Kutch

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ, કચ્છમાં હજુ 50% જેટલી ઘટ

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લા 4 દિવસમાં સિઝનનો 10% વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 30.20 ઇંચ સાથે 85% સરેરાશ વરસાદ નોંધાયો છે, જોકે 15% ઘટ છે. મંગળવારે 100 તાલુકાઓમાં મેઘમહેર થઈ, જેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ પડ્યો. 19 સપ્ટેમ્બર આસપાસ ચોમાસું વિદાય લેશે, અને ત્યારબાદ ભાદરવી તડકો શરૂ થશે. ઓક્ટોબરમાં વાવાઝોડાની શક્યતા છે, જે નવરાત્રિ આસપાસ ફરી વરસાદ લાવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ, કચ્છમાં હજુ 50% જેટલી ઘટ
IMAGE - IANS

Gujarat Monsoons 2026: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે જ રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 30.20 ઇંચ સાથે સરેરાશ 85 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, હજુ રાજ્યમાં 15 ટકા જેટલી ઘટ છે અને 16 તાલુકા એવા છે જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

મંગળવારે 100 તાલુકામાં મેઘમહેર: કચ્છના માંડવીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ

મંગળવારે રાજ્યના 100 જેટલા તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં કચ્છના માંડવીમાં બે કલાકમાં પાંચ ઇંચ સહિત સરેરાશ 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ માંડવીમાં સિઝનનો સરેરાશ વરસાદ 20 ટકા થયો છે. અન્યત્ર કચ્છના જ અબડાસામાં 2.15, મુન્દ્રામાં 1.60 જ્યારે નખત્રાણા અને ભુજમાં 1.50 ઇંચ વરસાદ વરસ્યો હતો. કચ્છમાં હજુ સુધી સિઝનનો સરેરાશ 48.62 ટકા વરસાદ નોંધાયો છે અને આ પૈકી 19 ટકા જેટલો વરસાદ તો છેલ્લા ચાર દિવસમાં જ નોંધાયો છે.

1.jpeg

19 સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિદાયની શક્યતા

દરમિયાન જાણકારોના મતે ગુજરાતમાં 19 સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિદાય શરૂ થશે. નૈઋત્યનું ચોમાસુ કેરળથી પ્રવેશે છે અને કચ્છ-રાજસ્થાનથી વિદાય લેતું હોય છે. હાલ કચ્છ ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય છે, ત્યારે રાજસ્થાનના પશ્ચિમ ભાગથી ચોમાસાની વિદાય ચાર દિવસ બાદ શરૂ થશે.

2.jpeg

વરસાદી ગતિવિધિ ઘટશે, ભાદરવી તડકો શરૂ થશે અને ઓક્ટોબરમાં વાવાઝોડાની સંભાવના

આવતીકાલથી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ઘટશે અને તે સાથે જ અલ નીનોની અસર તળે ભાદરવી તડકો શરૂ થશે. અલબત્ત, અરબી સમુદ્રમાં ઓક્ટોબરમાં વાવાઝોડાની ભારે વરસાદ લાવતી સિસ્ટમ રચાતી હોય છે, જે આ વખતે પણ શક્ય છે. જો તેમ થાય તો નવરાત્રિ આસપાસ ફરી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.