Jamnagar

જામનગર તાલુકાના અલિયાબાડામાં ચકચારજનક કિસ્સો: સાસુએ ગરમ પાણીની ડોલ ઉડાડતાં પુત્રવધુ અને પૌત્રી દાઝ્યાં

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરના અલિયા ગામમાં ઘરકંકાસમાં સાસુ મેમુનાબેન વિંઘાણીએ પુત્રવધૂ મુસ્કાન અને 7 માસની પૌત્રી આઇશા પર ગરમ પાણી ઉડાડ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી માતા-દીકરીને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પતિ જુનેદભાઈએ પોતાની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર તાલુકાના અલિયાબાડામાં ચકચારજનક કિસ્સો: સાસુએ ગરમ પાણીની ડોલ ઉડાડતાં પુત્રવધુ અને પૌત્રી દાઝ્યાં

Jamnagar: જામનગર તાલુકાના અલિયા ગામમાં ઘરકંકાસના બનાવમાં સાસુએ પુત્રવધૂ અને સાત માસની પૌત્રી ઉપર ગરમ પાણી ઉડાડતાં બંને દાઝી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. બનાવને પગલે દાઝી ગયેલી માતા-દીકરીને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

અલિયા ગામની મેઇન બજારમાં રહેતા અને ખેતીકામ કરતા જુનેદભાઈ ઇકબાલભાઈ વિંઘાણી (ઉ.વ.39)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.25 સપ્ટેમ્બરના રોજ સવારે તેમની પત્ની મુસ્કાન અને તેમની માતા મેમુનાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બપોરે આશરે બે વાગ્યાના અરસામાં જુનેદભાઈ વાડીએ જતા રહ્યા હતા.

દરમિયાન ઘરે તેમની માતા મેમુનાબેન, પત્ની મુસ્કાન અને તેમની સાત માસની પુત્રી આઇશા હાજર હતાં. બપોરે આશરે ત્રણ વાગ્યાના અરસામાં જુનેદભાઈને તેમના પત્નીના મોબાઇલ ફોન પરથી તેમના કાકાના પુત્ર ઇમરાને ફોન કરીને પત્ની મુસ્કાન અને પુત્રી આઇશા દાઝી ગયાં હોવાનું જણાવી તાત્કાલિક ઘરે આવવા કહ્યું હતું.

ફરિયાદ મુજબ, જુનેદભાઈ ઘરે પહોંચતાં પત્ની મુસ્કાન અને પુત્રી આઇશા દાઝેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. પત્નીએ તેમને જણાવ્યું હતું કે તે પુત્રી આઇશાને લઈને રૂમમાં બેઠી હતી ત્યારે સાસુ મેમુનાબેન ગરમ પાણી ભરેલી ડોલ લઈને આવ્યાં હતાં અને અચાનક બંને ઉપર ગરમ પાણી ઉડાડતાં માતા-દીકરી દાઝી ગયાં હતાં.

બંનેને ખાનગી વાહનમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મુસ્કાનના ચહેરા, છાતી, બંને હાથ અને પગના ભાગે દાઝી જવાની ઇજાઓ થઈ છે, જ્યારે સાત માસની બાળકી આઇશાના પેટ, ડાબા પગ અને બંને હાથના ભાગે દાઝી જવાની ઇજાઓ થઈ છે. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાનું તથા બંને ભાનમાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

જુનેદભાઈએ પોતાની માતા મેમુનાબેન વા/ઓ ઇકબાલભાઈ વિંઘાણી વિરુદ્ધ પત્ની અને પુત્રી ઉપર જાણીજોઈને ગરમ પાણી ઉડાડી શરીરે દઝાડી ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.