જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બિલના બાકી નાણાંની વસૂલાત માટે PGVCLની ઝુંબેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PGVCL Checking : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બિલની બાકી રકમની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી દ્વારા જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2025-26ના સપ્ટેમ્બર-2025 દરમિયાન વીજ બિલ પેટે કુલ 94,283 જેટલા બાકીદારો પાસેથી રૂ.34.44 કરોડ જેટલી રકમ વસૂલવાની બાકી છે. આ બાકી રકમની વસૂલાત માટે હાલમાં અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વીજ બાકીદારો સામે કાર્યવાહી કરવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 38 પેટા વિભાગીય કચેરીઓમાં વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે કુલ મળીને અંદાજે 400 ટીમો કાર્યરત કરવામાં આવી છે. બાકી વીજ બિલની રકમ સમયસર ભરપાઈ ન કરનાર ગ્રાહકોના વીજ જોડાણ નિયમોનુસાર કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, વીજ બિલની બાકી રકમ સમયસર ભરપાઈ કરી વીજ જોડાણ કપાત તથા ત્યારબાદની કાર્યવાહીથી બચી શકાય. બાકી રકમ સમયમર્યાદામાં ભરપાઈ કરવા માટે ગ્રાહકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
વીજ બિલની બાકી રકમ ભરવા માટે ગ્રાહકો ઈ.સી.એસ. (ECS), ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ, પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતેના પીઓએસ મશીન, પીજીવીસીએલની વેબસાઇટ મારફતે યુપીઆઈ, અન્ય ઓનલાઈન પેમેન્ટ/ઈ-વોલેટ, ગ્રાહકની સંલગ્ન બેંકની વેબસાઇટ તથા એટીએમ અને આરટીજીએસ/નેફ્ટ જેવી વિવિધ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે.
પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, વીજ બિલની બાકી રકમ સમયસર ચૂકવીને વીજ જોડાણ કપાતની કાર્યવાહી ટાળવામાં સહયોગ આપે.




