ઇસબગુલની ખેતીના મધ્યવર્તી તબક્કામાં સાવઘાની જરૂરી, ઉત્પાદન અને ગુણવત્તા પણ જળવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : ઇસબગુલ જેને ઘોડાજીરૂ તરીકે પણ ઓળખવામાં આવે છે તે આપણા દેશમાં ઔષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર અને નિકાસલક્ષી મહત્ત્વ ધરાવતો પાક છે. તે સૌથી વધુ વિદેશી હૂંડિયામણ કમાવી આપતો ઔષધીય પાક છે. આ વનસ્પતિઓમાં બાયએક્ટિવ સંયોજકો હોય છે, જે સારવાર માટે ફાયદાકારક છે. ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં તેનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે.
ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લામાં ઇસબગુલનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ઇસબગુલના બીજમાં સૌથી મહત્ત્વનો ભાગ તેના પર આવેલ ભૂંસી છે, જે બીજનો 30% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત તેમાં 5% જેટલું આછા પીળા રંગનું તેલ, 6.8% ભસ્મ તથા 8.3% ભેજ હોય છે.
પાકની શરૂઆતની અવસ્થામાં જમીન તૈયાર કરવી, બીજ ઉપચાર, બીજ દર, યોગ્ય જાતની પસંદગી અને યોગ્ય સમયે વાવણી કરવી જરૂરી છે. પાકની મધ્યવર્તી અવસ્થામાં જો ખાતર, પિયત અને નીંદણનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો ઉત્પાદન અને ગુણવત્તામાં સારી એવી વૃદ્ધિ કરી શકાય છે.
ખાતર વ્યવસ્થાપન
ઇસબગુલ એક ઔષધીય પાક હોવાથી તેને વધુ રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી. છતાં પણ સંતુલિત પોષણ આપવું જરૂરી છે. જમીન તૈયાર કરતી વખતે એકરદીઠ 3-4 ટન સારી રીતે કોહ્વાયેલું છાણીયું ખાતર જમીનમાં ભેળવવું. આમ કરવાથી જમીનની ભેજ સંગ્રહશક્તિ તથા સૂક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો થાય છે.
રાસાયણિક ખાતરમાં એકરદીઠ આશરે 20 કિ.ગ્રા નાઈટ્રોજન અને 15 કિ.ગ્રા ફોસ્ફરસ આપવું જોઈએ. નાઇટ્રોજન ખાતરને બે તબક્કામાં આપવું, વાવેતર સમયે અડધી માત્રા અને બાકીની માત્રા પાક 30-35 દિવસની અવસ્થાએ પહોંચે ત્યારે આપવી, જ્યારે ફોસ્ફરસનો તમામ ડોઝ વાવેતર સમયે આપી દેવો. સામાન્ય રીતે ઇસબગુલ પાકને પોટાશ ખાતરની જરૂર નથી પડતી, પરંતુ જમીન ચકાસણી રીપોર્ટ અનુસાર ખામી જણાય તો યોગ્ય માત્રામાં આપવું જોઈએ.
ઇસબગુલની ખેતી કરતા ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી અપનાવે તો તેના ઉત્પાદન અને ગુણવત્તામાં નોંધપાત્ર ફાયદો થતો હોવાનું વૈજ્ઞાનિક સંશોધનોમાં જણાયું છે. કૃષિ યુનિવર્સિટીનાં સંશોધનોમાં સ્પષ્ટ નિર્દેશ કરાયો છે કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ચોમાસામાં લીલો પડવાશ કરી શિયાળા દરમિયાન ઇસબગુલનું વાવેતર કરે તો ઇસબગુલના બીજનું 27% જેટલું વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
પિયત વ્યવસ્થાપન
ઇસબગુલ પાકને મધ્યમ ભેજ ગમે છે. જો ક્યારામાં પાણીનો ભરાવો થાય તો મૂળનો કોહ્વારો અથવા મૂળ સડી જાય છે અને પાક ઉત્પાદન પર તેની માઠી અસર જોવા મળે છે. વાવેતર પછી પ્રથમ પિયત હળવું આપવું, નહીંતર બીજ ક્યારાની એક બાજુ ખેંચાઈ જાય છે અને બીજની વહેંચણી તથા તેનું અંકુરણ એક સરખું થતું નથી. પ્રથમ પિયત આપ્યા બાદ 6 થી 7 દિવસે બીજનું અંકુરણ થઇ જશે.
પ્રથમ પિયત આપ્યા બાદ 10 થી 12 દિવસના અંતરે સિંચાઈ આપવી યોગ્ય રહે છે. પાકની ફૂલ આવવાની અવસ્થામાં પાણીની અછત ન પડે તે ખાસ ધ્યાન રાખવું કારણ કે, જો આ અવસ્થા દરમિયાન ભેજ ઘટે તો દાણા પૂરાં નહીં ભરાય અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. ઇસબગુલના પાકને કુલ 4 થી 5 પિયતની જ જરૂરિયાત હોય છે. જે વિસ્તારમાં પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં ઇસબગુલની ખેતી કરતા ખેડૂતોએ ટપક સિંચાઈ પદ્ધતિ ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ. આ સિસ્ટમથી પાણી સીધું મૂળ સુધી પહોંચે છે, પાણીનો બગાડ અટકે છે અને પાકને એકસરખો ભેજ મળે છે.
નીંદણ નિયંત્રણ
ઇસબગુલના પાકમાં શરૂઆતના 30 થી 40 દિવસ બહુ જ મહત્ત્વના હોય છે, કારણ કે આ સમયમાં પાકની વૃદ્ધિ ખૂબ ધીમી હોય છે, જ્યારે નીંદણ ઝડપથી વૃદ્ધિ કરીને પાકને જરૂરી પોષણ, ભેજ અને સૂર્યપ્રકાશ પોતાના તરફ આકર્ષી પાક પર આડઅસર ઊભી કરે છે. એટલે આ સમયગાળા દરમિયાન જો યોગ્ય નિયંત્રણ ન કરવામાં આવે તો ઉપજમાં 25 થી 30 ટકા સુધી ઘટાડો થઈ શકે છે.
પાકના વાવેતર બાદ 20 થી 25 દિવસે પ્રથમ નીંદણ અને ત્યાર બાદ પાક 40 દિવસની અવસ્થાએ પહોંચે ત્યારે બીજું નીંદણ કરવાથી પાક-નીંદણ પ્રત્યેની સ્પર્ધા નહીં થાય અને ઉત્પાદન જળવાઈ રહે છે.
ઇસબગુલ એક નિકાસલક્ષી પાક છે. પરંતુ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા મધ્યવર્તી અવસ્થામાં ખાતર, પિયત અને નીંદણનું યોગ્ય વ્યવસ્થાપન કરવું ખૂબ જ અગત્યનું છે.
સંતુલિત ખાતર આપવાથી પાકને પૂરતું પોષણ મળે છે, સમયસર પિયતથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને યોગ્ય સમયે નીંદણ નિયંત્રણ કરવાથી પાક અને નીંદણ વચ્ચે સ્પર્ધા નહીં થવાથી પાકને જરૂરી પોષણ, સૂર્યપ્રકાશ અને જગ્યા મળી રહે છે. ખેડૂતો પાકની મધ્યવર્તી અવસ્થામાં આ ત્રણ બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે તો, ઉત્પાદન સારું અને ગુણવત્તાયુક્ત મળશે, સાથે બજારભાવ પણ સારો મેળવી શકાશે અને નિકાસની તક પણ સારી મળી શકે છે.




