Krushi Vishwa

અતિવૃષ્ટિ વચ્ચે પણ પ્રાકૃતિક ખેતીએ પાક બચાવ્યો

By GS Team
29 Dec 20253 mins read
TukuTouch Logo
ખર્ચ વધારીને ઉત્પાદન મેળવવું એ સાચી ખેતી નથી. કુદરત, જમીન અને આપણા સ્વાસ્થ્યનું પણ જે રક્ષણ કરે તે જ સાચી ખેતી છે

Summarized by AI; it may make mistakes. Check important info

અતિવૃષ્ટિ વચ્ચે પણ પ્રાકૃતિક ખેતીએ પાક બચાવ્યો

Agriculture News : મહેસાણા જિલ્લાના જોટાણા ગામના  ભૂરાજી ચૌહાણ વર્ષોથી રાસાયણિક ખેતી કરતા ખેડૂત છે. પાકમાં રોગ અને જીવાતોનો ઉપદ્રવ વઘ્યો કે તરત જ બજારમાંથી લાવેલી દવાઓનો છંટકાવ, ખાતરનો વધુ ખર્ચ અને પાક વેચ્યા પછી પણ આવક ઓછી. આ પરિસ્થિતિએ તેમના મનમાં પ્રશ્નો ઊભાં કર્યાં કે આ પ્રકારની ખેતીનો વિકલ્પ વિચારવો જ રહ્યો. તેમને થયું કે જો ખેતીને ટકાવવી હોય તો પ્રાકૃતિક ખેતી અવશ્ય ઉપયોગી બને. એટલે પ્રાથમિક માર્ગદર્શન લેવા માટે તેઓ વર્ષ 2023માં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શિબિરમાં જોડાયા અને ત્યાંથી તેમના વિચારોમાં મોટો ફેરફાર આવ્યો. 

તેમને સમજાયું કે કુદરતની નજીક ખેતી કરીએ તો જમીન, પાક અને સ્વાસ્થ્ય ત્રણેયનું જતન શક્ય છે. પ્રેરણા મળી તો ભૂરાજીએ પોતાની પાંચ વીઘા જમીનમાંથી એક વીઘામાં પ્રથમ વખત પ્રાકૃતિક પદ્ધતિથી બાજરીનું વાવેતર કર્યું. પોતાની ગાય ન હોવાથી દરરોજ ગૌશાળામાંથી ગૌમૂત્ર અને ગોબર લાવતા અને તેમાંથી જીવામૃત સહિતની દવાઓ બનાવી ખેતરમાં ઉપયોગ કરતા. મહેનત વધારે હતી, પણ મનમાં આશાનો દીવો પ્રજ્વલિત હતો.

પ્રાકૃતિક ખેતી  : ઉત્પાદન ઓછું પણ ગુણવત્તા વધુ

પ્રાકૃતિક ખેતીના પ્રથમ વર્ષે ભુરાજીને બાજરીનું ઉત્પાદન 20 થી 30 મણ જેટલું મળ્યું. રાસાયણિક ખેતીની તુલનામાં આ થોડું ઓછું હતું, પરંતુ તેમના માટે ગુણવત્તા વધારે મહત્ત્વની હતી. તેમણે ઉત્પાદન ઘર પૂરતા ઉપયોગ માટે જ રાખ્યું અને તેમણે અનુભવ્યું કે સ્વાદ તથા આરોગ્યની દ્રષ્ટિએ આ બાજરી બહુ સારી હતી. તેમણે નક્કી કર્યું કે આગામી વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનું ક્ષેત્રફળ વધારવું. ભુરાજી પ્રાકૃતિક ખેતીના કારણે પોતાને થયેલા લાભની વિગત આપતા જણાવે છે કે, ઓક્ટોબર મહિનાના અંતમાં આવેલ અતિવૃષ્ટિએ મહેસાણા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું. રાસાયણિક પાકવાળા ખેતરમાં પાણી ભરાયું અને દિવસો સુધી ઉતર્યું જ નહીં, આખો પાક બગડી ગયો.

પરંતુ પ્રાકૃતિક પદ્ધતિથી કરેલા અઢી વીઘાના મારા ખેતરમાં પરિસ્થિતિ જુદી હતી. ત્યાં મેં મઠ અને તુવેરનું મિશ્રપાક પદ્ધતિથી વાવેતર કર્યું હતું. પાણી તો અહીં પણ ભરાયું, પરંતુ જમીન છિદ્રાળુ હોવાના કારણે માત્ર 12 કલાકમાં પાણી ઉતરી ગયું. મઠના પાકમાં નુકસાન થયું, પણ તુવેરનું મોટાભાગે રક્ષણ થયું. જેથી ઓછામાં ઓછો જેટલો ખેતી ખર્ચ થયો હતો તે પાછો મળી જશે. 

આ ઘટના ભૂરાજીના પ્રાકૃતિક ખેતી પરના વિશ્વાસને વધુ મજબૂત બનાવી ગઈ. તેમણે અનુભવ કર્યો કે પ્રાકૃતિક ખેતી કુદરતની સાથે ચાલે છે અને કુદરત પણ કપરા સમયે તેમને સાથ આપે છે.

રાસાયણિક ઝેર કાઢવું જરૂરી

ભૂરાજી કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતના બે-ત્રણ વર્ષ થોડું ઓછું ઉત્પાદન મળે છે, કારણ કે જમીનમાં વર્ષોથી ભરાયેલું રાસાયણિક ઝેર બહાર નીકળવા માટે સમય લે છે. પરંતુ ત્યાર પછી જમીનની શક્તિ ધીમે ધીમે વધે છે. તેઓ જણાવે છે કે જમીન વધુ ભરભરી બને છે તેમ જ રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ખર્ચ પણ ઓછો થાય છે, કારણ કે ગાયનું છાણ અને ગૌમૂત્ર જેવી વસ્તુઓ ઉપલબ્ધ રહે છે. પાકની ગુણવત્તામાં વધારો થશે તો બજારમાં ભાવ પણ વધુ મળશે.

જમીન તાકાત અને સ્વાસ્થ્ય ગુમાવી દેશે તો કુદરતી આપત્તિઓનો સામનો નહીં કરી શકે

પ્રાકૃતિક કૃષિના કારણે અતિવૃષ્ટિ જેવા સંજોગોમાં પણ પાકને વઘતા ઓછા અંશે પણ નુકસાનીથી બચાવી શકાય છે તે અનુભવ પછી હવે ભુરાજીનો વિશ્વાસ દ્રઢ બન્યો છે. તેઓ ગામના ખેડૂતોને કહે છે કે ‘ખર્ચ વધારીને ઉત્પાદન મેળવવું એ સાચી ખેતી નથી. કુદરત, જમીન અને આપણા સ્વાસ્થ્યનું પણ જે રક્ષણ કરે તે જ સાચી ખેતી છે.’ કંઈક આવા વિચાર સાથે હવે તેમણે નક્કી કર્યું છે કે ધીમે ધીમે તમામ પાંચ વીઘામાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવી. 

ભૂરાજીનો અનુભવ આપણને એ સંદેશ આપે છે કે ખેડૂત જો કુદરતની સાથે ચાલે તો કુદરત પણ તેનો સાથ  કપરા સમયમાં છોડતી નથી. પાક બચાવવા માટે દવાઓનો વધુ પડતો ઉપયોગ કરતા કરતા જો આપણે જમીનની તાકાત અને પોતાનું સ્વાસ્થ્ય ગુમાવી દઈએ તો તે ખેતી નથી, પરંતુ નુકસાનીનો ઘંઘો છે. ભૂરાજી જેવા ખેડૂતના અનુભવોથી ચોક્કસ કહી શકાય કે પ્રાકૃતિક ખેતી માત્ર પદ્ધતિ નહીં, પરંતુ એક પ્રકારની વૈચારિક ક્રાંતિ પણ છે.