Kheda

અમેરિકામાં ગુજરાતી પરિવારનો કરુણ અંત, ઓહાયોની મોટેલમાં આગ લાગતાં પતિ-પત્ની અને દીકરીનું મોત!

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના ઓહાયોના વુસ્ટર ખાતે આવેલી મોટેલમાં મધ્યરાત્રિએ ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મૂળ નડિયાદના વતની હિતેશ સુથાર, તેમના પત્ની હીના અને 20 વર્ષની દીકરી ઈશાનીનું કરુણ મોત નીપજ્યું છે. સુથાર પરિવાર છેલ્લા 2 વર્ષથી યુએસએમાં સ્થાયી થયો હતો અને મોટેલમાં જ કામ કરતો હતો. આ ઘટનાથી નડિયાદમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં ગુજરાતી પરિવારનો કરુણ અંત, ઓહાયોની મોટેલમાં આગ લાગતાં પતિ-પત્ની અને દીકરીનું મોત!

Nadiad Family Dead In Fire Incident At USA: અમેરિકામાં ઓહાયોની મોટેલમાં આગ લાગતાં ગુજરાતી પરિવારનો કરુણ અંત આવ્યો છે. ઓહાયોના વુસ્ટર ખાતે આવેલી એક મોટેલમાં મધ્યરાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં સોસાયટીમાં રહેતા અને ત્યાં જ નોકરી કરતા મૂળ ખેડા જિલ્લાના નડિયાદના વતની સુથાર પરિવારના ત્રણ સભ્યો જીવતા ભૂંજાયા છે. નડિયાદનો પરિવાર છેલ્લા બે વર્ષથી યુએસએના ઓહાયો સ્ટેટમાં સ્થાયી થયો હતો. આગના બનાવમાં પતિ-પત્ની અને દીકરીનું મોત નીપજ્યું હોવાના સમાચાર વતન નડિયાદમાં મળતાં જ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોક છવાયો છે.

ઓહાયોની મોટેલમાં મધ્યરાત્રિએ લાગી ભીષણ આગ

મળતી માહિતી મુજબ, નડિયાદના વતની હિતેશ સુથાર, તેમના પત્ની હીના સુથાર અને તેમની 20 વર્ષની દીકરી ઈશાની અમેરિકાના ઓહાયોમાં વુસ્ટર ખાતે આવેલી 'ઇકોનો લોજ' નામની મોટેલમાં રહેતા હતા. હિતેશ આ જ મોટેલમાં કામ કરતા હતા અને પરિવાર સાથે ત્યાં જ ક્વાર્ટર્સમાં રહેતા હતા. સ્થાનિક સમય અનુસાર, મધ્યરાત્રિએ આશરે 1:30 વાગ્યે જ્યારે આખો પરિવાર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે મોટેલમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે મોટેલના ધાબામાંથી પ્રચંડ જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા.

બચવા માટે બાથરૂમમાં લૉક થયા, પણ કાળ આંબી ગયો!

આગની લપેટો વચ્ચે રૂમમાં ફસાયેલા હિતેશ અને તેમના પરિવારે બચવા માટે મોટેલના રીસેપ્શન પર ફોન કરીને મદદ માંગી હતી. ત્યાંથી તેમને સલાહ આપવામાં આવી હતી કે તેઓ બાથરૂમમાં જતા રહે અને નળ ચાલુ રાખીને ત્યાં જ આશરો લે. આ સલાહ મુજબ, આગ અને ઝેરી ધુમાડાથી બચવા માટે સુથાર પરિવારે પોતાની જાતને બાથરૂમની અંદર બંધ કરી દીધી હતી.

પતિ-પત્ની અને દીકરીનું મોત!

પરંતુ, કમનસીબે આગ એટલી વિકરાળ હતી કે તેના પર કાબૂ મેળવવામાં ભારે સમય લાગ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ મોટેલના પાછળના ભાગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી અને અનેક પ્રયાસો કર્યા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. બાથરૂમની અંદર ધુમાડો ભરાઈ જવાના કારણે શ્વાસ રૂંધાવાથી પતિ-પત્ની અને દીકરીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સ્થાનિક તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

આ ભયાનક અકસ્માતમાં મોટેલના પાછળના અને અલગ પડેલા હિસ્સાને ભારે નુકસાન થયું છે, જેના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. ક્લેવલેન્ડથી દક્ષિણમાં આશરે 96 કિલોમીટર દૂર આવેલી મોટેલમાં બનેલી આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

આ પણ વાંચો: અમદાવાદના જાણીતા કેન્સર નિષ્ણાત અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો. પંકજ એમ. શાહનું નિધન

હાલ અમેરિકાની સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમો દ્વારા મોટેલમાં આગ કયા કારણોસર લાગી તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. બે વર્ષ પહેલાં જ ઉજળા ભવિષ્યની આશા સાથે અમેરિકા ગયેલા સુથાર પરિવારના ત્રણેય સભ્યોના એકસાથે આકસ્મિક મોતના પગલે નડિયાદમાં રહેતા તેમના સગા-સંબંધીઓ આઘાતમાં છે.