જામનગર શહેરનું જળશંકટ હળવું કરવા માટે 'સૌની યોજના'માંથી પાણી ઠાલવવાનું શરૂ કરાયું: ગઈકાલથી થયો પ્રારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરમાં વરસાદ ખેંચાતા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી-3, ઊંડ-1 અને સસોઈ ડેમોમાં માત્ર આ માસ ના અંત સુધી એટલેકે આગામી દસ દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરતાં "સૌની યોજના" મારફતે મચ્છુ-2 ડેમમાંથી આજી-3 ડેમમાં પાણી ઠાલવવાનું ગઈકાલથી શરૂ કરાવ્યું છે, જેના કારણે શહેર પર મંડરાતું જળસંકટ હળવું થવાની આશા જાગી છે.
જામનગર મહાનગરપાલિકાએ શહેરની આશરે સાત લાખની વસ્તીને પીવાનું પાણી નિયમિત મળી રહે તે માટે રાજ્ય સરકાર સમક્ષ કુલ 550 એમસીએફટી પાણીની માંગણી કરી હતી. તેમાં આજી-3 ડેમ માટે 200 એમસીએફટી, ઊંડ-1 ડેમ માટે 200 એમસીએફટી અને સસોઈ ડેમ માટે 150 એમસીએફટી પાણીની માંગ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં મચ્છુ-૨ ડેમમાંથી આજી-3 ડેમમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે, જ્યારે આગામી દિવસોમાં સરકારના શેડ્યૂલ મુજબ અન્ય ડેમોમાં પણ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે, તેમ જામનગર મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગના અધિકારી નરેશ પટેલે જણાવ્યું છે.









