Magazines

ઘમ રે ઘંટી ઘમ ઘમ થાય

By GS Team
9 Nov 20193 mins read
This article was originally published on 9 Nov 2019
ઘમ રે ઘંટી ઘમ ઘમ થાય

ઘમ રે ઘંટી ઘમ ઘમ થાય

ઝીણું દળું તો ઉડી ઉડી જાય

જાડું દળું તો કોઈ ના ખાય

અરરર રે રે જાડું દળું તો કોઈ ના ખાય

મારા તે ઘરમાં સસરોજી એવા

હાલતા જાય, ચાલતા જાય,                                                                      

લાપસીનો કોળિયો ભરતા રે જાય

ઘમ રે ઘંટી...

મારા તે ઘરમાં નણંદબા એવાં

નાચતાં જાય, કૂદતાં જાય

રાંધી રસોઈયું ચાખતાં રે જાય

ઘમ રે ઘંટી...

મારા તે ઘરમાં સાસુજી એવાં

મ્હાલતાં જાય, બેસતાં જાય,

ઉઠતાં બેસતાં ભાંડતાં રે જાય

ઘમ રે ઘંટી...

મારા તે ઘરમાં પરણ્યાજી એવા

હરતા જાય, ફરતા જાય,

માથામાં ટપલી મારતા રે જાય

ઘમ રે ઘંટી...

ગુજરાતી લોકગીતોમાં માનુનીઓનાં મનના વિધ વિધ ભાવો વણાયા છે. એટલે તો નવેય રસનાં ગીતો આપણી પાસે છે. દારાઓ બહુ જ દુ:ખી હતી એટલે લોકગીતોમાં અન્ય રસની તુલનાએ કરૂણરસનું પ્રાબલ્ય જોવા મળ્યું છે. અનેકાનેક ગીતો એવાં છે જેમાં વહુવારુઓ સાસરિયાની ફરિયાદ કરતી સાંભળવા મળી છે.

પોતાનાં દુ:ખ માટે સાસુ, જેઠાણી, નણંદ સામે આંગળી ચિંધતી અને એ દુ:ખદાયીનીઓની ચડામણીથી પોતાને શારીરિક-માનસિક ત્રસ્ત કરતાં પતિઓ તથા ઘરના મૂક પ્રેક્ષકો સસરા, જેઠ, દિયર સામે અનહદ ફરિયાદો લોકગીતોમાં પડઘાઈ રહી છે પણ ફરિયાદોનો બીજો પ્રકાર પણ છે એ અહીં જેનો ઉલ્લેખ થયો તે મીઠી ફરિયાદ, જેમાં વહુને બહુ નુકસાન થતું નથી, ઉલટું વધુ પડતી પ્રેમપરાયણતાની આડઅસરરૂપ વર્તન થતું હોવાથી મીઠી-મૂંઝવણ જન્મે છે ને એમાંથી મધુરી રાવ કરવાનું તેનું મન થાય છે.

'ઘમ રે ઘંટી ઘમ ઘમ થાય...' વનીતાઓની વહાલુડી વાતો અને પરિજનો સામેની મીઠી મીઠી ફરિયાદો લઈને આવતું લોકગીત છે. વહુ વહેલી ઉઠીને ઘંટીએ બેસી જાય દળણું દળવા -આ એનો નિત્યક્રમ છે, નિત્યકર્મ પણ! એને પરોઢિયે ઘંટી ફેરવવી પડે એની સામે જરાય વાંધો નથી પણ દળણું કેવું રાખવું એની દ્વિધા છે, ઝીણું દળે તો લોટ ઘંટીના થાળામાંથી ઉડી જાય ને જાડું દળે તો એની બનેલી વાનગી કોઈ ખાતું  નથી! બીજી મીઠડી રાવ એ છે કે સસરા એવા ભોજનપ્રિય છે કે હાલતાં ચાલતાં લાપસીના કોળિયા ભરતા જાય છે, એને ના પણ કેમ પાડી શકાય? ને છેલ્લે લાપસી ઘટી પડે તો? નામ તો રાંધનારી વહુનું જ આવે!

વળી, નાની નણંદ આખો દિવસ ઘરમાં નાચ્યા-કૂદ્યા કરે ને રસોડામાં જઈ જે બન્યું હોય તે ચાખી આવે. નણંદને તો કાંઈ કહેવાય જ નહીં! નણંદ ટીકા ટિપ્પણ કરતી રહે કે શાકમાં મીઠું ઓછું છે, રોટલો વધુ બળી ગયો છે...ને એ સાંભળી સાસુ હાલતાં-ચાલતાં વહુને ભાંડે! પરણ્યો તો પાછો સૌથી ચડે એવો, ઘરમાં આમ તેમ ઘૂમતો રહે, કોઈ ન દેખે એવો લાગ જોઈ રસોડામાં લટાર લગાવી આવે ને અર્ધાંગિનીને પ્રેમથી ટપલી મારીને ડાહ્યો ડમરો થઇ બહાર બેસી જાય! 

લ્યો,આ બધી 'સમસ્યાઓ' વહુને સતાવે છે એનો ઉકેલ શું? આ તો એવી 'યાતનાઓ' છે જેની મનોકામના દરેક વહુને હોય! આ તો સુખની છોળોમાંથી સર્જાતાં મેઘધનુષ્ય છે. દરેક ઘરમાં આવાં નવરંગી ઇન્દ્રધનુષ્ય નિખરવાં જોઈએ...