2020 બેમિસાલ બનાઈએ.....
દોબારા દોબારા - અલતાફ પટેલ
ઉદાસ લમ્હોંકી ન કોઈ યાદ રખના
તૂફાનમેંભી વજુદ અપના સંભાલ રખના
કિસીકી જીંદગીકી ખુશી હો તુમ
બસ યહી સોચ તુમ અપના ખ્યાલ રખના.. અન્જાન
દે વદાસ બનીને ઉદાસ બનવાની સહેજે જરુર શી ? દેવદાસની જેમ જીવનને ગમના ગંજમાં ખડકી દેવાથી કશું જ વળવાનું નથી. બલ્કે તરોતાજા બનીને રાજાની જેમ સુંદર આયોજન કરી સૌને તારવાનું કામ નવા વર્ષમાં થાય તો અતિ ઉત્તમ.. શક્તિઓનો વ્યય કરવાનું તો કોઈક મૂર્ખને જ ફાવે... બુધ્ધિશાળી શક્તિશાળી બનીને ઘણી સમસ્યાઓ તપસ્યા કર્યા વગર પણ હલ કરી શકે...
ઇસ તરહા તય કી હમને મંઝીલે
ગિર ગયે, ગિરકર ઉઠે, ઉઠ્કર ચલે...
જેને પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવાનો દઢ સંકલ્પ છે એ કદિ નિરાશ થાય નહીં કે કોઈને થવા દે નહીં. એ તો પડીને, સડીને ખૂણામાં બેસી ના રહે અરે એ તો અનેક રસ્તાઓની ખોજમાં રહીને પણ મોજ માણે... પોતાના મિત્રોની, અનુભવીઓની સલાહ લઈને સુરજ ભલેને ગમે તેટલો તપતો કેમ ન જાય એ તો આગળ ને આગળ ધપતો જ જાય.. એ તો પરાજયને પણ જય જયકારથી વધાવીને ધણું બધું શીખી લ્યે...
મશ્વરા હૈ બડે ખુલુસ કે સાથ
બેકસીમેં કિસીકે કામ આઓ તુમ
ફરિશ્તે તો બન નહી શક્તે
કમસે કમ આદમી તો બન જાઓગે
એક નિખાલસ ઉમદા બદામ જેવી સલાહ (મશ્વરા) કે આ નગરના કોઈ પણ નિ:સહાય (બેક્સ)ને સહાયરુપ થવા પ્રયત્ન કરશો તો તમારું પોતાનું રુપ બદલાઈ જશે... તમે એક સાત્વિક આનંદની અનુભૂતિ કરી શક્શો.. આપણે ફરિશ્તા તો ન બની શકીએ પણ સજ્જન બનીને સમાજને, દેશને ઉપયોગી તો બની શકીએ. એટલુંય ન કરી શકીએ દેશાભિમાન માત્ર નામનું જ ગણીએ...
કાંટોસે તુ અપના દામન સજા લે
જા સારા ગુલિસ્તાન તેરે હવાલે
જો તું મુશ્કિલીઓને સાંખીને તારી ઉન્નત શાખ ઉભી કરી શકે, તું કોઈ પણ કટોકટીનો સામનો કરીને અધ્ધર થઈ જવાને બદલે સધ્ધર થઈ શકે એટલી ક્ષમતા જો હાંસલ કરી લ્યે તો બધું જ તારું, બધા જ તારા...સમજી લે વિશાળ બાગનો તુ જ માલિક...
નવું વર્ષ પ્રત્યેક પળે ઉત્કર્ષ બનીને ઝળહળી ઉઠે તે માટે માનવતાની મહેંક પ્રસારવા કટિબધ્ધ થઈ સૌના સાથ મેળવવાની ઉત્કટ દિવ્ય ઉત્કંઠા શ્રેષ્ઠ ધર્મનું આચરણ ગણીએ તો એનાથી રુડું શું ?
સબસે જયાદા જાહિલ તો મૈં હું અલતાફ
નસીહત દેતા હું અમલ મેં સિફર હું તો ફીર...
(જહિલ- અજ્ઞાાની, સિફર-શુન્યઝીરો)