પ્રોડિજી : વિલક્ષણ, પ્રતિભાસંપન્ન, અકાલપરિપક્વ

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- આપણે પ્રોડિજીને પોંખીએ છીએ. આપણા આનંદ માટે. એની વાહ વાહી કરીએ છીએ. ત્યાં સુધી જયાં સુધી એ તૂટી નહીં જાય
कच्ची उम्रों में हमे काम पर लगा दिया गया
वरना हम खिलौने तोडते, रिर्कोड नहीं !
- शकील आजमी
'અ નાહત' એટલે અસીમ, અજેય, શુદ્ધ. 'જોઆઓ' એટલે ઈશ્વર કૃપાળુ છે. અને 'વૈભવ' તો આપણે જાણીએ છીએ. સમૃદ્ધિ, જાહોજલાલી, ઐશ્વર્ય. અનાહત સિંઘ (ઉં. વર્ષ૧૮), જોઆઓ ફોન્સેકા(ઉં. વર્ષ ૧૯) અને વૈભવ સૂર્યવંશી (ઉં. વર્ષ ૧૫) ટીનેજર્સ છે. બચ્ચે હૈ પર.. કચ્ચે નહીં હૈ! ક્વૉશ, ટેનિસ અને ક્રિકેટમાં વિલક્ષણ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. અનાહત ક્વૉશ વર્લ્ડ કપમાં એક અને એશિયન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડમેડલ્સ જીતી ચૂકી છે. 'ઓલમ્પિક. કોમ' લખે છે કે ઇન્ડિયાની આ પ્રોડિજીનું ધૈર્ય અને નિર્ભીકતા એની ઉંમરની સાપેક્ષ ઘણું વધારે છે. હવે ઓલમ્પિક્સ ૨૦૨૮માં એની મેડલ્સ જીતવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત અત્યારે રમાઈ રહેલી ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં આ અગાઉ ત્રણ ત્રણ વાર ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા મહાન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને પાંચ સેટ્સમાં ચોંકાવનારી હાર આપનાર બ્રાઝિલિયન પ્રોડિજી જોઆઓની દસ રસપ્રદ હકીકતના સમાચાર ગયા અઠવાડિયે 'હિંદુસ્તાન ટાઈમ્સ'માં છપાયા છે. આ મોટો અપસેટ છે. કમસીન ઉંમરમાં જોઆઓ કમાલ કરે છે. અને છેલ્લે આપણો વૈભવ સૂર્યવંશી. એક આઇપીએલ સીઝનમાં મહત્તમ ૭૨ છગ્ગાનો રેકોર્ડ. એના પછી અભિષેક શર્મા બીજા નંબરે પણ એણે માત્ર ૪૩ છગ્ગા માર્યા. અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં એની ટીમ તો નહોતી પણ મેચના અંતે એને એકને પાંચ પાંચ વ્યક્તિગત એવૉર્ડસ મળ્યા, જે આઈપીએલ ઇતિહાસમાં કોઈને મળ્યા નથી. 'એનડીટીવી સ્પોર્ટ્સ'એ એની આ સિઝનની અઢી કરોડ રૂપિયાની કમાણીના સમાચાર લખ્યા. બધા સમાચારોમાં એક શબ્દ કોમન હતો : પ્રોડિજી (Prodigy).
ગુજરાતી લેક્સિકન અનુસાર 'પ્રોડિજી' એટલે આશ્ચર્યકારક વસ્તુ, અદ્ભુત માણસ, વિલક્ષણ, અસાધારણ બુદ્ધિશાળી કે અકાલપરિપક્વ બાળક અથવા પ્રતિભાસંપન્ન વ્યક્તિ. મૂળ લેટિન શબ્દ 'પ્રોડિજિયમ' જેનો અર્થ થાય ભવિષ્ય સૂચક સંકેત કે શુકન-અપશુકન. 'પ્રો' એટલે આગોતરું. પ્રાચીન રોમમાં કોઈ અકુદરતી ઘટના બને તો એ ઈશ્વરની ઇચ્છા છે કે ઈશ્વર કોપાયમાન થયા છે-એવું મનાતું. પણ પછી જ્યારે આ શબ્દ પંદરમી સદીમાં ઇંગ્લિશમાં દાખલ થયો ત્યારે એ અસાધારણ કે અભૂતપૂર્વ બનાવના અર્થમાં જ રહ્યો. પછી શેક્સપિયરના જમાનાથી આ શબ્દનો અર્થ થયો : એવું બાળક જે અલૌકિક બુદ્ધિ પ્રતિભા ધરાવે છે. આધુનિક અર્થ પણ એ જ છે. દા.ત. ઉંમર માત્ર બાર વર્ષ પણ ચેસની રમતમાં ચેન્નાઇ પ્રોડિજી આર. પ્રજ્ઞાનનંદ ગ્રાન્ડ માસ્ટર બન્યો. આ ઉપરાંત પ્રોડિજીના અન્ય અર્થ પણ છે. અસાધારણ ઉત્કૃષ્ટ કામ થયું હોય પ્રોડિજી શબ્દનો ઉપયોગ થઇ શકે છે. દા.ત. ચેનાબ નદી ઉપર એફિલ ટાવરથી પણ ઊંચો રેલ્વે પૂલ જે ૨૬૬ કિ.મી. ગતિથી વાતો પવન અને ૮ રિચર સ્કેલનો ભૂકંપ સહી શકે એવી ક્ષમતા ધરાવે છેત આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોડિજી છે. અહીં આવું ઇન્ફ્રાસ્ટ્રકચર સર્જનારની ઉંમર નાની છે, એવો ભાવ નથી. ત્રીજો અર્થ કોઈ ખાસ ઘટના દર્શાવે છે. દા.ત. અસાધારણ ખગોળ ઘટના. અત્યારે સૂર્યાસ્ત પછી અમદાવાદથી કચ્છ સુઘી આકાશમાં નજર કરો તો શુક્ર, ગુરુ અને બુધ ગ્રહો એક લાઈનમાં દેખાશે, આ મિનિ પરેડ ખગોળિય પ્રોડિજી છે. આજે જો કે આ શબ્દ અસાધારણ ઉત્કૃષ્ટ બાળપ્રતિભાના સંદર્ભે સમાચારમાં આવ્યો છે એટલે એની જ વાત કરીએ.
પ્રોડિજી શબ્દ માત્ર રમતગમત ક્ષેત્ર સુધી સીમિત નથી. સંગીતમાં મોઝાર્ટ માત્ર સાત વર્ષ વયે, ગણિતમાં રામાનુજન માત્ર સોળ વર્ષની વયે અને ચિત્રકલામાં પિકાસો તેર વર્ષની વયે અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. પ્રોડિજી જેવો જ એક શબ્દ છે: જીનિયસ(ય્ીહૈેજ). અર્થ એ જ. અલૌકિક બુદ્ધિ પ્રતિભા. પણ અહીં નાની ઉંમરની વાત નથી. સિનેમા જીનિયસ આલ્ફ્રેડ હિચકોકની વય ૫૪ વર્ષ હતી તે પછી જ તેઓની શ્રેણીબદ્ધ શ્રેષ્ઠ ફિલ્મ્સ આવી હતી. પ્રોડિજી અને જીનિયસ વચ્ચેનો તાત્વિક ભેદ સમજાવતા લેખક જ્હોન ગ્રીન લખે છે પ્રોેડિજી ખૂબ ઝડપથી શીખી જાય છે, એ જે અન્ય લોકોએ શોધ્યું હોય છે. જીનિયસ એ શોધે છે, જે અગાઉ ક્યારેય શોધાયું નથી.
આપણે પ્રોડિજીને પોંખીએ છીએ. આપણા આનંદ માટે. એની વાહ વાહી કરીએ છીએ. ત્યાં સુધી જયાં સુધી એ તૂટી નહીં જાય. અને પછી આપણને નવાઈ લાગે છે કે આ ટેલન્ટેડ છોકરો કે છોકરી પ્રેસરને હેન્ડલ કેમ કરી શકતા નથી? જાણે કે આ એક સાયકોલોજીકલ પ્રયોગ છે. આખું બાળપણ આપણે એની પાસે છીનવી લઈએ છીએ. અમેરિકન સાયકોલોજીસ્ટ લેટા હોલિંગવર્થનું અવલોકન છે કે પ્રોડિજી પ્રત્યે આપણી એટિટયૂડ ક્રૂર છે. એ માંડ દસ વર્ષનો હોય ત્યારે આપણે એની પાસે પરફેક્શનની ડીમાન્ડ કરીએ છીએ અને પછી એ વીસ વર્ષનો થાય છે ત્યારે એને પનિશમેન્ટ આપીએ છીએ કે તું આમ ઓર્ડિનરી કેમ નીકળ્યો? વૈભવ સૂર્યવંશી બાઉન્સર બોલ રમી નથી શકતો- એવો ગણગણાટ ચાલુ થઇ ગયો છે. પ્રોડિજીનું લેબલ હેરાન કરતુ હોય છે. પ્રોડિજી કાયમ તો બાળક રહેવાના નથી. અને પોતે પ્રોડિજી પણ કાયમ રહેવાના નથી.
વિખ્યાત ફિલોસોફર પૌલ સાર્ત્ર માને છે કે પ્રોડિજીને પરફોર્મ કરતા જોવું, એ એક આઘાતજનક દ્રશ્ય છે. અમે જો કે સહમત નથી. વૈભવ સૂર્યવંશી પાસે સરસ સેન્સ ઓફ હ્યુમર છે. આઇપીએલ ટૂર્નામેન્ટની તૈયારી માટે એની ટીમના કેમ્પમાં હતો એટલે દસમાની બોર્ડ પરીક્ષા એ આપી નહોતો શક્યો. કેમ્પમાં એક પત્રકારે એને પૂછયું કે બુમરાહના વીજળી વેગે આવતા યોર્કરનો ડર તને નથી લાગતો? એણે શાંતિથી જવાબ આપ્યો કે સાચું કહું તો મને સ્કૂલની ગણિતની પરીક્ષાની બીક વધારે લાગે છે!
શબ્દશેષ
'જો તમે સ્પોર્ટ્સમાં પ્રોડિજી હોવ તો દુનિયા એવું ઈચ્છે છે કે તમે રોજ જ જીતો. તેઓ ભૂલી જાય છે કે તમે હજી તો મોટા થઇ રહ્યા છો.'
-માર્ટિના હિન્જિસ









