Kheda

નડિયાદ મનપાનું પ્રથમ જનરલ બોર્ડ માત્ર 90 સેકન્ડમાં આટોપાયું! વિપક્ષનો ભારે હોબાળો

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
નડિયાદ મહાનગરપાલિકાનું પ્રથમ જનરલ બોર્ડ 90 સેકન્ડમાં આટોપાતા વિવાદ સર્જાયો. મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં, મ્યુનિસિપલ સેક્રેટરીએ એજન્ડા વાંચી સભા પૂર્ણ જાહેર કરી દેતા કોંગ્રેસના કાઉન્સિલર હાર્દિક ભટ્ટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મહત્વના ઠરાવો ચર્ચા વગર મંજૂર થતા વિપક્ષે લેખિત રજૂઆતનો પ્રયાસ કર્યો, જે શાસક પક્ષે નકાર્યો. 6 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓ સામે પણ સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નડિયાદ મનપાનું પ્રથમ જનરલ બોર્ડ માત્ર 90 સેકન્ડમાં આટોપાયું! વિપક્ષનો ભારે હોબાળો

Nadiad Municipal Corporation Controversy: નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આજે યોજાયેલું પ્રથમ જનરલ બોર્ડ ઐતિહાસિક ચર્ચાના સ્થાને વિવાદોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. લોકવિકાસના કામો અને પ્રજાના પ્રશ્નોની ગંભીર ચર્ચા કરવાને બદલે આ સમગ્ર બેઠક માત્ર 1 થી દોઢ મિનિટ (90 સેકન્ડ) ના ટૂંકા ગાળામાં જ આટોપી લેવામાં આવતા અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. મેયર, બંને ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર અને મ્યુનિસિપલ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મ્યુનિસિપલ સેક્રેટરીએ આપેલા એજન્ડા સડસડાટ વાંચી જઈને સભા પૂર્ણ જાહેર કરી દેવાતા જનપ્રતિનિધિઓની ગંભીરતા સામે સવાલો ઉભા થયા છે.

મહત્વના એજન્ડા ચર્ચા વગર મંજૂર: વિપક્ષનો ઉગ્ર વિરોધ
આ ટૂંકી સભા દરમિયાન શાસક પક્ષ દ્વારા એજન્ડાના મુદ્દાઓ બહુમતીના જોરે મંજૂર કરી લેવાયા હતા, જેની સામે કોંગ્રેસના કાઉન્સિલર હાર્દિક ભટ્ટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા કે મહાનગરપાલિકા દ્વારા કયા આધાર પર અને કયા નિયમો હેઠળ આ ઠરાવો પાસ કરવામાં આવી રહ્યા છે, તેની સ્પષ્ટતા થવી જોઈએ. આ અંગે વિપક્ષી કાઉન્સિલર લેખિત રજૂઆત કરવા મેયર પાસે ગયા હતા, પરંતુ શાસક પક્ષે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ થયો છે.

આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વગર મહોર વાગી
કારોબારી સમિતિએ કરેલા વિવિધ ઠરાવોને બહાલી આપવી. ચૂંટાયેલા પ્રતિનિધિઓના માનદ વેતન અને ભથ્થા મંજૂર કરવા. ટીપી 8 ની કામગીરી તેમજ તમામ નગરરચના યોજનાઓમાં પાર્ટ પરામર્શ આપવો. સિટી બસ સ્ટેશનની GSRTCને ફાળવેલી જગ્યા પરત લેવી.

અધિકારીઓ 6 વર્ષથી એક જ જગ્યાએ: બદલીના નિયમો સામે સવાલો
મનપાની રચના થયાને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં વહીવટી સુકાન અગાઉની નગરપાલિકા વખતના અધિકારીઓના હાથમાં જ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તત્કાલીન ચીફ ઓફિસર અને હાલના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળ તેમજ તત્કાલીન એકાઉન્ટન્ટ અને હાલના મનપા સેક્રેટરી મુકેશ પટ્ટણી દ્વારા જ આ સભાનું સંચાલન કરાયું હતું. સામાન્ય વહીવટી નિયમો અનુસાર કોઈપણ ક્લાસના અધિકારીની બદલી 3 વર્ષમાં થવી અનિવાર્ય હોય છે, પરંતુ આ બંને વહીવટી અધિકારીઓ છેલ્લા 6 વર્ષથી નડિયાદમાં જ ફરજ બજાવતા હોવાથી સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ જાગી છે.

સત્તાપક્ષ અને વિપક્ષે શું કહ્યું?
આ અંગે નડિયાદ મહાનગરપાલિકાના મેયરે જણાવ્યું હતું કે વિપક્ષના આરોપો પાયાવિહોણા છે, નડિયાદ શહેરમાં તમામ કામકાજ થઈ રહ્યા છે, વિપક્ષે કાંસની સફાઇને લઈને લગાવેલા આરોપ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ, અગાઉની જે બોડી હતી તેના કામકાજના પણ રિવ્યુ કરી રહ્યા છીએ. જો કે વિપક્ષનો આરોપ છે કે આજે કાંસનું કામકાજ છે તે અધૂરું મુકાયું છે અને નડિયાદ શહેરની જનતાને મુશ્કેલી પડી રહી છે તેને લઈને સત્તાધારી પક્ષ કોઈ યોગ્ય કામ કરી રહ્યું નથી. આ અંગે મેયરે કહ્યું કે-મનપાની બોડી સમય અને જનતાની માંગણી પ્રમાણે જ કામ કરે છે. પરંતુ વિપક્ષ પાયાવિહોણા આરોપ લગાવીને જનતાને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે.

બીજી તરફ, વિપક્ષી કાઉન્સિલરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે-


અગાઉ જ્યારે નગરપાલિકા ચાલતી હતી તેના કરતા પણ અત્યંત નબળી સ્થિતિમાં આ શાસકો મહાનગરપાલિકા ચલાવી રહ્યા છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના કામો મંજૂર કરવા માટે માત્ર 1 મિનિટમાં બોર્ડ પૂર્ણ કરી દેવાયું. સમગ્ર બોર્ડ વહીવટી પાંખના ઈશારે ચાલતું હોય અને શાસકો માત્ર કઠપૂતળી બનીને બેઠા હોય તેવું ચિત્ર આજે સ્પષ્ટ થયું છે.

હવે જોવાનું એ રહેશે કે પ્રથમ જનરલ બોર્ડમાં જ થયેલો આ વિવાદ અને અધિકારીઓની વર્ષો જૂની નિયુક્તિનો મુદ્દો આગામી દિવસોમાં નડિયાદના રાજકારણમાં કેવો વળાંક લે છે.