Gujarat

જિલ્લામાં વીજળીના કડાકા સાથે મેઘો ત્રાટક્યા

By GS Team
14 Jun 20203 mins read
This article was originally published on 14 Jun 2020
જિલ્લામાં વીજળીના કડાકા સાથે મેઘો ત્રાટક્યા

ગાંધીનગર, તા. 14 જૂન 2020, રવિવાર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટનો સામનો કરી રહેલાં નગરજનો ત્રસ્ત થઇ રહ્યા હતાં ત્યારે રવિવારે વહેલી સવારે વાતાવરણમાં થયેલા પલટાના કારણે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદની ગતિ લગભગ પાંચ કલાક સુધી ચાલી હતી. જિલ્લાના દહેગામમાં ત્રણ ઇંચથી વધુ જ્યારે કલોલમાં પોણા બે ઇંચ તો ગાંધીનગર તાલુકામાં દોઢ ઇંચ તથા માણસામાં પોણા ઇંચની સાથે પાટનગરમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સાથે સાથે ઠેકઠેકાણે જમીન બેસી જવાના કારણે ભુવા પડયા હતાં.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લા ઉપર અનુભવવા મળતી હોય તેમ ત્રણ દિવસ અગાઉ મોડીરાત્રીએ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ત્યારબાદ વાતાવરણમાં થયેલા પલટાના કારણે વરસાદે વિરામ લેતાં ઉકળાટમાં પણ વધારો થવા પામ્યો હતો. જેના પગલે લોકો પણ ઉકળાટમાં હેરાન પરેશાન થઇ ગયા હતા. ત્યારે શનિવારે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણમાં ઉકળાટમાં નગરજનો અકળાઇ ઉઠયાં હતાં. મધ્યરાત્રીએ વાતાવરણમાં આવેલા પલટાના કારણે રવિવારે વહેલી સવારે અચાનક જ વીજળીના કડાકા - ભડાકા શરૃ થયા હતા અને ધોધમાર વરસાદ સમગ્ર જિલ્લામાં ખાબક્યો હતો. આ વરસાદની અવિરત ગતિ પાંચ કલાક સુધી ચાલી હતી. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સાથે સાથે ભારે પવન ફુંકાતાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. તો ભારે વરસાદના પગલે જમીન બેસી જવાથી ઠેકઠેકાણે ભુવા પડી ગયા હતા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. તો પાટનગરમાં પણ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પાંચ કલાકમાં પડયો હતો. જ્યારે કલોલમાં પોણા બે ઇંચ અને ગાંધીનગર તાલુકામાં દોઢ ઇંચથી વધુ તો માણસામાં પોણા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આમ ચોમાસાની મોસમના પ્રારંભે મેઘરાજાએ પણ મન મુકીને મહેર કરી હોય તે પ્રકારે વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ખુશાલી વ્યાપી છે. તો બીજી તરફ ગાંધીનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રવિવારે સવારે પડેલા વરસાદના પગલે પાણી ભરાઇ જવાથી તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતાં. આમ સમગ્ર જિલ્લામાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ ભર્યા વાતાવરણનો સામનો કરી રહેલાં લોકોને પણ આંશિક રાહત મળી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ વરસાદ વરસસે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે ત્યારે રવિવારે વહેલી સવારે વીજળીના કડાકા-ભડાકા સાથે થયેલાં વરસાદમાં સેક્ટર-૭ /ડી ના એક મકાન ઉપર વીજળી પડતાં ઘરની દિવાલોમાં તીરાડો પડી જવા પામી હતી. તો  ભારે પવન સાથે વરસાદ પડતાં માર્ગોની આસપાસ જોખમી વૃક્ષો ધરાશાયી થતાં વાહનચાલકો પણ અટવાઇ ગયા હતાં.