Magazines

અપીલ : અનુરોધ .

By GS TEAM
19 May 20264 mins read
અપીલ : અનુરોધ                                      .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- સરકાર કહેશે કે અમે ભલે અપીલ કરીએ તમારે એને આદેશ જ સમજવો. 

हमारी खैर मनाओं कि आज खुद उसने

बडे खलूस बडी इल्तिजा से बातें की

- मुस्तफा जैदी 

खलूस : હાદક સ્નેહ; इल्तिज् : અનુરોધ

આ પને નોટબંધીનું એલાન યાદ હશે. રાતોરાત આપણે દોડતાં થઇ ગયા હતા. ખૈર મનાવીએ કે આ વખતે એવું નથી. અત્યારે માત્ર અપીલ કરવામાં આવી છે. મોદીસાહેબે જે કહ્યું એમ કરવામાં મને તો કોઈ તકલીફ નથી. મારું તો અમથું ય એવું કે...ના ચાહું સોનાચાંદી, ના બનું વિદેશ યાત્રી, યે મેરે  કિસ કામકે.. અને કામ ઘરબેઠાં કરો, બહાર જાઓ તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જાઓ, ખાદ્યતેલનો ઉપયોગ ઘટાડો, ફોરેન બ્રાન્ડેડ કપડાં ના ખરીદો... આ તો ભાવતું'તું ને મોદીજીએ કહ્યું. ત્યાગીને ભોગવ, એવી ઉપનિષદ વાણીનો સાક્ષાત્કાર મને થઇ રહ્યો છે. આમ પણ મારી પાસે પૈસા નહોતા. ધન્યવાદ મોદીજી, આપે મારી લાજ રાખી. આમ જુઓ તો આ બધી મોહમાયા છે. ખરું ને? 

અહીં 'અપીલ' શબ્દ અગત્યનો છે. ગુજરાતી લેક્સિકન અનુસાર ઇંગ્લિશ શબ્દ 'અપીલ' (Appeal) એટલે નીચલા ન્યાયાલયના ચુકાદા સામે ઉપરના ન્યાયાલયને અરજી કરવી, આજીજીભરી વિનંતી, બેટ્સમેન આઉટ છે કે નહીં ?- તે અમ્પાયરને પૂછવું, -ને આકર્ષક લાગવું, આકર્ષક ગુણ અથવા અંગ. હવે 'અપીલ' અધિકૃત ગુજરાતી શબ્દ પણ છે. 'સાર્થ' અનુસાર ગુજરાતી શબ્દ 'અપીલ'નો અર્થ થાય છે : આગ્રહભરી વિનંતી; અનુરોધ. ઉર્દુ/ હિંદીમાં ગુઝારિશ, ઇલ્તિજા, દરખ્વાસ્ત, મિન્નત, પ્રાર્થના ઇત્યાદિ અપીલનાં સમાનાર્થી શબ્દો છે. 

મૂળ લેટિન શબ્દ 'અપ્પેલર' એટલે એડ+ પેલર. એડ એટલે તરફ અને પેલર એટલે ધકેલવું. અગિયારમી સદીમાં આ શબ્દનો અર્થ થતો હતો સંપર્ક કરવો, બોલાવવું, નામ લેવું. ચૌદમી સદીમાં આ શબ્દ લીગલ અર્થમાં પ્રચલિત થયો એમ કે અદાલતમાં અરજી દાખલ કરવી કે ન્યાયિક આદેશની સંતોષ ન થયો હોય તો ઉપલી અદાલતમાં અરજી કરવી. પણ ધીરે ધીરે આ શબ્દ કોર્ટ કચેરીની બહાર પણ 'આકર્ષક' કે 'મનભાવન'ના અર્થમાં ઉપયોગ થવા લાગ્યો. સદીઓ પહેલાં રોમન સામુદ્રિ જહાજ બંદરની કોઈ એક પસંદગીની ચોક્કસ જગ્યાએ લાંગરવા માટે આ શબ્દ વપરાતો હતો. એ પરથી આ શબ્દ વ્યક્તિત્વ સાથે પણ પસંદગી કે મનગમતા-ના અર્થમાં સંકળાયો. 'સેક્સ અપીલ' શબ્દો આપણે સાંભળીએ છીએ. સેક્સાકર્ષણ કેટલું? ડીએનએ અખબારના સમાચાર અનુસાર તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની સાથી ફિલ્મી કલાકાર (અને એક અફવા મુજબ એની પ્રેમિકા) ત્રિશા ક્રિષ્ણનનો એક જૂનો વિડીયો વાયરલ થયો, જેમાં ત્રિશાએ વિજયની સેક્સ અપીલને અન્ય તામિલ ફિલ્મ સ્ટાર્સથી ઉતરતી ગણાવી હતી. આજે અલબત્ત અપીલ શબ્દ અનુરોધ-ના અર્થમાં રજૂ થયો છે, નહીં કે આકર્ષણ-ના અર્થમાં. અને કોર્ટ કચેરીની ન્યાયિક અપીલની વાત પણ નથી. એટલે આપણે 'અનુરોધ'ના અર્થની વાત કરીશું. 

એક ગંભીર અનુરોધ કેવી રીતે કરવો? જ્યારે હું સામેવાળાની લાગણી, મૂલ્યો કે તર્કને ઉદ્દેશીને અપીલ કરું છું ત્યારે મારે તેનો/તેઓનો ટેકો જોઈએ છે, અથવા કોઈ સારા કામ માટે દાન જોઈએ છે અથવા તેઓની વિચારસરણીમાં બદલાવ લાવવા હું ઈચ્છું છું. એમ કરવા પાછળનું કારણ મારે મારા ટારગેટ ઓડિયન્સ સામે સ્પષ્ટ કરવું જોઈએ. અહીં છાશ લેવા જવું 'ને દોણી સંતાડવી- એ વાત નહીં ચાલે. દા.ત. સોનું કેમ નહીં ખરીદવું? પેટ્રોલ ડીઝલમાં કરકસર શા માટે? સોનું અને ખનીજ તેલ આપણે ત્યાં અતિ ઓછાં પ્રમાણમાં પેદા થાય છે. આયાત થાય એટલે ચૂકવણીમાં ડોલર્સમાં થાય. એક વર્ષમાં સોના પાછળ ૭૨૦ કરોડ ડોલર્સ ખર્ચાયા. રૂપિયામાં ગણીએ તો આશરે ૭ પાછળ અગિયાર મીંડા લાગે એટલી રકમ. ખનીજ તેલનો ભાવ જે ઈરાન યુદ્ધ પહેલાં ૭૦ ડોલર્સ પ્રતિ બેરલ હતો એ વધીને ૧૨૦ ડોલર્સ થઇ ગયો. વિદેશી વસ્તુની ખરીદ અને વપરાશ મુલતવી રાખવી, એમાં જ દેશનું હિત સમાયું છે. સમજાયું? લોકો સ્માર્ટ છે. સમજાવો તો સમજે. તો જ સમજે. ગોળ ગોળ વાતો ન કરવી. સ્પષ્ટ કહેવું. અને હા, આમ કર્યું  તો શું સારું થયું? દાખલો આપીને સમજાવવું જરૂરી. 

બાદશાહ અકબર માનતો કે લોકો એને પ્રેમ કરે છે અને એ કહે તેમ લોકો કરશે. બિરબલે કહ્યું કે પ્રજા પ્રેમની ભાષા સમજતી નથી. અકબરે મોદીસાહેબની માફક લોકોને અપીલ કરી કે રાજમહેલ બહાર હોજ છે. ઉપર કપડું ઢાંક્યું છે, એમાં દરેક નાગરિકે રાતે એક લીટર દૂધ ઠાલવી જવું. દરેકને થયું કે આટલું દૂધ હશે ત્યારે આપણે પાણી નાંખીએ તો શો ફેર પડે? બાદશાહ અકબરે સવારે કપડું હટાવીને જોયું તો હોજમાં પાણી જ પાણી હતું. બાદશાહે પછી આદેશ કર્યો કે દરેકે એક લિટર દૂધ હોજમાં કમ્પલસરી ઠાલવવું, નહીંતર... અને બીજા દિવસે સવારે કપડું ખોલીને જોયું તો દૂધ જ દૂધ. ડરાના જરૂરી હૈ. પબ્લિકને લાગે વળગે છે ત્યાં સુધી ફીઅર ઇઝ ધ કી!

જન જન પોતાનું ધન ક્યાં ખર્ચે છે?- પબ્લિક નહીં પણ યે જો સરકાર હૈ, વોહ સબ જાનતી હૈ. બિગ બ્રધર ઇઝ વૉચિંગ. ત્રણ મહિના પછી મને મોબાઈલ ફોન પર મેસેજ આવશે કે ભાઈ તમને કીધું'તું કે વિદેશ ફરવા જશો નહીં પણ હે રંગરસિયા, થાઈલેન્ડમાં કાં રમી આવ્યા રાસ જો! અને મેટ્રોમાં ય તમે જઈ શક્યા હોત પણ જસ્ટ-ફોર-ફન અનેક લોન્ગ ડ્રાઇવ જઈને પેટ્રોલની વેડફાટ શા માટે કર્યો ? હું તો ગરીબડો થઈને જવાબ દઉં કે સાહેબ, આ તો આપની અપીલ હતી, આદેશ નહોતો. તો સરકાર કહેશે કે અમે ભલે અપીલ કરીએ તમારે એને આદેશ જ સમજવો. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત 'સાર્થ' જોડણીકોશના કર્તાહર્તા સમાહર્તાઓને અમે અનુરોધ કરીએ છીએ કે ગુજરાતી શબ્દ 'અપીલ'નો એક વધારાનો અર્થ એમાં ઉમેરવો. એમ કે જ્યારે દેશનાં વડાપ્રધાન 'અપીલ' કરે ત્યારે એનો અર્થ 'અનુરોધાત્મક આદેશ' ગણવો!

શબ્દ શેષ : 

'અપીલ તર્ક સંગત ભલે હોય પણ કોઈ ગેરંટી નથી કે એ કામ કરશે જ.' 

- વિલિયમ બર્નબેક