જ્હોની લીવર: સફળતા મળ્યા પછીય મારા પગ સતત જમીન પર જ રહ્યા છે...

- 'હું તો મારી જાતને હજી પણ હિન્દુસ્તાન યુનિલિવર કંપનીનો મજૂર જ સમજુ છું. મેં લગભગ ૩૦૦ હિન્દી ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. આમ છતાંય દરેક નવી ફિલ્મ મારી કરીઅરની જાણે પહેલી જ ફિલ્મ હોય તે રીતે જે-તે પાત્રને સમજીને તેને ન્યાય આપવા પ્રયાસ કરું છું…'
ટીની લીવર. સિર્ફ નામ હી કાફી હૈ. જ્હોની લીવર એટલે હાસ્યનો ફુવારો. પોતાની હાસ્યકળાથી લોકોને સંસારની ચિંતામાંથી બે ઘડી મુક્ત કરનારો. જ્હોની લીવર ફિલ્મના પડદા પર આવે એટલે સિનેમાગૃહમાં બેઠેલાં દર્શકોના ચહેરા અને આંખો બંને હસે. જ્હોની લીવર પોતાના પાત્રમાં એવા રંગ ઉમેરે અને એવી હરકતો કરે કે આખા સિનેમાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળે.
જ્હોની લીવરે હજી હમણાં જ એટલે કે ૨૦૨૬ની ૧૪, ઓગસ્ટે તેમની જિંદગીનો સિત્તેરમો પડાવ પૂરો કર્યો. ફોડ પાડીને કહીએ તો જ્હોની લીવરે તેમની ઉંમરનાં ૭૦ વર્ષ પૂરાં કરીને ૭૧મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સાથોસાથ આ જ જ્હોની ભાઇએ હિન્દી ફિલ્મ જગતમાં પણ રોકડાં ૪૫ વર્ષ પૂરાં કર્યાં છે.
જ્હોની લીવર એટલે મૂળ જ્હોન પ્રકાશ રાવ જનુમલા. આંધ્ર પ્રદેશના કાનીગિરિ નગરના તેલુગુ ક્રિશ્ચન પરિવારમાં જન્મેલા જ્હાનનો ઉછેર જોકે મુંબઇના માટુંગા પરાના કિંગ્ઝ સર્કલ વિસ્તારમાં થયો છે. જ્હોનના પિતા મુંબઇમાં હિન્દુસ્તાન લીવર કંપનીમાં નોકરી કરતા હતા. જ્હોને બાળપણમાં માટુંગાની જ એક સ્કૂલમાં શિક્ષણ લીધું છે. જોકે પરિવારની આર્થિક સ્થિતિ થોડીક નબળી હોવાથી જ્હોન વધુ ભણી ન શક્યો. સમય જતાં જ્હોન પોતે પિતા સાથે હિન્દુસ્તાન લીવર કંપનીમાં લેબર તરીકે કામ કરવા લાગ્યો. મુંબઇમાં રહીને - ઉછરીને પાકા મુંબઇગરા બની ગયેલા અને કડકડાટ મરાઠી ભાષા બોલતા જ્હોની ભાઇ પોતાના ૭૧મા જન્મ દિન વિશે કહે છે:
જુઓ, હું તો બહુ સીધો -સાદો માણસ છું. મારા જન્મ દિવસે કોઇ જ ઉજવણી નથી કરતો. નહીં કેક કે નહીં ડાન્સ પાર્ટી. હું એક સાધારણ અને સંઘર્ષ કરતા પરિવારનો સભ્ય હોવાથી બહુ નમ્ર અને વિવેકી રહ્યો છું. મને એક સફળ કોમેડિયન તરીકે ભરપૂર લોકપ્રિયતા, માન -સન્માન, રૂપિયા વગેરે બધું મળ્યું હોવા છતાં ક્યારેય પણ અદ્ધર આકાશમાં નથી ઉડયો. હું ખરું કહું તો મારી જાતને હજી પણ હિન્દુસ્તાન યુનિલિવર કંપનીનો મજૂર જ સમજુ છું. મેં લગભગ ૩૦૦ હિન્દી ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. આમ છતાં દરેક નવી ફિલ્મને મારી કારકિર્દી પહેલી ફિલ્મ જ સમજીને મારા પાત્રને ન્યાય આપવા પ્રયાસ કરું છું. મારી કોમેડી ભૂમિકામાં નવા નવા રંગ પૂરવા પ્રયાસ કરું છું. મારા માટે તો દર્શકોના અને મારાં ચાહકોના ચહેરા પરનું હાસ્ય અને રાજીપો જ સૌથી મોટો એવોર્ડ કે સન્માન છે.
હા, હું મારા હિન્દી ફિલ્મ જગતનો હૃદયપૂર્વક આભારી છું અને રહીશ. મને ખાસ કરીને બોલીવુડના સંગીત નિર્દેશક કલ્યાણજી ભાઇ- આણંદજી ભાઇ દ્વારા ભરપૂર માર્ગદર્શન અને સહકાર મળ્યાં છે. એમ કહો કે આ બંને ભાઇઓએ મને બોલીવુડમાં આગળ વધવામા બહુ જ સહાય કરી છે. બન્યું હતું એવું કે હું હિન્દુસ્તાન યુનિલિવર કંપનીના સમારોહમાં હાસ્યના કાર્યક્રમો રજૂ કરતા. હું ક્યારેક તો અમારા જ સાહેબોની બોલવાની , ચાલવાની જબરી નકલ કરીને કોમેડી કરતો. એટલે મારા કંપનીના મિત્રોએ મારું નામ જ્હોની લીવર રાખી દીધું. બસ, ત્યારથી બધાં મને જ્હોની લીવર કહેવા લાગ્યાં.
એક દિવસ મને મારો એક ભાઇબંધ કલ્યાણજી - આણંદજી પાસે લઇ ગયો હતો. કલ્યાણજી - આણંદજીના પેડર રોડ પરના મ્યુઝિક રૂમમાં દરરોજ રાતે ડાયરો - જલસો જામતો. તે ડાયરામાં બોલીવુડના મોટાથી નાના કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો, સંગીત નિર્દેશકો આવતાં. જાતજાતની અને ભાતભાતની વાતો, ચર્ચા, વિશ્વના મહાન પુરુષોના જીવનના પ્રસંગોથી લઇને બુદ્ધિમાં ઘંટડી વાગે એવી જોક્સ પણ રજૂ થતી. ખુદ કલ્યાણજી ભાઇ પોતે પણ જબરા રમૂજી હોવાથી ડાયરામાં ભરપૂર આનંદી માહોલ રહેતો.
મારા મિત્રે કલ્યાણજી ભાઇને મારો કોમેડિયન તરીકે પરિચય આપ્યો. મારી સાથેની વાત દરમિયાન કલ્યાણજી ભાઇએ મારી હાસ્ય પ્રતિભા પારખી લીધી. તેમણે મને તેમના બેહદ લોકપ્રિય કલ્યાણજી - આણંદજી શો નો સભ્ય બનાવી દીધો. હું તો રાજીના રેડ થઇ ગયો. તે દિવસ મારા જીવનનો સૌથી ધન્ય દિવસ બની ગયો.
હું તેમના શો માં હાસ્યના જુદા જુદા પ્રસંગો રજૂ કરવા લાગ્યો. સમય જતાં મને કલ્યાણજી -આણંદજી ભાઇ દ્વારા જ મારા જીવનની પહેલી ફિલ્મ યહ રિશ્તા ના ટૂટે (૧૯૮૧)માં તક મળી. એક કદમ આગળ વધીને મને હોપ - ૮૬ કાર્યક્રમમાં યાદગાર તક મળી કારણ કે તે શો માં બોલીવુડના મહાન ફિલ્મ સર્જક રાજકપૂર સહિત તમામ લોકપ્રિય કલાકારોએ હાજરી આપી હતી. મેં સાત કલાકના તે સુપરહીટ શો માં આખા બોલીવુડને એમ કહો કે પેટ પકડીને હસાવ્યાં હતાં. મારું નામ અને કામ બંને બોલીવુડમાં ચમકી ગયાં.
એક ખાસ વાત. મને હિન્દી ફિલ્મોના મોટાગજાના કોમેડિયન, મજેદાર અભિનેતા મેહમુદ સાહેબ અને સદાબહાર હેન્ડસમ હીરો દેવ સાબ સાથે પણ કામ કરવાની સોનેરી તક મળી છે. મેહમુદ સાહેબ કલ્યાણજી - આણંદજી શો સાથે સંકળાયેલા હોવાથી મને ઓળખતા હોવાથી તેમણે મને તેમના દિગ્દર્શનમાં બનેલી દુશ્મન દુનિયા કા ફિલ્મમાં તક આપી હતી. આ જ રીતે દેવ સાબે મને તેમની ફિલ્મ સેન્સર (૨૦૦૧) માં સરસ પાત્ર આપ્યું હતું. આમ મને બોલીવુડના બંને આલા દરજ્જાની હસ્તિઓ સાથે કામ કરવાની સોનેરી તક મળી.
અમુક અભિનેતા - અભિનેત્રી કોઇ એક ચોક્કસ પાત્રની ઓળખ બની જતાં હોય છે.અથવા તો તેમને અમુક ચોક્કસ ભૂમિકાનાં જ આમંત્રણ મળતાં હોય છે. આ જ રીતે જ્હોની લિવર માટે કોમેડિયનનો સિક્કો લાગી ગયો છે. જ્હાની ભાઇએ કોઇ ફિલ્મમાં હાસ્ય કલાકાર સિવાયની કોઇ જ ભૂમિકા નથી ભજવી.
૬૦-૭૦ના દાયકાની ઘણી ફિલ્મોમાં કોમેડી પાત્ર બહુ જ મહત્વનું બની રહેતું. ખાસ કરીને મેહમુદ સાહેબ તો એટલા લોકપ્રિય બની ગયા હતા કે તેમના માટે ખાસ ભૂમિકા લખવામાં આવતી. વળી, મેહમુદ સાહેબને ફિલ્મના હીરો કરતાં પણ વધુ નાણાં મળતાં. આવી માણવાલાયક ફિલ્મો બનાવવા ઘણી મહેનત પણ કરવી જરૂરી છે. આજે બહુ ઓછા નિર્માતા કે દિગ્દર્શક આટલી મહેનત કરે છે. આજની વાત કરું તો, રોહિત શેટ્ટી અને પ્રિયદર્શન બહુ બુદ્ધિશાળી ડિરેક્ટરો છે. પોતાનાં કલાકારો સાથે ચર્ચા કરે છે. પોતે દ્રશ્ય અને તેના હાવભાવ ભજવીને સમજાવે છે, જુઓ આમ નહીં, આમ. રોહિત શેટ્ટીની ગોલમાલ - ૫ ફિલ્મ તો મારા ભાઇ રાજીના રેડ થઇ જવાય એવી. ખરું કહું તો આવા દિગ્દર્શકોની કોમેડી ફિલ્મોમાં મેં મારા પાત્રમાં નવા રંગ પૂરીને તે ભૂમિકાને હસતી રમતી બનાવી દીધી છે. બાકી તો મારા માટે દર્શકોની ખુશી અને ખડખડાટ હાસ્ય જ સૌથી મોટો એવોર્ડ અને સન્માન છે એટલું ચોક્કસ.




