જીરાની ખેતીમાં ખાતર, સિંચાઈ અને નીંદણ વ્યવસ્થાપન પાકની ઉપજ અને ગુણવત્તા વઘારશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : જીરાના પાકને પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે છે, પરંતુ ભેજનું અસમાન સંતુલન ઉત્પાદન ઘટાડે છે. જો સમયસર પિયત ન મળે તો પાકના વિકાસ અને ફૂલ આવવાની પરિસ્થિતિ પર આડઅસર કરે છે
જીરૂ ગુજરાતના મહત્ત્વના મસાલા પાકોમાંથી એક છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જીરાનું વાવેતર મોટા પાયે થાય છે.
જીરાની ખેતીમાં પ્રથમ તબક્કે જમીનની તૈયારી, બીજની પસંદગી અને વાવણીનું મહત્ત્વ હોય છે, પરંતુ વાવણી પછીના બીજા તબક્કામાં પાકની સારી સંભાળ રાખવી એટલી જ જરૂરી છે. જીરાનો છોડ નાનો હોવા છતાં તેને સારા પોષક તત્ત્વોની જરૂરિયાત રહે છે. જમીન વિશ્લેષણના આધારે ખાતર આપવું સર્વોત્તમ છે.
આ તબક્કામાં ખાતર વ્યવસ્થાપન, સિંચાઈ અને નીંદણ નિયંત્રણ પર ધ્યાન આપવાથી ઉપજમાં વધારો થાય છે અને પાકની ગુણવત્તા પણ જળવાઈ રહે છે.
ખાતર વ્યવસ્થાપન
જીરૂનો છોડ નાનો અને સંવેદનશીલ છે. તેને જરૂરી પોષક તત્ત્વો મળવા જોઈએ, નહીં તો પાકનો વિકાસ અટકી જાય છે. જમીન ચકાસણી રિપોર્ટના આધારે ખાતર આપવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સામાન્ય ભલામણ મુજબ પ્રતિ હેકટર આશરે 20 કિ.ગ્રા. નાઇટ્રોજન, 10 કિ.ગ્રા. ફોસ્ફરસ અને 10 કિ.ગ્રા. પોટાશ આપવું જોઈએ.
• વાવણી પહેલાં : અડધું નાઇટ્રોજન અને આખું ફોસ્ફરસ-પોટાશ જમીનમાં મિક્સ કરી દેવું.
• પાક 30-35 દિવસનો થાય ત્યારે : બાકીનું નાઇટ્રોજન ટોપ ડ્રેસિંગ રૂપે આપવું.
પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો માટે સારું કોહ્વાયેલું છાણીયું ખાતર, વર્મીકમ્પોસ્ટ અથવા જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ ઉત્તમ વિકલ્પ છે. આમ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. સૂક્ષ્મ જીવો સક્રિય રહે છે અને જીરૂના છોડમાં રોગ પ્રતિરોધક શક્તિ વધી જાય છે.
સિંચાઈ વ્યવસ્થાપન : પાણી ઓછું પણ સમયસર આપવું જરૂરી
જીરૂના પાકને પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે છે, પરંતુ ભેજનું અસમાન સંતુલન ઉત્પાદન ઘટાડે છે. જો સમયસર પિયત ન મળે તો પાકના વિકાસ અને ફૂલ આવવાની પરિસ્થિતિ પર આડઅસર કરે છે.
• પહેલું પિયતઃ વાવણી પછી 25-30 દિવસમાં આપવું.
• આગળના પિયતઃ પાકના વિકાસ, ફૂલ આવવાની સ્થિતિ અને દાણા ભરવાના સમય પ્રમાણે 12-15 દિવસના અંતરે આપતા રહેવું.
ખાસ યાદ રાખવાનું છે કે, ફૂલ અને દાણા ભરવાના તબક્કે પાણીની અછત ન રહેવી જોઈએ, નહીંતર પાકની ઉપજમાં ભારે ઘટાડો નોંધાય છે. જ્યાં પાણીની અછત હોય ત્યાં ડ્રીપ સિંચાઈ પદ્ધતિ સર્વોત્તમ છે. તેનાથી પાણીની 30-40 ટકા બચત થશે, સાથે-સાથે ભેજનું સંતુલન જળવાઈ રહેશે અને પાકને ચોક્કસ પ્રમાણમાં જોઈતો ભેજ મળી રહેશે.
જીરૂનો છોડ ઉંચાઈની દ્રષ્ટિએ નાનો હોય છે, એટલે શરૂઆતના તબક્કામાં નીંદણનું દબાણ સહન કરી શકતો નથી. જો સમયસર નીંદણ દૂર ન કરીએ તો પાક અને નીંદણ વચ્ચે સ્પર્ધા થશે અને પાક નબળો પડી જાય છે.
• પ્રથમ નીંદણ : વાવણી પછી 20-25 દિવસમાં કરવું.
• બીજું નીંદણ : પાક 40-45 દિવસનો થાય ત્યારે કરવું.
ખેતીમાં મજૂરોની અછત અને મોંઘીઘાટ મજૂરીના કારણોસર રાસાયણિક નીંદણનાશકનો ઉપયોગ કરે છે. પેન્ડીમેથીલિન અને ગોલ વાવણી પછી તરત જ છાંટવાથી નીંદણનો ઉગાવો ઓછો થાય છે, પરંતુ વૈજ્ઞાનિકોના અભ્યાસ અનુસાર પાકના ઉગવા પર નીંદણનાશકનો પ્રભાવ પડવાથી પાકનું સમયસર અંકુરણ થતું નથી. જીરૂ પર થયેલ એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે, જો શરૂઆતના 30 દિવસ પાકમાં નીંદણ ના થવા દેવામાં આવે તો, પાકનાં ઉત્પાદન પર માઠી અસર જોવા મળતી નથી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દાતરડીથી નીંદણ અથવા આચ્છાદન કરી શકે છે. આચ્છાદનથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે, નીંદણ ઓછું થાય છે અને જમીનનું તાપમાન પણ સંતુલિત રહે છે.
• ખાતર આપતી વખતે જમીન પરીક્ષણ રિપોર્ટનો આધાર લેવો ખૂબ જરૂરી છે.
• સિંચાઈ વખતે શેઢા પર પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
• નીંદણ નિયંત્રણ માટે શક્ય હોય ત્યાં દાતરડીથી નીંદણ દૂર કરવું, જેથી રાસાયણિક દવાનો ખર્ચ ઓછો થાય.
• પ્રાકૃતિક વિકલ્પોનો ઉપયોગ કરવાથી લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તા જાળવી શકાય છે.
જીરૂની ખેતીમાં પ્રારંભિક તબક્કા પછી સૌથી અગત્યનું છે, પાકની યોગ્ય સંભાળ રાખવી. ખાતરનો સંતુલિત ઉપયોગ, નિયંત્રિત અને જરૂર મુજબની સિંચાઈ તથા યોગ્ય નીંદણ વ્યવસ્થાપન નિયમિત રીતે કરવામાં આવે તો, પાક મજબૂત બને છે, રોગ-જીવાતનો ઉપદ્રવ નહીંવત્ જોવા મળશે. તેમ જ ઉત્પાદન તથા ગુણવત્તા બંનેમાં વધારો થાય છે. આ ત્રણ બાબતો જીરાની સારી ઉપજ માટે ચાવીરૂપ છે.




