Gujarat

વડોદરા જેલમાં લાકડા કાપનારે સીમકાર્ડ સાથેનો મોબાઈલ કેદીને આપ્યો, 3ની ધરપકડ

By GS Team
21 Jan 20201 min read
This article was originally published on 21 Jan 2020
વડોદરા જેલમાં લાકડા કાપનારે સીમકાર્ડ સાથેનો મોબાઈલ કેદીને આપ્યો, 3ની ધરપકડ

વડોદરા, તા. 21 જાન્યુઆરી 2020 મંગળવાર

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા કોલ સેન્ટર ચલાવવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વધુ ત્રણ યુવકોની ધરપકડ કરી છે.

પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હત્યા કેસના આરોપીઓ જેલમાંથી વાત કરતા હોવાની વિગતો બહાર આવતા રાવપુરા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો હતો. જડતી સ્ક્વોડ દ્વારા કબજે લેવાયેલા મોબાઇલ ફોન અને સીમકાર્ડની તપાસ દરમિયાન કેટલીક મહત્વની બાબતો પોલીસને પ્રાપ્ત થઈ હતી.

આ વિગતોને પગલે ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ જીકે ચાવડાએ મોબાઇલ અને સીમકાર્ડ ખરીદી જેલમાં પહોંચાડનાર હત્યા કેસના આરોપીના નિકટના સંબંધી (1) રાશિદઅલી ઉર્ફે લાલાભાઈ અકબરઅલી સૈયદ (2) મૂર્તુજા મો. ઇલ્યાસભાઈ સૈયદ બંને રહે.નાલબંધ વાડા,હરખાના રોડ અને જેલમાં રખાયેલા (3) યોગેન્દ્ર પ્રવીણ ભાઈ મહિડા રહે. રોમન નગર,છાણી ની ધરપકડ કરી છે.

પી.એસ.આઇ ચાવડાએ કહ્યું હતું કે, રાશિદ અને મૂતૅુજાએ મોબાઈલ અને સિમકાર્ડ ખરીદી જેલમાં લાકડા કાપતા યુવક મારફતે મોકલાવ્યો હતો તેમજ આ મોબાઇલ પરથી કેદી યોગેન્દ્ર પોતાના સીમકાર્ડનો ઉપયોગ કરી વાત કરતો હતો. જેથી ત્રણે જણાની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.