જામનગરની ફેક્ટરીમાંથી રૂ.7.52 લાખની ચોરી કરનાર બે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : જામનગર શહેરમાં ફેક્ટરીમાંથી ઈલેક્ટ્રિક મોટર સહિત રૂ.7.52 લાખની કિંમતના માલસામાનની ચોરીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બેડેશ્વર પોલીસ ચોકીની ટીમે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 306, 54 હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓ ફરિયાદીની માલિકીની સિલ્વર પ્રેટેન પ્રા.લિ. ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. તા.7 જાન્યુઆરી, 2026ના રોજ બંનેએ ફેક્ટરીમાં રહેલી 12 ઈલેક્ટ્રિક મોટર, અંદાજે 500 કિલો ટ્રાન્સફોર્મરના કોપરના વાયર તથા આશરે 45 કિલો લોખંડનો સ્ક્રેપ મળી કુલ રૂ.7,52,000ની કિંમતનો માલ ચોરી કર્યો હતો.
આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી-બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણની સૂચનાથી બેડેશ્વર પોલીસ ચોકીની ટીમ તપાસમાં જોડાઈ હતી.
દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ભાદરા તાલુકાના શેરડા ગામના નિતેશકુમાર બદ્રીપ્રસાદ મેઘવાર (ઉ.વ.23) તથા દિનેશ રામસિંગ મેહરા (ઉ.વ.21)ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.બી.ઠાકોર દ્વારા ધોરણસર અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ચોરીના મુદ્દામાલ અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.




