Jamnagar

જામનગર જિલ્લામાં 24 કલાકમાં જુગારના ત્રણ દરોડા : ચાર મહિલાઓ સહિત 12 જુગારીઓ ઝડપાયા

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં પોલીસે જુગાર વિરોધી ઝુંબેશ તેજ બનાવી છે. છેલ્લા 24 કલાકમાં મેઘપર (પડાણા), જોડિયા અને ધ્રોલ પોલીસે 3 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં 4 મહિલાઓ સહિત 12 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ 17,610 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારધારા હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં 24 કલાકમાં જુગારના ત્રણ દરોડા : ચાર મહિલાઓ સહિત 12 જુગારીઓ ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે ઝુંબેશ વધુ તેજ બનાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મેઘપર (પડાણા), જોડિયા અને ધ્રોલ પોલીસ મથકની હદમાં ત્રણ સ્થળોએ દરોડા પાડી ચાર મહિલાઓ સહિત કુલ 12 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણેય સ્થળેથી રોકડ રકમ તથા ગંજીપત્તા મળી કુલ રૂ.17,610નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મેઘપર (પડાણા) પોલીસ મથકની હદમાં મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે વિપુલભાઈ બોઘાભાઈ રાઠોડ, જયશ્રીબેન પ્રકાશભાઈ પરમાર, જલુબેન કાનાભાઈ પરમાર, જ્યોત્સનાબેન મનસુખભાઈ પરમાર અને મુક્તાબેન પરષોતમભાઈ પરમાર સામે કાર્યવાહી કરી હતી. જેમાં વિપુલભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ચાર મહિલાઓને નોટિસ આપવામાં આવી હતી. સ્થળેથી રૂ.12,800 રોકડા તથા ગંજીપત્તા કબજે કરવામાં આવ્યા હતા.
જોડિયા પોલીસ મથકની હદમાં બેરાજા ગામના બસ સ્ટેન્ડ પાસે પાદરમાં જાહેરમાં જુગાર રમતા ભરતસિંહ લાખાજી પરમાર અને રાહુલભાઈ બાવાભાઈ ટોયટા ઝડપાયા હતા. બંને પાસેથી રૂ.2,410 રોકડા તથા ગંજીપત્તા મળી કુલ રૂ.2,410નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ધ્રોલ પોલીસ મથકની હદમાં લતીપર ગામના ખારાવાડ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે જાહેર શેરીમાં જુગાર રમતા વિપુલભાઈ સવશીભાઈ વાધેલા, સુમિતભાઈ રમેશભાઈ વાધેલા, પ્રભાતભાઈ દેવાયતભાઈ કેશુર, પ્રવિણભાઈ ગગજીભાઈ વાધેલા અને પ્રકાશભાઈ બટુકભાઈ વાધેલાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળેથી રૂ.2,400 રોકડા તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
આમ, જામનગર જિલ્લામાં માત્ર 24 કલાકના સમયગાળામાં જુગારના ત્રણ દરોડા પાડી કુલ 12 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ત્રણેય બનાવમાં પોલીસે જુગારધારા કલમ-12 હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.