જામનગરના અતિ ચકચારજનક સગીરા સાથેના દુષ્કર્મ અંગેના કેસમાં સગી જનેતાની જામીન અરજી ફગાવી દેવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લામાં સગીર પુત્રીને તેના સાવકા પિતા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવાના ચકચારી કેસમાં ધરપકડ બાદ જેલમાં રહેલી સગીરાની માતાએ કરેલી જામીન અરજી પોક્સો કેસોની ખાસ અદાલતે રદ કરી છે.
આ કેસની વિગતો મુજબ, સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પોતાની માતા અને સાવકા પિતા સાથે રહેતી હતી. દરમિયાન તેની માતાએ તેને સાવકા પિતા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ એક રાત્રે માતાએ ગરમી થતી હોવાનું જણાવીને સગીરાને ઘરની અગાશી પર સુવા મોકલી હતી. આ દરમિયાન સાવકા પિતાએ સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ સિલસિલો બાદમાં પણ ચાલુ રહેતાં સગીરાએ પોતાની માતા અને સાવકા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને અદાલતમાં રજૂ કરતાં તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
માતાએ જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરી હતી. જેનો સરકારી વકીલ રાજેશભાઈ વશીયરે વિરોધ કર્યો હતો. તેમણે અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે, આ સમગ્ર ઘટના સમાજ માટે લાંછનરૂપ છે અને ગુનામાં મહિલા આરોપીની સક્રિય ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. માતા તરીકે પુત્રીની રક્ષા કરવાની જવાબદારી હોવા છતાં આરોપી મહિલાએ જ સગીરાને સાવકા પિતા સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરી હોવાની ગંભીર બાબત હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.
સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, આવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં તેની વિપરીત અસર પડી શકે છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પોક્સો કેસોની ખાસ અદાલતે સગીરાની માતાની જામીન અરજી નામંજૂર કરી હતી.




