જામનગર બાયપાસ પર બાઈકને ટક્કર મારી દઈ નાગપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચને પાડી દીધા : જાનથી મારી નાખવાની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર તાલુકાના નાગપુર ગામના ઉપસરપંચ કૌશીકભાઈ માવજીભાઈ કાનાણી (ઉ.વ. 39) પોતાની ઈલેક્ટ્રિક બાઈક પર જામનગર આવી રહ્યા હતા ત્યારે મનુબાપુની વાડી નજીક ગામના જ રામજીભાઈ ઉર્ફે ભૂસાભાઈ ગાંગજીભાઈ સીંગલે બાઈકને ટક્કર મારી રસ્તા પર પાડી દીધા હોવાનો બનાવ પોલીસ ફરિયાદમાં નોંધાયો છે. બનાવમાં કૌશીકભાઈને જમણા પગ, હાથ અને પંજામાં ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર બાદ પગની ઘૂંટીનું ઓપરેશન કરી પ્લેટ બેસાડવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, તા. 8 ઓગસ્ટના રોજ સવારે સવા દસ વાગ્યે કૌશીકભાઈ પોતાની સફેદ રંગની ઓકીનાવા ઈલેક્ટ્રિક બાઈક નં. જીજે-10-ડીએમ-1826 લઈને નાગપુરથી જામનગર તરફ આવી રહ્યા હતા. મતવા ગામની ગોલાઈથી જામનગર તરફ મનુબાપુની વાડી નજીક પહોંચતા રામજીભાઈ સીંગલ મોટરસાયકલ લઈને તેમની બાજુમાં આવ્યા હતા અને ગાળો બોલી બાઈક રોકવા કહ્યું હતું. કૌશીકભાઈએ બાઈક ન રોકતાં રામજીભાઈએ બાઈકમાં પાટુ મારતાં તેઓએ બેલેન્સ સંભાળ્યું હતું. ત્યારબાદ પાછળથી ફરી બાઈકને ઠોકર મારતાં કૌશીકભાઈ બાઈક સાથે રોડ પર પટકાયા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, રામજીભાઈએ પોતાનું મોટરસાયકલ ઊભું રાખી ગાળો આપી ગ્રામ પંચાયતના કામમાં ટાંગ ન ભરાવવા અને અન્યથા જીવતો નહીં રહેવા દેવાની તથા મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો પણ ત્યાં ઊભા રહી ગયા હતા. બાદમાં રામજીભાઈ મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળી ગયા હતા. બનાવ દરમિયાન નાગપુર ગામના જીતુભાઈ બચુભાઈ સોલંકી પણ ત્યાંથી પસાર થતાં બંનેને જોયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઈજાગ્રસ્ત કૌશીકભાઈએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં એમ્બ્યુલન્સ મારફતે તથા મિત્ર શુભમસિંહ ઝાલાની મદદથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દ્વારકેશ આઈ.સી.યુ. ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના જમણા પગની ઘૂંટીનું ઓપરેશન કરી પ્લેટ બેસાડવામાં આવી હતી. તા.10 ઓગસ્ટે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં કૌશીકભાઈએ બનાવ પાછળ નાગપુર ગ્રામ પંચાયતમાં રામજીભાઈના પુત્ર નરેન્દ્રભાઈ સમજીભાઈ સીંગલ સરપંચ પદે હોવા તથા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી હોવાનો મુદ્દો કારણભૂત હોવાનું જણાવ્યું છે. આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.









