહાને મહિલાને ફસાવી સોનાની ચેન તારવી લેવાનો ગુનો ઉકેલાયો છે. પોલીસે આરોપી પવનનાથ અને રમેશનાથ પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમની સામે અગાઉ પણ આવા ગુના નોંધાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં માતાજીના ભૂવા બની ઠગાઈ આચરતી 'મદારી ગેંગ' ના 2 સાગરિત ઝડપાયા, વટવાનો ચેન સ્નેચિંગનો ગુનો પણ ઉકેલાયો

Ahmedabad News: ભોળા ભક્તોની શ્રદ્ધાનો લાભ ઉઠાવી માતાજીના ભૂવા હોવાનો ઢોંગ રચીને દાગીની ચોરી કરતી કુખ્યાત 'મદારી ગેંગ' ના બે સાગરીતોને ઝોન-7ની લોકલ ક્રાઈમ બ્રાંચે(LCB) ઝડપી પાડ્યા છે. આરોપીઓની અટકાયત સાથે જ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ચેન સ્નેચિંગનો અણઉકેલાયેલો ગુનો પણ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસેથી સોનાનો કિંમતી સામાન કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સરનામું પૂછવાના બહાને મહિલાને જાળમાં ફસાવી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આશરે ત્રણ મહિના અગાઉ અમદાવાદના વટવા વિસ્તારમાં એક મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે આરોપીઓએ સરનામું પૂછવાના બહાને તેને રોકી હતી. ત્યારબાદ આરોપીઓએ પોતે માતાજીના ભૂવા હોવાની ઓળખ આપી, મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો.

આરોપીઓએ મહિલા પર માતાજીની અસીમ કૃપા હોવાનું અને દુઃખ-મુસીબતો દૂર થઈ જશે તેવી વાતોમાં ફસાવી તેને ગળામાં પહેરેલી સોનાની ચેન ઉતારવા મજબૂર કરી હતી. ત્યારબાદ ચેનનો અમુક ભાગ કાપીને પોતાની પાસે રાખી લીધો હતો અને બાકીનો ભાગ મહિલાને પરત આપી તકનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યા હતા. આ અંગે વટવા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

બાતમીના આધારે LCBએ દબોચી લીધા

ઝોન-7 LCBની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે વટવાની ઘટનામાં મદારી ગેંગના કેટલાક સાગરીતો સંકળાયેલા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને બે શખસોની અટકાયત કરી છે

ઝડપાયેલા આરોપીના નામ

  • પવનનાથ ઠાકોરનાથ ચૌહાણ (ઉં.વ. 26, મૂળ ગણેશપુરા તા. દહેગામ અને હાલ રહે. મદારીનગરના છાપરા, પીપળજ)
  • રમેશનાથ ઉર્ફે હપુડી નટવરનાથ ચૌહાણ (ઉં.વ. 26, મૂળ ગણેશપુરા અને હાલ રહે. રિંગ રોડ ટોલટેક્સ પાસે, રામોલ)

કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આચરેલી ઠગાઈ અને સોનાની ચેન તારવી લેવાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે ચોરીમાં ગયેલું સોનું કબજે કર્યું હતું.

આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આવા જ એક ગુનામાં પવનનાથ ચૌહાણ નાસતો ફરતો હતો. આ ઉપરાંત તેની સામે અગાઉ વેજલપુર અને કપડવંજ રૂરલ પોલીસ મથકે પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે રમેશનાથ ચૌહાણ સામે અગાઉ કૃષ્ણનગર પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે.

અન્ય ગુનાઓ ઉકેલાવાની શક્યતા

LCBની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ અમદાવાદ શહેર તેમજ આસપાસના જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો કે જાહેર રોડ પર ભોળા ભક્તોને ટાર્ગેટ બનાવી ભૂવા બનીને ઠગાઈ આચરતી હતી. પોલીસે બંને આરોપીઓની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે.