બજેટ આવ્યું અને રૂપિયો ખોવાયો
રૂપિયો ખોવાયો મારો રૂપિયો ખોવાયો
ક્યાંથી આવશે રૂપિયો ને ક્યાં જશે રૂપિયો બજેટ બજેટ શું કરો છો પહેલાં શોધો રૂપિયો
રજાઓમાં હરીશ નાયકે ઘણી બધી વાર્તાઓ કહી છે. ખાસ કરીને ઝૂંપડાંના બાળકોને. બાળગીતો ઘણાં ગાયા અને ગવડાવ્યાં. એમાંનું કંઇ પણ જૂનું નહિ. બધી તાજી તાજી, નવી નવી વાતો. 'રૂપિયો ખોવાયો'ની આ તાજી રચનામાં બાળકોને, વાલીઓને, શિક્ષકોને, વેપારીઓને બહુ જ આનંદ આવ્યો. શેરીનાટક, શેરીવાર્તાની જેમ આ શેરીગીત હતું. સમૂહમાં ગાવાની મજા જ કોઈ ઔર છે. તમે બધાંય ભેગાં થઇને ગાજો અને ગવવડાવજો.
રૂપિયો ખોવાયો મારો રૂપિયો ખોવાયો
ચાંદીના ચક્કર જેવો રૂપિયો ખોવાયો
મૂળાના પતીકા જેવો રૂપિયો ખોવાયો
ગાડાના પૈડા જેવો રૂપિયો ખોવાયો
ચાલો પૂછીએ મોટાને, ક્યાં રૂપિયો ખોવાયો ?
ચાલો પછીએ સાહેબને, ક્યાં રૂપિયો ખોવાયો ?
ચાલો પૂછીએ નેતાને, ક્યાં રૂપિયો ખોવાયો ?
મમ્મી ગઈ શાક લેવા, ત્યાં રૂપિયો ખોવાયો
પપ્પા ગયા નોકરીએ, રૂપિયો ખોવાયો
દાદા ગયા દર્શને, ને રૂપિયો ખોવાયો
સો પૈસાનો એક એવો રૂપિયો ખોવાયો
બે-બે આઠ આનાનો, રૂપિયો ખોવાયો
ચાર પાવલીઓનો એક, રૂપિયો ખોવાયો
ગજવું મારું કાણું નથી, રૂપિયો ખોવાયો
ભેજું મારું ગેપ નથી, રૂપિયો ખોવાયો
ગણિત મારું પાક્કું છે, રૂપિયો ખોવાયો
ચાલો પૂછીએ, દિલ્હીને,
ક્યાં રૂપિયો ખોવાયો
જવાબ આપો મોટાઓ, ક્યાં રૂપિયો ખોવાયો
કાન પકડીને પૂછો રે, ક્યાં રૂપિયો ખોવાયો
એવું કેવું રાજ કર્યું, કે રૂપિયો ખોવાયો
એવા કેવા હિસાબ કરીયા, રૂપિયો ખોવાયો
એવાં કેવાં ગપ્પા માર્યા, રૂપિયો ખોવાયો
શોધી જુઓ ગજવામાં ? રૂપિયો ખોવાયો
પૂછી જુઓ સગાંઓને, રૂપિયો ખોવાયો
શોધો ગાડી મારૂતિમા, રૂપિયો ખોવાયો
સૂંઘો મહેનત મારી છે, રૂપિયો ખોવાયો
મારો છે પરસેવો તેમાં, રૂપિયો ખોવાયો
સપનાં તેમાં મારાં છે, એ રૂપિયો ખોવાયો
પૂછો દુકાનદારને ક્યાં રૂપિયો ખોવાયો
પૂછો પેટ્રોલપંપને ક્યાં રૂપિયો ખોવાયો
પૂછો બસના કન્ડકટરને, રૂપિયો ખોવાયો
રૂપિયો ખોવાયો મારો રૂપિયો ખોવાયો
રૂપિયો ખોવાયો તમારો રૂપિયો ખોવાયો
રૂપિયો ખોવાયો દેશનો રૂપિયો ખોવાયો
જોઈ રહ્યાં જોનારાઓ રૂપિયો ખોવાયો
ઊંઘતા રહ્યા ઊંઘનારાઓ, રૂપિયો ખોવાયો
અરરર આ શું કર્યું ? રૂપિયો ખોવાયો
રૂપિયો ખોવાયો આપણો રૂપિયો ખોવાયો