Kutch

ભુજ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કચ્છના ચકચારી લવ જેહાદ અને દુષ્કર્મ કેસના આરોપીને આજીવન સખત કેદની સજા

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
કચ્છમાં લવ જેહાદ અને પોક્સો કેસમાં ભુજ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. મહારાષ્ટ્રના જીયાદ ઉર્ફે સમીર શેખને અંતિમ શ્વાસ સુધી સખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપીએ સગીરાને 'ફ્રી ફાયર' ગેમ દ્વારા ફસાવી, દુષ્કર્મ આચર્યું અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું. કોર્ટે 45 દસ્તાવેજી પુરાવા અને 16 સાક્ષીઓના આધારે આ નિર્ણય આપ્યો, જેમાં આરોપીને 1 લાખનો દંડ પણ કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ભુજ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કચ્છના ચકચારી લવ જેહાદ અને દુષ્કર્મ કેસના આરોપીને આજીવન સખત કેદની સજા

Bhuj POCSO Court On Love Jihad Case: કચ્છમાં લવ જેહાદ અને પોક્સો ગુનાના આરોપીને ભુજ કોર્ટે અંતિમ શ્વાસ સુધી સખત આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2024ના ગુનામાં પોલીસે 45 દસ્તાવેજ પુરાવા અને 16 સાક્ષીઓ સાથે પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સમગ્ર મામલે કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજા અને અન્ય બે સહઆરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ ફરિયાદ મુજબ, મહારાષ્ટ્રમાં ઘણા સમયથી રહેતા પરિવારની અને મૂળ માંડવીની સગીરા 'ફ્રી ફાયર' ગેમ્સના માધ્યમથી જીગર નામની નકલી આઈડી ધરાવતા મહારાષ્ટ્રના જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખ(ઉં.વ.22)ના સંપર્કમાં આવી હતી. જેમાં જીયાદે પોતાની ઓળખ છૂપાવીને સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સગીરાના આપત્તિજનક ફોટોગ્રાફ વાઈરલ કરવાની ધમકી આપીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો. અંતે કંટાળીને પીડિતાનો પરિવાર મહારાષ્ટ્રથી કચ્છ પરત ફર્યો હતો.

આ પછી છેલ્લા બે વર્ષથી કચ્છમાં રહેતા પરિવાર પીડિતાની એક યુવક સાથે સગાઈ નક્કી કરી હતી. જો કે, આ દરમિયાન આરોપી જીયાદે પીડિતાના ફોટોગ્રાફ્સ વાઈરલ કરતાં તેની સગાઈ તૂટી ગઈ હતી. આ ઉપરાંત, માંડવીના ગોધરાના સહઆરોપી કાસમ ઓસમાણ હિંગોરજા અને અલ્તાફ જુમા લાખાની મદદથી આરોપી પીડિતાના ઘર અને પરિવારની રેકી કરતો હતો. અંતે પીડિતાએ 16 ઓક્ટોબર 2024ના રોજ ભુજમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમમાં જીયાદ શેખ, કાસમ હિંગોરજા અને અલ્તાફ લાખા સામે ફરિયાદ નોંધાવી હતી.

લવ જેહાદ અને પોક્સો ગુનાના આરોપીને આજીનવ કેદની સજા

સમગ્ર મામલે પોલીસે ધર્મ પરિવર્તન અધિનિયમ, પોક્સો એક્ટ, એટ્રોસિટી એક્ટ, આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને મહારાષ્ટ્ર પોલીસની ટીમની મદદથી મુખ્ય આરોપી જીયાદની ધરપકડ કરી હતી. જેમાં એસસી-એસટી સેલના ડીવાયએસપીએ આરોપી વિરુદ્ધ 45 દસ્તાવેજ પુરાવા અને 16 સાક્ષીઓ સાથે ભુજની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સમગ્ર મામલે કોર્ટે આરોપીને આજીવન સખત કેદની સજાની સાથે 1 લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ પીડિતાને રૂ.4 લાખનું વળતર ચૂકવવા ડીએલએસએને ભલામણ કરી છે. જ્યારે કેસના અન્ય બે સહઆરોપીને કોર્ટે નિર્દોષ ઠેરવ્યા છે.