Lifestyle & Fashion

જાણો ગર્ભાવસ્થામાં કયા ડ્રિંક પીવા અને કોનાથી રહેવું દૂર

By GS Team
20 Nov 20193 mins read
This article was originally published on 20 Nov 2019
જાણો ગર્ભાવસ્થામાં કયા ડ્રિંક પીવા અને કોનાથી રહેવું દૂર

નવી દિલ્હી, 21 નવેમ્બર 2019, ગુરુવાર

ગર્ભધારણ બાદ જીવનશૈલીમાં ઘણા ફેરફાર થઈ જાય છે. ઘરમાં આવનાર મહેમાન સ્વસ્થ હોય તે માટે માતાએ શરૂઆતથી જ તેની જીવનશૈલી અને ખાસ કરીને આહારમાં ફેરફાર કરવા જરૂરી છે. દરેક ફેરફાર સાવધાની પૂર્વક હોય તે પણ એટલું જ જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન શું સાવધાની રાખવી જોઈએ તેની જો વાત કરવામાં આવે તો તેમાં સૌથી પહેલા આવે છે ડ્રિંકની. જી હાં નવ મહિના દરમિયાન કયા પ્રકારના પ્રવાહી લેવા અને કયા પ્રકારના પીણાથી દૂર રહેવું તે જાણવું અત્યંત જરૂરી છે. 

નવ મહિના દરમિયાન માતા જે કંઈ ખાય છે તેની અસર સૌથી પહેલા બાળકને થાય છે. આ સમય દરમિયાન ડોક્ટર વધારે પાણી અને પ્રવાહી લેવાનું પણ કહે છે. પરંતુ આ સલાહનું પાલન કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કયા ડ્રિંક્સ પીવા જોઈએ અને કયા ડ્રિંક્સને અલવિદા કહી દેવું જોઈએ.  ગર્ભાવસ્થા દરમિયાન બાળકના સ્વાસ્થ્ય માટે ત્રણ ડ્રિંક્સ સૌથી વધારે પોષ્ટિક છે. કયા કયા છે આ ડ્રિંક્સ જાણી લો. 

સિટ્રસ ડ્રિંક્સ

સિટ્રસ ડ્રિંક્સ એટલે કે ખાટા પેય પદાર્થો જેવા કે લીંબૂ પાણી અને ઓરેન્જ જ્યૂસ ગર્ભવતી મહિલાએ પોતાની ડાયટમાં જરૂરથી એડ કરવા. ઓરેન્જ જ્યૂસ બીપી ઘટાડે છે જ્યારે તે હાડકા પણ મજબૂત કરે છે. આ પીણા પ્રીનેટલ વિટામિનની જેમ કામ કરે છે. જેનાથી ગર્ભસ્થ બાળકનો સારો વિકાસ થાય છે. આ ઉપરાંત લીંબૂ પાણી પણ પહેલા ત્રણ માસ દરમિયાન પીવું જોઈએ. 

દૂધ સ્વાસ્થ્ય માટે સારું

દૂધ બાળકો માટે જ સારું છે તેમ નથી. ગર્ભવતી મહિલાઓ માટે પણ તે લાભકારી છે. ગર્ભવતી મહિલાઓ માટે તે સૌથી ઉત્તમ આહાર છે. તેના કારણે ગર્ભસ્થ બાળકને જરૂરી ન્યૂટ્રિયંસ, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. ગર્ભસ્થ બાળકના વિકાસ માટે રોજ 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ. આ ઉપરાંત સોયામિલ્ક, બદામ મિલ્ક પણ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. 

ઈલેક્ટ્રોલાઈટ ઈંફ્યુઝ્ડ ડ્રિંક્સ

જાણીને આશ્ચર્ય થશે પરંતુ કેટલાક સ્પોર્ટસ ડ્રિંક્સ ગર્ભાવસ્થા દરમિયાન લાભકારી હોય છે. ખાસ કરીને બીજી ત્રિમારી દરમિયાન અચાનક થતા દુખાવા દરમિયાન. આ ડ્રિંક્સથી ફ્લૂઈડ બેલેન્સ જળવાઈ રહે છે અને બાળક સુધી જરૂરી ન્યૂટ્રિયંસ પણ પહોંચે છે. 

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

આ તો વાત થઈ ગર્ભાવસ્થામાં શું પીવું અને શું નહીં તેની. હવે તે પણ જાણી લઈએ કે ગર્ભાવસ્થા દરમિયાન કઈ કઈ ડ્રિંક્સ પીવાનું ટાળવું જરૂરી છે. 

સોડા

ગર્ભધારણ દરમિયાન પહેલા 2 માસ સુધી કૈફિનથી દૂર રહેવું જોઈએ. જો કે આ દિવસો દરમિયાન કૈફિન સાથે સોડા ફિઝવાળી કોલ્ડ ડ્રિંક્સ પણ પીવી નહીં. એક રિપોર્ટ અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન સોડાનું સેવન કરવાથી બાળકોમાં ઓબેસિટીની સમસ્યા વધી જાય છે. 

ડિટોક્સ ડ્રિંક્સને કહો અલવિદા

વર્તમાન સમયમાં વિવિધ પ્રકારના ડિટોક્સ ડ્રિંક્સની ખૂબ ચર્ચા થાય છે. પરંતુ ગર્ભધારણ દરમિયાન આવા પીણા પણ પીવા નહીં. આ દિવસો દરમિયાન માત્ર ફ્રેશ જ્યૂસ જ પીવાનો આગ્રહ રાખવો. અનપોઈશ્ચરાઈઝ્ડ ડ્રિંક્સ કે જ્યૂસ પીવાથી પણ બચવું જોઈએ. 

નળનું પાણી

ગર્ભાવસ્થા દરમિયાન પાણી પીવું ખૂબ જરૂરી છે પરંતુ આ પાણી નળનું નહીં સ્વચ્છ હોય તે ચોક્કસથી ધ્યાનમાં રાખવું. નળના પાણીમાં લેડ જેવા ખતરનાક કેમિકલ હોય શકે છે.