જામનગરના ગોકુલનગર હત્યા કેસમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું: હત્યામાં પકડાયેલા સાતેય આરોપીઓ જેલહવાલે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં યુવાનની હત્યાના ચર્ચાસ્પદ કેસમાં પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે. હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કર્યા બાદ પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન (ઘટનાનું પુનઃનિર્માણ) કરાવ્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ સાતેય આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ગત તા. 17 જુલાઈની રાત્રે ગોકુલનગર શેરી નં. 11 વિસ્તારમાં રહેતા બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા પોતાના વિસ્તારમાં હતા ત્યારે અપશબ્દોને લઈને થયેલી ગેરસમજ બાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગુમાનસિંહ જાડેજા, સોનુબા ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાઘેલા, જોષનાબા અને જોષનાબાના પતિ સહિતના લોકો જેઠવા પરિવારના ઘરે પહોંચી ઝઘડો કરવા લાગ્યા હતા.
બોલાચાલી ઉગ્ર બનતાં પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજાએ પોતાની પાસે રહેલી છરી વડે પ્રદીપસિંહ જશાજી જેઠવા (ઉ.વ. 27) પર જીવલેણ હુમલો કર્યો હતો. દરમિયાન બાબુ ઉર્ફે રણજીતસિંહ જેઠવા અને તેમના ભાઈ મયુરસિંહને પણ માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ પ્રદીપસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
ફરિયાદના આધારે પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન હત્યામાં વપરાયેલું છરી તલવાર ધોકો વગેરે હથિયાર પણ કબજે કરવામાં આવ્યા હતાં.
પોલીસે તપાસના ભાગરૂપે તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં ઘટનાક્રમની વિગતવાર પુનઃરચના કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સાતેય આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.




