દિવાળીની નાસ્તા મીઠાઈ
દાવત - જ્યોત્સના .
ચંપાકલી
સામગ્રી: ૨૫૦ ગ્રામ મેંદો, ત્રણ ટેબલસ્પૂન તેલ મોણ માટે, મરી જીરું, અધકચરાં ખાંડેલા, મીઠું તથા તળવા માટે તેલ. (મરી-જીરુંને બદલે અજમો અથવા કલોંજી પણ નાખી શકાય.)
રીત: મેંદાના લોટમાં મોણ મીઠું તથા મરી-જીરું નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. લોટને બરાબર હલાવી તેની પૂરી વણવી. હવે પૂરીમાં વચ્ચે કાપા કરવા પણ કિનાર છોડીને કાપા મૂકવા એટલે પૂરી આખી રહે અને વચ્ચેથી કપાઈ જાય. હવે કાપા પાડેલી પૂરીના ઢીલા રોલ વાળી બન્ને છેડાને દબાવી દેવા અને રોલને જરાક ટ્વિસ્ટ કરી દેવો. આવી રીતે બધા રોલ તૈયાર કરી મધ્યમ તાપે ગુલાબી તળવા. સુંદર મજાની ચંપાકલી તૈયાર.
પૂરીચાટ
સામગ્રી: મેંદાની કડક પૂરી ૨૦-૨૫ નંગ, ૨૦૦ ગ્રામ રાજમા, ચાર ટેબલસ્પૂન બટર, બે ટેબલસ્પૂન ટામેટા સોસ, લાલ મરચું, મીઠું, તાંદુરી મસાલો કેે ચીલી હોટ સોસ, બારીક સમારેલી કોબી, ટામેટાં, લીલા કાંદા.
રીત: રાજમાને ત્રણ-ચાર કલાક પલાળીને કૂકરમા બાફી લેવા. હવે એક વાસણમાં રાજમા, બટર, ટમેટો સોસ, મરચું-મીઠું, તંદુરી મસાલો બધું નાખી ગરમ કરો. રાજમાને થોડા ક્રશ કરવા ઘટ્ટ થવા દેવું. પીરસતી વખતે ડિશમાં ત્રણ-ચાર પૂરી મૂકી ઉપર ગરમ રાજમાનું પૂરણ મૂકી ઉપર કોબી, ટામેટાં, કાંદો હોટ ચીલી સોસ નાખી ચીઝ ભભરાવવું. રાજમા આગલા દિવસે તૈયાર કરીને ફ્રીઝમાં રાખવા તો બીજા દિવસે આરામથી મહેમાનને પીરસી શકાય.
મિનિ ભાખરવડી
સામગ્રી: ૨૫૦ ગ્રામ મેદાનો લોટ, બે ટેબલસ્પૂન ઘી મોણ માટે, મીઠું પ્રમાણસર તળવા માટે તેલ.
સ્ટફિંગ માટે : ૧૦૦ ગ્રામ સેવ, ૫૦ ગ્રામ તલ, લાલમરચું, મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો, વરિયાળી, આમચૂર તથા દળેલી ખાંડ.
રીત: લોટમાં મોણ નાખી મધ્યમ કઠણ લોટ બાંધવો. હવે સેવને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી ભૂકો કરવો. તલને શેકીને અધકચરા ખાંડવા. વરિયાળી પણ જરાક ખાંડી લેવી. હવે તેમાં બાકીનો બધો જ મસાલો નાખવો. મસાલો ચડિયાતો કરવો. હવે લોટમાંથી થોડો લોટ લઈ મોટી રોટલી જેવું વણી ઉપર તૈયાર મસાલો નાખી હાથેથી મસાલાને દબાવી દેવો. પછી તેનો રોલ વાળવો.
રોલ ટાઇટ વાળવો આવી રીતે બધા રોલ વાળી પછી તેના નાના નાના પીસ કરી ગરમ તેલમાં ધીમા તાપે તળવા.
તળતી વખતે બધા પીસને હલકા દબાવીને તળવા જેથી રોલ જો કદાચ ઢીલો વળાયો હોય તો ટાઈટ થઈ જાય અને મસાલો બહાર ન આવે.
કોર્નભેલ
સામગ્રી: બે વાટકી પૌઆનો તળેલો ચેવડો, એક વાટકી બાફેલા મકાઈના દાણા, અડધી વાટકી દાડમ, અડધી વાટકી બારીક સમારેલી કોથમીર, મરચું, મીઠું, દળેલી ખાંડ તથા લીંબુ, એક કપ બારીક સેવ.
રીત: ચેવડામાં મકાઈના દાણા નાખી તેમાં મરચું મીઠું, દળેલી ખાંડ તથા લીંબુ નાખી મિક્સ કરવું. હવે સર્વિંગ બાઉલ અથવા પ્લેટમાં આ તૈયાર ચેવડો નાખી ઉપર દાડમના દાણા, કોથમીર તથા બારીક સેવ નાખી મહેમાનને પીરસો.
મરચું-મીઠું, સાકર, લીંબુ ચડિયાતા નાખવા. વળી બધું આગલે દિવસે તૈયાર રાખો એટલે મહેમાન આવે કે તરત મિક્સ કરી પીરસી શકાય. પરંપરાગત નાસ્તા કરીને કંટાળેલા મહેમાન આ ખાઈને ખુશ થઈ જશે.