Junagadh

જામવાળા ફોરેસ્ટ રેન્જના વહીવટ સામે ગાંધીનગરથી ખાસ તપાસના આદેશ

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢની જામવાળા રેન્જમાં 3 વર્ષના કરોડોના વિકાસકાર્યોમાં ગેરરીતિની આશંકાથી વન વિભાગમાં ખળભળાટ મચ્યો છે. ગાંધીનગરથી આવેલા એડિશનલ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર સોનવણે સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ તપાસ કમિટીએ જામવાળામાં ધામા નાખ્યા છે. પૂર્વ આરએફઓ બી.બી. વાળાના કાર્યકાળના તમામ કામોની ફાઈલો, ગ્રાન્ટ અને સ્થળ તપાસ શરૂ થતા વનકર્મીઓમાં ફફડાટ છે. આ તપાસ અનેક તર્ક-વિતર્ક જગાવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામવાળા ફોરેસ્ટ રેન્જના વહીવટ સામે ગાંધીનગરથી ખાસ તપાસના આદેશ

જૂનાગઢ : ગીર પશ્ચિમ ડિવિઝન હેઠળ આવતી ચર્ચિત જામવાળા રેન્જમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન થયેલા કરોડો રૂપિયાના વિકાસ અને નિભાવણીના કામોમાં ગેરરીતિની આશંકાને પગલે વન વિભાગમાં મોટો ભડકો થયો છે. ગાંધીનગર સ્થિત વન વિભાગના વડામથકેથી છૂટેલા આદેશ બાદ એડિશનલ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સોનવણે તેમજ ડીસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ તપાસ કમિટી જામવાળા ખાતે દોડી આવી છે. હાલ આ ટીમે જામવાળા રેન્જમાં થયેલા તમામ ટેકનિકલ અને વહીવટી કામોની ઝીણવટભરી તપાસ શરૂ કરતા વન કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગરથી આવેલી ખાસ ટીમ દ્વારા પૂર્વ આરએફઓ બી.બી. વાળાના કાર્યકાળ દરમિયાન થયેલા તમામ નાના-મોટા કામોની ફાઈલો, ગ્રાન્ટ અને પ્રત્યક્ષ સ્થળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચેકડેમ અને વન તલાવડી નિર્માણ અને રિપેરિંગના કામોની ગુણવત્તા તથા ખર્ચની ચકાસણી, સ્ટાફ ક્વાર્ટર રિનોવેશન પાછળ થયેલા ખર્ચના વાઉચરો અને બિલિંગ, જમીનને બિનખેતી કરવા માટે અભિપ્રાય આપવાના કાગળોની તપાસ, ફાયર લાઈન અને બાપસા કટિંગ (બિનજરૂરી વૃક્ષો), ચોમાસા અને ઉનાળા દરમિયાન જંગલની સુરક્ષા માટે થતી કામગીરીમાં કાગળ પર થયેલા કામોની વાસ્તવિકતાની તપાસ માટેનો ધમધમાટ શરૂ થયો છે. જે અધિકારી થોડા સમય પહેલા સુધી સમગ્ર ગીર પશ્ચિમ ડિવિઝનમાં ભારે દબદબો ધરાવતા હતા તેમને અચાનક ટાર્ગેટ કરાતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. આરએફઓ વાળાને ભૂતકાળમાં ડેડકડી રેન્જથી લઈને એસીએફ સુધીના અત્યંત મહત્વના ચાર્જ સોંપવામાં આવતા હતા પરંતુ તાજેતરમાં થયેલી આરએફઓની બદલીઓમાં તેમને ગીર બહાર ધકેલી દેવાયા બાદ હવે આ ખાસ તપાસ બેસાડાતાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
જો વન વિભાગમાં તમામ જગ્યાએ એક જ પધ્ધતિથી કામ થતું હોય તો માત્ર જામવાળા રેન્જ માટે જ આવી વિશેષ તપાસ કમિટી કેમ રચવામાં આવી? બદલી કાંડ પ્રકરણમાં આ અધિકારીએ રજૂઆતો કરવામાં દાખવેલો વધુ પડતો રસ જ તેમને નડી ગયો છે કે પછી અંદરોઅંદરનું રાજકારણ? શું અન્ય રેન્જોમાં બધું સમુંસૂથરું છે કે માત્ર ચોક્કસ અધિકારીને નિશાન બનાવાઈ રહ્યા છે ? એ સવાલ ઉઠયા છે. આ તપાસ અંગે જામવાળા ખાતે ડેરો નાખીને બેઠેલા તપાસનીશ અધિકારીઓ કે સ્થાનિક વન વિભાગના કોઈ પણ નાના-મોટા અધિકારીઓ કશું પણ બોલવા તૈયાર નથી. તમામ અધિકારીઓએ સાધેલું મૌન દાળમાં કંઈક કાળું હોવાની શંકાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. હાલ તો ગાંધીનગરના આદેશથી શરૂ થયેલી આ હાઈ-પ્રોફાઈલ તપાસ કેટલા દિવસ ચાલશે અને તપાસ અહેવાલ રજૂ થયા બાદ કયા અધિકારીઓ સામે ગાજ ગરજશે તેના પર સમગ્ર વન વિભાગ અને ગીર પંથકની નજર મંડાયેલી છે