Lifestyle & Fashion

લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર, જાણો કઈ રીતે

By GS Team
20 Jul 20263 mins read
TukuTouch Logo
વરસાદની ભેજવાળી દુર્ગંધ દૂર કરવા માટે ઇન્ટરનેટ પર લીંબુની છાલ અને તજને પાણીમાં ઉકાળવાનો હેક વાયરલ થયો છે. આ ઉપાયથી ઘરમાં કુદરતી તાજગી અને સુગંધ ફેલાય છે. એક વાસણમાં પાણી, લીંબુના છોતરા અને 3-4 તજના ટુકડા 10-15 મિનિટ ધીમા તાપે ઉકાળવાથી વાતાવરણ સુગંધિત બને છે. જોકે, આ મિશ્રણ એર પ્યુરીફાયર નથી કે મચ્છર ભગાડવામાં સંપૂર્ણ અસરકારક નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

લીંબુના છોતરા અને તજ કરશે ઘરમાંથી વરસાદ વખતે આવતી દુર્ગંધ દૂર, જાણો કઈ રીતે

Lemon peel cinnamon water hack: ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણમાં ભેજ વધી જાય છે, જેના કારણે ઘરોમાં અને ખાસ કરીને રસોડામાં એક અજીબ પ્રકારની ભેજવાળી દુર્ગંધ આવવા લાગે છે. સોશિયલ મીડિયાના આ સમયમાં આવી જ મુશ્કેલીઓ નિવારવા માટે અવારનવાર અવનવા ઘરેલું નુસ્ખાઓ અને હેક્સ વાઇરલ થતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ પર એક એવો જ જબરદસ્ત ઉપાય ખૂબ પ્રચલિત બન્યો છે, જેમાં દાવો કરાયો છે કે લીંબુની છાલ અને તજને પાણીમાં ઉકાળવાથી ઘરની હવા સુગંધિત અને ફ્રેશ થઈ જાય છે. લોકો આ રીતને ચોમાસાની અને રસોડાની દુર્ગંધ દૂર કરવાનો તેમજ ઘરના વાતાવરણમાં કુદરતી રીતે તાજગી લાવવાનો એક આસાન રસ્તો માની રહ્યા છે. આ હેકની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને તૈયાર કરવો ખૂબ જ સરળ છે.

આ માટે બસ એક વાસણમાં પાણી લઈ તેમાં લીંબુના છોતરા અને 3-4 તજના ટુકડા નાખી દેવાના રહે છે. ત્યારપછી તેને 10-15 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકળવા દેવામાં આવે છે. જેમ-જેમ પાણી ગરમ થાય છે, તેમ-તેમ તજ અને લીંબુની હળવી તેમજ મીઠી સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે, જે વરસાદી ભેજની દુર્ગંધને મિનિટોમાં ગાયબ કરી દે છે.

શું આ મિશ્રણ ખરેખર એર પ્યુરીફાયરનું કામ કરે છે?

ઘરની અંદરની દુર્ગંધને દૂર કરવા માટે આ ઉપાય એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે, પરંતુ તેને 'એર પ્યુરીફાયર' સમજવાની ભૂલ ન કરવી જોઈએ. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, લીંબુની છાલમાં 'ડી-લિમોનેન' (D-limonene) નામનું તત્વ હોય છે, જે તેને ખાટી અને ફ્રેશ સુગંધ આપે છે.

બીજી તરફ, તજમાં રહેલા વોલેટાઇલ કમ્પાઉન્ડ્સ (ઉડી જાય તેવા તત્વો) તેને એક સરસ હર્બલ સુગંધ આપે છે. જ્યારે આ બંને વસ્તુઓને પાણીમાં એકસાથે ઉકાળવામાં આવે છે, ત્યારે આ તત્વો વરાળ સાથે ભળીને હવામાં ફેલાય છે, જેનાથી ઘરમાં તાજગીનો અહેસાસ થાય છે. આ સુગંધ રસોઈની તીવ્ર ગંધ કે લાંબા સમયથી બંધ રહેલા રૂમની ભેજવાળી દુર્ગંધને દબાવી દેવામાં ચોક્કસ અસરકારક છે, પરંતુ તે હવામાં રહેલા પ્રદૂષણને આઈસોલેટ કે ખતમ કરી શકતી નથી.

શું આ ઉપાયથી મચ્છર અને કીડા-મકોડા ભાગી જાય છે?

ઇન્ટરનેટ પર એવો દાવો પણ કરવામાં આવે છે કે આ મિશ્રણ ઘરમાંથી મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે. રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે લીંબુની છાલ અને કેટલીક વનસ્પતિઓના એસેન્શિયલ ઓઇલ (કુદરતી તેલ)માં મચ્છરોને દૂર રાખવાના ગુણો હોય છે.

પરંતુ, ઘરમાં સામાન્ય રીતે પાણીમાં છાલ ઉકાળવાથી નીકળતી તેલની માત્રા એટલી ઓછી હોય છે કે તે મચ્છરોને અસરકારક રીતે ભગાડવા માટે પૂરતી નથી. તેથી, જો તમે મચ્છરોથી બચવા માટે કોઈ વૈજ્ઞાનિક કે ચોક્કસ સોલ્યુશન શોધી રહ્યા હોવ, તો આ નુસ્ખો તેનો કાયમી ઇલાજ નથી.

આ હેકનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ

આ ઉપાય એકદમ બજેટ ફ્રેન્ડલી (સસ્તો) છે અને કિચનના વેસ્ટ એટલે કે નકામા કચરાનો સદુપયોગ કરવાનો એક શાનદાર રસ્તો છે. પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી પણ એટલી જ જરૂરી છે:

ગેસ પર નજર રાખો: ગેસ પર ઉકળવા મૂકેલા વાસણને ક્યારેય એમ જ છોડીને ક્યાંય ન જવું, કારણ કે જો પાણી સુકાઈ જાય તો વાસણ બળી જવાનો અને આગ લાગવાનો ખતરો રહે છે.

એલર્જીનું ધ્યાન રાખો: જો ઘરમાં કોઈ વ્યક્તિને તીવ્ર સુગંધથી તકલીફ કે એલર્જી હોય, તો આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે.

વેન્ટિલેશન: ઘરની બારી-બારણાં ખુલ્લા રાખી યોગ્ય વૅન્ટિલેશન રાખવું પણ એટલું જ જરૂરી છે.

ટૂંકમાં કહીએ તો, આ નુસ્ખો તમારા ઘરને નેચરલ સુગંધ આપવા માટેનો એક સરસ વિકલ્પ છે, પરંતુ તે કોઈ એર પ્યુરીફાઇંગ સોલ્યુશન એટલે કે હવા શુદ્ધ કરવાનું સાધન નથી.