જામનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા પોલીસની ‘કોમ્બિંગ નાઇટ’ યોજાઈ : આઠથી વધુ બાઇક ડિટેઇન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરીને અટકાવવા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ બુધવારે મોડી સાંજે ‘કોમ્બિંગ નાઇટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નંબર પ્લેટ વગરનાં વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મ લગાવનાર, ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનચાલકો, ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ કરતા તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો લઈને નીકળેલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
‘કોમ્બિંગ નાઇટ’ દરમિયાન જામનગર શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશદ્વાર તરફના માર્ગો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડિયા, દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીના પીએસઆઇ વી.આર.ધોરીયા, પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિતની સર્વેલન્સ ટીમે દરબારગઢ નાકા બહારના પાંચ હાટડી વિસ્તાર, ઘાંચીની ખડકી, ખોજા નાકા, પવનચક્કી વિસ્તાર તથા એસ.ટી. રોડ પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. ચેકિંગ દરમિયાન આઠથી વધુ બાઇક ડિટેઇન કરવામાં આવી હતી તેમજ સંખ્યાબંધ વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોલીસની સઘન કાર્યવાહીના પગલે નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
જાહેર સ્થળોએ જમાવડો કરનારાઓ સામે પણ કાર્યવાહી
‘કોમ્બિંગ નાઇટ’ દરમિયાન દુકાનો બહાર તથા જાહેર સ્થળોએ વાહનો આડેધડ પાર્ક કરી જમાવડો કરીને બેસતા લોકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ટીમને જોતાં કેટલાક લોકો સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસની આ કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત્ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.




