ચાંદીપુરા વાયરસ જીવલેણ બન્યો, મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત, 4 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Door to Door Surveillance Chandipura : મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બહુચરાજી તાલુકાના દેલવાડા (ખાંટ) ગામની 4 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાઇરલના સંક્રમણના કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 28 જુલાઈએ મોડી રાત્રે કરૂણ મોત નીપજ્યું છે. મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાઇરલના કારણે નોંધાયેલું આ પ્રથમ મોત હોવાથી સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
સમગ્ર ઘટનાક્રમ પર એક નજર
- પ્રથમ લક્ષણો (26 જુલાઈ): દેલવાડા (ખાંટ) ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામના 4 વર્ષીય બાળકીને અચાનક તીવ્ર તાવ અને ઉલટીની ફરિયાદ જણાતા પરિવારે તેને ત્વરિત મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.
- સેમ્પલ મોકલ્યા: બાળકીના રોગના લક્ષણો શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગ દ્વારા તેના બ્લડ સેમ્પલ ચકાસણી અર્થે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા હતા.
- વાઇરલની પુષ્ટિ અને દુઃખદ અંત: સોમવારે આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાઇરલની પુષ્ટિ થતાં જ બાળકીને વધુ સઘન સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, તબીબોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન બાળકીએ દમ તોડી દીધો હતો.
આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી અને સર્વેલન્સ
આ ગંભીર ઘટના બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કૌશિક ગજ્જરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો ત્વરિત સક્રિય થઈ ગઈ છે. તંત્ર દ્વારા મૃતક બાળકીના ઘર આસપાસ તેમજ સમગ્ર દેલવાડા ગામના 250 થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. વાઇરલના ફેલાવાને અટકાવવા માટે ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ, દીવાલો પર ઇન્સેક્ટિસાઈડ સોઇંગ અને સ્પ્રેઇંગ સહિતની તમામ જરૂરી તકેદારીના પગલાં યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યા છે.
સરપંચની ગ્રામજનોને ખાસ અપીલ
ઘટનાની ગંભીરતાને જોતાં ગામના સરપંચ ગોવિંદસિંહ સોલંકીએ તમામ ગ્રામજનોને સાવચેત રહેવા અને વિશેષ કાળજી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે જો કોઈ પણ બાળકમાં અચાનક તાવ, ઉલટી, ચક્કર આવવા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય, તો સહેજ પણ બેદરકારી રાખ્યા વગર તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, જેથી સમયસર યોગ્ય તબીબી સારવાર પૂરી પાડી શકાય.









