જૂનાગઢમાં લોખંડના ગેઈટને કૂદવા જતા પગ ફસાઈ જતાં સિંહને ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ : જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં આજે એક સિંહ કુદવા ગયો ત્યારે તેનો પગ લોખંડના ગેટમાં ફસાઈ ગયો હતો. સિંહે તેમાંથી નીકળવા પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. આ અંગે જાણ થતા વન વિભાગની ટીમે સ્થળ પર જઈ સિંહને બેભાન કરી રેસ્ક્યુ કર્યો હતો અને સક્કરબાગ સારવારમાં ખસેડયો હતો.
જૂનાગઢના ભવનાથ, બિલખા રોડ, ગ્રોફેડ આસપાસ રોજબરોજ સિંહોની અવર-જવર રહે છે. શિકારની શોધમાં ચડી આવતા વનરાજો રાત્રીના રહેણાંક વિસ્તારો સુધી આવી પરત જતા રહે છે. આજે વહેલી સવારે શહેરના ગ્રોફેડ વિસ્તારમાં એકથી બે વર્ષનો સિંહ ચડી આવ્યો હતો. આ સિંહ ગ્રોફેડનો લોખંડનો ગેટ કુદીને ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પગ ગેટમાં ફસાઈ ગયો હતો. તેમાંથી નીકળવા માટે તેણે ધમપછાડા કર્યા હતા પરંતુ તે તેમાંથી નીકળી શક્યો ન હતો. પગમાં ઈજા થઈ હતી. આ અંગે લોકોએ જાણ કરતા વન વિભાગ તેમજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી. સિંહને બેભાન કરી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. સ્થળ પર પ્રાથમિક સારવાર આપી તેને સક્કરબાગ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પશુચિકીત્સકોના નિરીક્ષણમાં તેની સારવારમાં કરવામાં આવી રહી છે. સ્વસ્થ થયા બાદ આ સિંહને જંગલમાં મુક્ત કરવામાં આવશે.









