Magazines

કૉકરોચ : વંદો .

By GS TEAM
26 May 20265 mins read
કૉકરોચ : વંદો                                              .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- પરમાણુ વિકિરણ રેડ(રેડિએશન એબ્સોર્બડ ડોઝ)માં મપાય છે. 1000  રેડ હોય તો માણસ મરી જાય પણ વંદાને મારવા 100000 રેડ પરમાણુ વિકિરણ જોઈએ. 

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો ટોપો સાવ ગંદો, તેમાં એક વંદો

વંદો ફરે માથે, ટોપા સાથે સાથે

વંદો કાઢે ડોળા, કરે ખોળંખોળા                                                                                                 

હડિયાપટ્ટી મચ્ચી, થાય ગલીપચ્ચી

ભોપો ખણવા બેઠો, ટોપો પડયો હેઠો                                                                                                           

- રમેશ પારેખ

હ ડિયાપટ્ટી મચી ગઈ જ્યારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સૂર્યકાંતે ભરી અદાલતમાં કહ્યું કે દેશના બેરોજગાર યુવાનો વંદા જેવા છે. અને પછી મીડિયામાં તેઓના આ કથનની ટીકા થઇ. અને પછી તેઓએ ચોખવટ કરી કે આ તો બનાવટી ડિગ્રી લઈને આવી ચઢેલા અને મીડિયા, સોશિયલ મીડિયા અથવા આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને સીસ્ટમની જ ટીકા કરતા યુવાનોની વાત હતી. બાકી ભારતીય યુવાનો પ્રત્યે તો આદરભાવ છે. શબ્દ મળ્યો : કૉકરોચ (cockroach). અને એની સાથે જોડાયેલાં રસપ્રદ મુહાવરા પણ મળી આવ્યા. અમને એ પણ સમજાયું કે કોઈને વંદો કહેવું, ક્યારેક એના વખાણ પણ હોઈ શકે છે. પણ તે પહેલા કૉકરોચ શબ્દની વ્યુત્પત્તિની વાત.

મૂળ સ્પેનિશ શબ્દ 'કૅર્કા' એટલે પતંગિયાની ઇયળ. એ પરથી જમીન રેંગતી ઇયળ જેવુ જીવડું એટલે 'કૅર્કારુચ'. પણ અમેરિકા ગયેલા અંગ્રેજ લોકોને એ સ્પેનિશ શબ્દ બોલતા ન ફાવ્યું એટલે તેઓએ કૉકરોચ કરી નાંખ્યું. એમ કે 'કૉક' એટલે મરઘો અને 'રોચ' એટલે એક જાતની માછલી. બોલવામાં આસાની રહે, યૂ સી! પછી તો અમેરિકન્સને એવું લાગ્યું કે 'કૉક' શબ્દ વલ્ગર છે કારણ કે 'કૉક'નો એક અર્થ થાય પુરુષનું લિંગ. એટલે શબ્દ ટૂંકાવીને કરી નાંખ્યો 'રોચ'. 'કૉકરોચ' અને 'રોચ' બે શબ્દો પણ અર્થ  એક જ. વંદો. 

મારી માનસિકતા છે કે હું ગમે તેવી સ્થિતિમાં ટકી શકું, ગુજારો કરી શકું. મારી જરૂરિયાત પણ સાવ ઓછી. ગમે તેવી સ્થિતિને અનુકૂળ હું થઇ શકું. આમ જ જોઈએ અને મને તેમ જ જોઈએ, એવા ધતિંગ મારે નહીં. હું બેકગ્રાઉન્ડમાં રહું. નામનાની મને પડી નથી. ચૂપચાપ મારું કામ હું કર્યે જાઉં. જુઓને, અત્યારે આર્થિક કટોકટીની સ્થિતિ છે. મારા પ્રતિસ્પર્ધીઓને હાલત ખરાબ છે પણ.... હું ક્રિયાશીલ છું, અતૂટ છું. અનબ્રેકેબલ, યૂ સી! બિલકુલ વંદાની માફક. આ 'કૉકરોચ મેન્ટાલિટી' છે. અમે માનીએ છીએ કે મુખ્ય ન્યાયાધીશે ખુલાસો કરવાની જરૂર નહોતી. આજકાલના યુવાનો વંદા જેવા હોય તો એ તો સમૂળગાની સારી વાત કહેવાય! એ જ તો ટકે. એક મુહાવરો કૉકરોચ મોડ પણ છે. 'મોડ' એટલે રીત. તરીકા-એ-કૉકરોચ! આ બિઝનેસનો શબ્દ છે. આ નિષ્ઠુર ગળાકાપ માર્કેટમાં બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકીને આપણે ધંધો કર્યે જવો. આર્થિક પરિસ્થિતિ વિકટ બને ત્યારે એ જ કામ આવે. અત્યારની સ્થિતિ જ એવી છે. મોદી સાહેબ આપણને બચતની હિદાયત આપે છે. 'સર્વાઇવ લાઈક અ કૉકરોચ' મુહાવરો પણ એ જ અર્થમાં છે. સર્વાઇવ એટલે ટકી રહેવું. જ્યારે પરમાણુ વિકિરણ અકસ્માત થાય ત્યારે તેમાંથી બચવાની વંદાની ક્ષમતા જબરી છે. પરમાણુ વિકિરણ રેડ(રેડિએશન એબ્સોર્બડ ડોઝ)માં મપાય છે. ૧૦૦૦  રેડ હોય તો માણસ મરી જાય પણ વંદાને મારવા ૧૦૦૦૦૦ રેડ પરમાણુ વિકિરણ જોઈએ. ટૂંકમાં, કામ કરવાનું વાતાવરણ ઝેરી હોય ત્યારે પૃષ્ઠભૂમિમાં રહીને, પોતાની મનની શાંતિ જાળવી રાખે અને ક્યારેય સ્થળ છોડીને ભાગે નહીં, એવા વંદામયી માનવો મને પ્રિય છે. 

હવે કોઈને કાકરોચ કહેવું ખરાબ પણ હોઈ શકે પોઇન્ટ ટૂ બી નોટેડ, મી લોર્ડ! મુહાવરાના સંદર્ભમાં કૉકરોચ ભ્રષ્ટાચાર, છૂપો ખતરો, ગભરાટ અને ગંદવાડ સાથે પણ સંકળાયેલો છે. કૉકરોચ થીયરી એવું માને છે કે કોઈ પણ કોર્પોરેટ કે બિઝનેસમાં એકાદ ગરબડ કે કોઈ એકલદોકલ કૌભાંડ છતું થાય તો એવું માનવું કે આવા અનેક કૌભાંડ ટૂંક સમયમાં જ બહાર આવશે. જેમ એકાદ વંદો રસોડામાં રાતે દેખાય એટલે એવું ન માનવું કે આ એક જ છે. વંદાની આખી કોલોની ક્યાંક ફાટ કે કોઈ તિરાડમાં સંતાયેલી છે. વૉરેન બફેટ કહે છે કે જ્યારે કોઈ કંપની એકાદ ખરાબ સમાચાર રીપોર્ટ કરે જેમ કે હિસાબી અનિયમિતતા, વ્યાવસાયિક નૈતિકતામાં બાંધછોડ કે પછી મેનેજમેન્ટ દ્વારા ભરાયેલું એકાદું ખોટું પગલું ત્યારે એવું ન માનવું કે આ એકલદોકલ ભૂલ છે. ઘણાં ઘણાં વંદાઓ બહાર આવશે જ. અમે કહીએ છીએ કે રોકાણકારોએ પેસ્ટ કંટ્રોલ કરાવી લેવું, તઈં શું?

આ ઉપરાંત, ફ્રેન્ચ અને રશિયન ભાષામાં પણ વ્યક્તિગત મનોસ્થિતિ દર્શાવતા કૉકરોચ મુહાવરા છે. મનમાં કૉકરોચનું હોવું એટલે એ વ્યક્તિ ઊંડા મેન્ટલ ડીપ્રેશનમાં છે. અથવા ઉદાસીન છે. અથવા એની વર્તણુંકમાં અનોખી વિચિત્રતાઓ ભરી પડી છે, એવા અર્થ થાય. 

આમ માનવ સમજણની સારી અને નરસી બંને સ્થિતિઓમાં કૉકરોચનો દાખલો  પ્રસ્તુત છે. એટલે સ્વાભાવિક છે કે સાહિત્યમાં પણ વંદાનો ઉલ્લેખ આવે જ. ફ્રાન્ઝ કાફ્કાની ટૂંકી વાર્તા મેટામોર્ફોસિસ(૧૯૧૫) હીરો વંદો થઈ જાય છે અને એ પરથી ઇયાન મેકવાનની નવલિકા ધ કૉકરોચ(૨૦૧૯)માં પણ વાર્તા નાયક વંદો છે અને એ જાગે છે ત્યારે એને ખબર પડે છે કે પોતે બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટરના શરીરમાં ફસાયો છે. અને પછી જે થાય છે એ આધુનિક રાજકીય વ્યંગ છે. 

હોલીવૂડ એક્ટર લેસ્લી સ્નાઇપ્સ કૉકરોચને ટોક્સિક વાતાવરણ, સ્ટ્રેસ કે નેગેટિવ લોકો સાથે સરખાવે છે. રાતના અચાનક લાઈટ કરો અને ઘણાં બધા કૉકરોચ રેંગતા દેખાય. તમારે ઝાડૂ લઈને એને દરવાજા બહાર તગેડી દેવા જોઈએ કારણ કે કૉકરોચ એટલે કે ટોક્સિસિટી/નેગેટિવિટી આપણી ઘણી શક્તિ ક્ષીણ કરી દેતા હોય છે. મેં જો કે કાકરોચ સાથે ગુપ્ત સમજૂતી કરી લીધી છે. ક્યારેક રાત્રે ઊઠું, લાઈટ કરું અને કૉકરોચને ફર્શ ઉપર ટહેલતો જોઉં તો લાઈટ બંધ કરીને સૂઈ જાઉં છું. એ મારું સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. 

શબ્દશેષ

'તમે જો કૉકરોચ મારો તો તમે હીરો અને પતંગિયું મારો તો તમે વિલન. નીતિમત્તાના માપદંડ પણ સૌંદર્યલક્ષી હોય છે.' 

- જર્મન ફિલોસોફર નિત્સે